રંગમંચ (1961) : પંજાબી નાટ્યલેખક તથા દિગ્દર્શક બળવંત ગાર્ગી લિખિત ભારતીય રંગભૂમિનો ઇતિહાસ. આ કૃતિને 1962ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. બળવંત ગાર્ગી(જ. 1918)એ પંજાબી રંગભૂમિ પર નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમનાં કેટલાંક નાટકો પરદેશમાં અનુવાદ પામ્યાં છે અને ભજવાયાં છે.

રંગમંચ

પુરસ્કૃત ગ્રંથમાં પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન પ્રવાહો સુધીની ભારતીય રંગભૂમિનો વિગતપૂર્ણ વિકાસઇતિહાસ આલેખાયો છે અને સાથોસાથ ફોટોગ્રાફ તથા સ્કેચ વડે આ માહિતી રસપ્રદ અને આધારભૂત બનાવાઈ છે. નાટકના ઉદભવથી માંડીને તેમણે ગ્રીક તથા ભારતીય નાટ્ય-પરંપરા, નાટ્યવિષયક વિવિધ પરિભાષા, પ્રાદેશિક નાટ્ય તથા લોકનાટ્ય, બાળ-રંગમંચ તથા ભારતીય નાટ્યનાં નવાં વહેણોની છણાવટ કરી છે.

પુસ્તકના બે પૈકી પ્રથમ ભાગમાં પૂર્વ તથા પશ્ચિમની પારંપરિક નાટ્યપ્રણાલી, સંસ્કૃત નાટક, શાસ્ત્રીય નૃત્યો, લોકનૃત્યો, લોકનાટ્યો, રામલીલા તથા કૃષ્ણલીલાની વિગતે ચર્ચા કરી છે. પુસ્તકના બીજા ભાગમાં પ્રાદેશિક નાટકોની આલોચનામાં બંગાળની નાટ્યકલા, ટાગોરનાં નાટકો, મરાઠી તથા ગુજરાતી નાટક, ભારતનાં પ્રાદેશિક નાટ્યો, પારસી થિયેટરનાં કેટલાંક વલણો, પૃથ્વી થિયેટર, પીપલ્સ થિયેટર અને ઍમેટર રંગભૂમિ વિશે માહિતી છે. આ ઉપરાંત તેમાં પંજાબી અને હિંદી નાટક, બૅલે, લિટલ બૅલે, ઑપેરા તથા બાળનાટકની ચર્ચા છે. ભારતીય રંગમંચના ભાવિ વિકાસની શક્યતાઓ પણ તેમણે તપાસી છે. તેમણે આધુનિક યુગમાં પશ્ચિમી રંગભૂમિએ સાધેલા વિકાસને દર્શાવવાની સાથે ભારતીય પરંપરા તથા પાશ્ર્ચાત્ય રંગમંચ-રીતિઓ વચ્ચે સમતુલા પ્રયોજવા પર ભાર મૂક્યો છે. ગાર્ગી જણાવે છે કે ભારતીય રંગમંચે નાટ્યશાસ્ત્ર, સંસ્કૃત નાટક, જાપાનનાં કાબૂકી અને નો નાટક ઉપરાંત આયનેસ્કો, બ્રેખ્ત, સાર્ત્ર તેમજ બીજા આધુનિક પશ્ચિમી નાટ્યકારો પાસેથી ઘણું શીખવાનું છે.

મહેશ ચોકસી