રંગભૂમિ : મુંબઈમાં 1949માં સ્થપાયેલી નાટ્યસંસ્થા. પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ, લીલા જરીવાલા, મધુકર રાંદેરિયા, મંગળદાસ પકવાસા, ગુણવંતરાય આચાર્ય વગેરેના સથવારે અમર જરીવાલાના મહામંત્રીપદે આ સંસ્થાએ અનેક નાટકોની રજૂઆત કરી; અને પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ વગેરેએ એમાં યથોચિત ફાળો આપ્યો. દસ વર્ષની કારકિર્દી પછી આ સંસ્થાએ નાટ્યમિલન યોજ્યું અને ‘નાટ્યરંગ’ નામનું સામયિક શરૂ કરી નાટ્યસિદ્ધાંતની ચર્ચાવિચારણામાં પણ ફાળો આપ્યો. ‘રંગભૂમિ’એ પહેલા જ વર્ષે અંગ્રેજ લેખક જે. બી. પ્રિસ્ટ્લીનું ‘ઇન્સ્પેક્ટર કૉલ્સ’ ગુજરાતીમાં અવતાર્યું. એ પછીનાં નાટકોમાં આચાર્ય અત્રેનું ‘દુનિયા શું કહેશે’, રમણલાલ દેસાઈની નવલકથાનું રૂપાંતર ‘પૂર્ણિમા’, વજુભાઈ ટાંકનો અનુવાદ ‘નરબંકા’ અને ‘દર્શક’ની નવલકથાનું રૂપાંતર ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નોંધપાત્ર છે. નાટ્યકસબ અને રસની દૃષ્ટિએ વૈવિધ્યવાળાં નાટકો રજૂ કરવાં એ ‘રંગભૂમિ’ સંસ્થાની વિશિષ્ટતા રહી. નાટ્યકાર જયંતિ પટેલે ‘રંગભૂમિ’ માટે ‘ભાડૂતી પતિ’નું દિગ્દર્શન કર્યું હતું. મુંબઈની ગુજરાતી રંગભૂમિમાં આ નાટ્યમંડળીએ ઉચ્ચ સ્તરનાં રૂપાંતરો અને મૌલિક નાટકો દ્વારા ખૂબ નોંધપાત્ર કામ કર્યું હતું.

હસમુખ બારાડી