મીઠું : વિભિન્ન કુદરતી અને ઔદ્યોગિક પેદાશ રૂપે મળી આવતું સોડિયમ ક્લોરાઇડ નામનું અગત્યનું રાસાયણિક સંયોજન. રાસાયણિક સૂત્ર NaCl. અત્યંત શુદ્ધ સંયોજન 39.4 % સોડિયમ અને 60.6 % ક્લોરિન (આયનો રૂપે) ધરાવે છે. તે સામાન્ય લવણ (common salt) તેમજ મેજ-લવણ (table salt) કે બારીક દાણાદાર મીઠા (free flowing salt) તરીકે પણ ઓળખાય છે. લવણ-વર્ગનાં અન્ય સંયોજનોથી તેને અલગ પાડવા માટે ‘સામાન્ય લવણ’ – એવો શબ્દપ્રયોગ યોજવામાં આવ્યો છે. ખાદ્ય પદાર્થોના એક ઘટક તરીકે તે પુરાણા સમયથી વપરાતો આવે છે. ખાદ્ય-પરિરક્ષક (food preservative) તરીકે પણ તેનો ઉપયોગ જાણીતો છે. ખોરાક ઉપરાંત કેટલીક ધાર્મિક વિધિઓ સાથે પણ તે સંકળાયેલ છે. ઔદ્યોગિક ર્દષ્ટિએ પણ તે કાચા માલ તરીકે અગત્યનો પદાર્થ છે. વિશ્વના કેટલાક પ્રદેશોમાં ઘેર પધારેલા મહેમાનનું મીઠા વડે સ્વાગત થતું. કેટલીક જગ્યાએ નવવિવાહિતોને પાઉં (bread), દારૂ અને મીઠું અર્પણ કરવાની પણ પ્રથા હતી. તિબેટ, ઇથિયોપિયા તેમજ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં તેમજ ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોમાં મીઠાનાં ચોસલાં (cakes) ચલણ તરીકે વપરાતાં. ચીનમાં મીઠાના સિક્કા વપરાતા હોવાના ઉલ્લેખો જોવા મળેલા છે. રોમન સૈનિકોને મહેનતાણા રૂપે મીઠું આપવામાં આવતું. પગાર માટેનો અંગ્રેજી શબ્દ salary એ લૅટિન salarium એટલે કે સૈનિકોને મહેનતાણા રૂપે અપાતા મીઠા ઉપરથી વપરાશમાં આવ્યો છે. પ્રાચીન સમયમાં કેટલીક જગાએ મીઠા ઉપર લાગો (કર) ઉઘરાવવાની પણ પ્રથા હતી.
પ્રાપ્તિ : મીઠાના ઉત્પાદન માટે દરિયાનું પાણી અગત્યનો સ્રોત છે. સામાન્ય રીતે આ પાણીમાં 3 % જેટલા ઘન ક્ષારો ઓગળેલા હોય છે; જેમાં 2⁄3 ભાગ કરતાં વધુ મીઠું હોય છે. જોકે ખરેખરી સાંદ્રતા 1 % (ધ્રુવ-પ્રદેશો) અને 5 % સુધી બદલાતી રહે છે. ભૂમધ્ય અને લાલ સમુદ્રમાં પ્રમાણ વધુ હોય છે. કેટલાક ખડકો તેમજ માટીમાં સોડિયમ અને ક્લોરિન ધરાવતાં જે ખનિજો હોય છે તે વરસાદ પડતાં ઓગળે છે અને નદીઓ દ્વારા દરિયાના પાણીમાં ભળે છે. દરિયાના પાણીમાં એક ગૅલન(લગભગ 4 લિટર)દીઠ 105 ગ્રામ મીઠું હોય છે. એક અંદાજ મુજબ જો દુનિયાના બધા મહાસાગરોનું પાણી બાષ્પીભવન પામી ઊડી જાય તો તેમાંથી 1.876 કરોડ ઘન કિલોમીટર (45 લાખ ઘન માઈલ) જેટલું સૈંધવ (સિંધવ, સિંધાલૂણ) (rock salt) પ્રાપ્ત થાય.
ભારતને વિસ્તૃત દરિયાકાંઠો (લગભગ 57,000 કિમી) હોવાથી તેની પાસે દરિયામાંથી પ્રાપ્ત કરી શકાય તેવો મીઠાનો અખૂટ જથ્થો છે. દેશના અંદરના ભાગમાં આવેલા ખારા પાણીના સરોવરોમાંથી લગભગ 5.08 કરોડ ટન જેટલો જથ્થો મળી શકે તેમ છે; જ્યારે હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં સૈંધવનો અનામત જથ્થો લગભગ 85.5 લાખ ટન જેટલો છે.
દરિયાના પાણીમાંથી મળતા મીઠાનું સંઘટન સામાન્ય રીતે નીચે પ્રમાણે હોય છે :
સોડિયમ ક્લોરાઇડ 77.76 %
મૅગ્નેશિયમ ક્લોરાઇડ 10.88 %
મૅગ્નેશિયમ સલ્ફેટ 4.74 %
કૅલ્શિયમ સલ્ફેટ 3.60 %
પોટૅશિયમ ક્લોરાઇડ 2.46 %
મૅગ્નેશિયમ બ્રોમાઇડ 0.22 %
કૅલ્શિયમ કાર્બોનેટ 0.34 %
આ ઉપરાંત ઑસ્ટ્રિયા, ફ્રાન્સ, જર્મની, ભારત, યુ.એસ. તેમજ ગ્રેટ બ્રિટનમાં કેટલીક જગાએ કુદરતી લવણ-જલ (brines) મળી આવે છે; જેમાંથી મીઠું પ્રાપ્ત કરી શકાય છે. ગ્રેટ સૉલ્ટ લેક (યુ.એસ.) અને મૃત સમુદ્ર (dead sea) એ ખારા પાણીનાં સરોવરો છે. કેટલાક વિસ્તારમાં કૂવા અને ઝરણાં પણ ખારા પાણીનાં હોય છે. મૃત સમુદ્ર લગભગ 1,049 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે અને તેમાં આશરે 12.65 અબજ ટન જેટલું મીઠું છે. તેમાં ક્ષારની સાંદ્રતા ઊંડાઈ પ્રમાણે બદલાય છે; દા.ત., 40 મીટરની ઊંડાઈએ 1000 ભાગ પાણીમાં 270–300 ભાગ મીઠું હોય છે, જ્યારે 40થી 100 મીટરની ઊંડાઈ સુધી તેમાં ધીરે ધીરે વધારો થતો જાય છે. 100 મી.ની ઊંડાઈએ 1000 ભાગ પાણીમાં 332 ભાગ ક્ષાર હોય છે અને તે પછી તે લગભગ અચળ રહે છે. મૃત સમુદ્રના સપાટી પરના પાણીનું સંઘટન નીચે પ્રમાણે છે :
સોડિયમ ક્લોરાઇડ 6.11 %
મૅગ્નેશિયમ ક્લોરાઇડ 9.46 %
કૅલ્શિયમ ક્લોરાઇડ 2.63 %
પોટૅશિયમ ક્લોરાઇડ 0.85 %
મૅગ્નેશિયમ બ્રોમાઇડ 0.38 %
કૅલ્શિયમ સલ્ફેટ 0.11 %
કુલ ઘન પદાર્થો 19.54 %
ભારતમાં ગુજરાત રાજ્યમાં ખારાઘોડાનાં લવણ-જલ, તેમાં ઓગળેલા ક્ષારોની ર્દષ્ટિએ દરિયાના પાણીને મળતાં આવે છે, પણ તે ઘણાં સંકેન્દ્રિત હોય છે અને કેટલીક વાર તો તે લગભગ સંતૃપ્ત જેવાં હોય છે. ખારાઘોડાના લવણ-જલમાં ક્ષારોનું ટકાવાર પ્રમાણ નીચે મુજબ હોય છે :
સોડિયમ ક્લોરાઇડ 14.668
મૅગ્નેશિયમ ક્લોરાઇડ 4.636
મૅગ્નેશિયમ સલ્ફેટ 0.486
કૅલ્શિયમ સલ્ફેટ 0.440
પોટૅશિયમ ક્લોરાઇડ 0.414
મૅગ્નેશિયમ બ્રોમાઇડ 0.072
કૅલ્શિયમ કાર્બોનેટ 0.012
કુલ ઘન ક્ષારો 20.728
રાજસ્થાનમાં જયપુરથી લગભગ 65 કિમી. દૂર આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે અને ચોમાસામાં પૂરેપૂરું ભરાઈ જાય ત્યારે 225 ચોકિમી.નો વિસ્તાર રોકે છે. સાંભર અને દિદવાનાં સરોવરો સોડિયમ ક્લોરાઇડ ઉપરાંત સોડિયમ સલ્ફેટ અને કાર્બોનેટ ધરાવે છે, પણ તેમાં કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના ક્ષારો હોતા નથી.
સૈંધવ (rock-salt) : આ સ્ફટિકમય સોડિયમ ક્લોરાઇડ છે. ખનિજ-વૈજ્ઞાનિકો તેને હેલાઇટ (halite) કહે છે. હિમાચલ પ્રદેશના મંડીમાંના દ્રાન્ગ અને ગુમા વિસ્તારોમાં મળી આવતા આવા મીઠાનું સંઘટન ટકાવાર નીચે પ્રમાણે હોય છે :
દ્રાન્ગ ગુમા
સોડિયમ ક્લોરાઇડ 65.85 79.87
કૅલ્શિયમ સલ્ફેટ 0.55 0.70
કૅલ્શિયમ ક્લોરાઇડ 0.53 0.57
મૅગ્નેશિયમ ક્લોરાઇડ 0.43 0.43
સોડિયમ બાયકાર્બોનેટ 0.74 0.65
અદ્રાવ્ય પદાર્થો 30.34 16.24
ભેજ – 1.54
એમ માનવામાં આવે છે કે દરિયાનું પાણી સુકાઈ જવાને લીધે આ નિક્ષેપો ઉત્પન્ન થયા હશે. દરિયાના પાણીના કદનો 9/10 ભાગ ઊડી જવાથી તેનું અવક્ષેપન થાય છે. પંજાબ (પાકિસ્તાન), ઈરાન, યુ. એસ. તેમજ કૅનેડામાં તથા અન્ય કેટલાક પ્રદેશોમાં પણ તેના નિક્ષેપો મળી આવે છે. કેટલીક જગાએ લવણ-ઘુમ્મટ (salt domes) પણ મળી આવે છે.
ઉત્પાદન : મીઠાનું ઉત્પાદન કરનાર મહત્વના દેશોમાં યુ. એસ., ચીન, અગાઉના સોવિયેત સંઘના કેટલાક પ્રદેશો, જર્મની, કૅનેડા, ભારત અને ગ્રેટબ્રિટનનો સમાવેશ થાય છે. ફ્રાન્સ, મેક્સિકો, ઇટાલી અને બ્રાઝિલ ઉપરાંત અન્ય દેશો પણ તેનું ઉત્પાદન કરે છે. 1965માં વિશ્વનું મીઠાનું કુલ ઉત્પાદન 10.8 કરોડ ટન હતું. 1985માં મુખ્ય ઉત્પાદક દેશો દ્વારા તે 10,25,65,000 મેટ્રિક ટન જેટલું હતું. હાલ તેનું ઉત્પાદન લગભગ 77 અબજ કિગ્રા. જેટલું ગણાય છે.
દરિયાનું પાણી મીઠાનો વિપુલ અને અખૂટ ગણાતો સ્રોત છે. આથી સમુદ્રતટ ધરાવતા ગરમ પ્રદેશોમાં દરિયાના (અને ખારા સરોવરોના) પાણીનું સૂર્યના તાપથી બાષ્પીભવન કરી મીઠું પ્રાપ્ત કરવામાં આવે છે. આ માટે દરિયાના પાણીને શ્રેણીબંધ છીછરાં તળાવો અથવા અગરોમાં વહેવડાવવામાં આવે છે. સૂર્યના તાપથી પાણીનું બાષ્પીભવન થતાં તેની વિ. ઘ. 1.22 જેટલી થાય છે. આ તબક્કે રેતી અને માટી જેવી નિલંબિત અશુદ્ધિઓ તેમજ કૅલ્શિયમ કાર્બોનેટ (ચૉક, chalk) તથા કૅલ્શિયમ સલ્ફેટ જેવા ઓછા દ્રાવ્ય પદાર્થો દૂર થાય છે. સંકેન્દ્રિત લવણજલ(brine)ને સ્ફટિકનાં પાત્રોની હારમાળા(series)માંથી વહેવડાવવામાં આવે છે. પ્રથમ પાત્રમાં લવણજલની વિ. ઘ. 1.23 જેટલી, બીજા પાત્રમાં 1.24 અને ત્રીજામાં તે 1.25 જેટલી થાય છે. અહીં નિક્ષેપિત થતું મીઠું થોડા પ્રમાણમાં મૅગ્નેશિયમ સલ્ફેટ અશુદ્ધિ રૂપે ધરાવે છે. 1.25થી 1.26 વિ. ઘ.વાળું અંતિમ દ્રાવણ કે જે બિટર્ન (bittern) તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ યુ.એસ. અને ઇઝરાયલ જેવા પ્રદેશોમાં પૉટાશ, બ્રોમીન, ઈપ્સમ ક્ષાર (મૅગ્નેશિયમ સલ્ફેટ) અને મૅગ્નેશિયમ ક્લોરાઇડના ઉત્પાદન માટે થાય છે.
અગરોમાં છૂટા પડતા મીઠાના ઢગલા કરી તેમાંથી પાણીને વહી જવા દેવામાં આવે છે. પછી તેને સૂકવીને એકઠું કરવામાં આવે છે. ઠંડા પ્રદેશોમાં સ્તરિત નિક્ષેપો(bedded deposits)માંથી મીઠું પકવવા માટે દ્રાવણ-ખનન કર્યા બાદ કૃત્રિમ તાપનો ઉપયોગ કરવો જરૂરી બને છે. વિકસિત દેશોના કાચા મીઠાને સંતૃપ્ત લવણ-જલ વડે ધોઈ, તેમાંથી પાણી દૂર કરી, બાકી રહેલા મીઠાને તાજા પાણી વડે ધોઈ એકઠું કરવામાં આવે છે. ભારતમાં પશ્ચિમ કાંઠે કચ્છ તથા સૌરાષ્ટ્રમાં, દક્ષિણમાં કન્યાકુમારીના દરિયાકાંઠે, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં દરિયાકિનારે મીઠું પકવવામાં આવે છે. વિવિધ પ્રકારનું મીઠું મેળવવાની કેટલીક પદ્ધતિઓ નીચે મુજબ છે.
કણિત્ર(grainer)-મીઠું : આ પ્રકારનું મીઠું બનાવવા માટે લવણજલનું લાંબા, છીછરા અગરોમાં બાષ્પીભવન કરવામાં આવે છે. આવા અગરો 46 X 55 X 0.46 મીટર – આ માપના હોય છે. આવા અગરમાંથી રોજના 80 ટન (73 મેટ્રિક ટન) મીઠાનું ઉત્પાદન મેળવી શકાય છે. વાહક ખરપડી (scrapping conveyor) વડે અગરના તળિયેથી મીઠાને સતત દૂર કરવામાં આવે છે. તેને ગાળી, પાણી દૂર કરી, સૂકવી, રોલર વડે ગાંગડાને ભાંગી નાંખવામાં આવે છે. આ મીઠાના કણ મોટા અને વધુ અશુદ્ધિ ધરાવે છે.
નિર્વાત-તવા-મીઠું (vacuum pan salt) : અહીં લવણ-જલને ઓછા (નીચા) દબાણે ઉકાળવામાં આવે છે. આ માટે ત્રિધા-અસર-બાષ્પિત્ર (tripple effect evaporator) વપરાય છે. પ્રથમ તબક્કે દબાણ પ્રમાણમાં ઓછું રાખવામાં આવે છે. પણ ત્રીજા તબક્કે તે ઘટાડીને નિર્વાતન એવું કરવામાં આવે છે કે ક્ષારનું દ્રાવણ 43° સે. તાપમાને ઊકળે છે. આમાં ઉત્પાદન સતત મળે છે અને ઉત્પાદનચક્ર 48 કલાક લે છે.
અલ્બર્જર વિધિ : આ વિધિ આંશિક રીતે નિર્વાતન-તવા (vacuum pan) અને આંશિક રીતે કણિત્ર વિધિ જેવી છે. તેમાં કણિત્ર તવા(કઢાઈ)માં લઈ જવાયેલા અને ઓછા દબાણે બાષ્પીભવન પામતા દ્રાવણમાં સમઘન સ્ફટિકો ઉત્પન્ન થાય છે. એક ટન મીઠું ઉત્પન્ન કરવા 1,350 કિગ્રા. વરાળની જરૂર પડે છે. આ વિધિમાં મળેલ મીઠાનું અપકેન્દ્રણ કરી તેને સૂકવવામાં આવે છે. મેજ-મીઠું (table-salt) બનાવવા માટે તેમાં થોડા પ્રમાણમાં ઍલ્યુમિનિયમ કૅલ્શિયમ સિલિકેટ, કૅલ્શિયમ સિલિકેટ, મૅગ્નેશિયમ સિલિકેટ, ટ્રાઇકૅલ્શિયમ સિલિકેટ, મૅગ્નેશિયમ કાર્બોનેટ અથવા ટ્રાઇકૅલ્શિયમ ફૉસ્ફેટ ઉમેરવામાં આવે છે, જેથી મીઠું સહેલાઈથી વહી શકે અને ગઠ્ઠા ન બાઝે. આયોડિનની અછત હોય તો મીઠામાં પોટૅશિયમ આયોડાઇડ રૂપે તે ઉમેરવામાં આવે છે.
ગુણધર્મો : સામાન્ય મીઠું, સફેદ સમઘન (cubic) સ્ફટિકો રૂપે મળે છે. કેટલીક વાર તેમાં રહેલી અશુદ્ધિઓને કારણે તે ભૂખરો (grey), પીળાશ પડતો કે લાલ રંગ પણ ધરાવે છે. શુદ્ધ સોડિયમ ક્લોરાઇડનો અણુભાર 58.45 છે. તે લાક્ષણિક ખારો સ્વાદ ધરાવે છે. 1 ગૅલન (લિટર) પાણીમાં 68 ગ્રેઇન (ગ્રામ) મીઠું ઓગળેલું હોય તોપણ તેનો સ્વાદ પારખી શકાય છે. સામાન્ય સ્થિતિમાં તે હવામાંથી ભેજ શોષી શકે તેવો ભેજગ્રાહી પદાર્થ છે. 20° સે. તાપમાને 100 ગ્રામ પાણીમાં તેની દ્રાવ્યતા 36 ગ્રામ જેટલી હોય છે અને તાપમાન વધારતાં તે વધે છે (100° સે.એ. 39.8 ગ્રામ). મીઠાની પાણીમાં ઓગળવાની ક્રિયા ઉષ્માશોષક (endothermic) હોય છે. મીઠાનું દ્રાવણ સામાન્ય રીતે તટસ્થ હોય છે. 100 ગ્રામ દ્રાવકમાં NaCl તરીકેની તેની દ્રાવ્યતા મિથેનૉલમાં 1.40 ગ્રામ, ઇથેનૉલમાં 0.065 ગ્રામ, ફૉર્મિક ઍસિડમાં 5.21 ગ્રામ, ઇથિલીન ગ્લાયકૉલમાં 7.15 ગ્રામ અને મૉનોઇથેનૉલ એમાઇનમાં 1.86 ગ્રામ હોય છે.
મીઠાને ગરમ કરવાથી તેનું વિઘટન થતું નથી, પણ તેમાં રહેલા તરલો કે વાયુઓને કારણે તે તડતડે છે. તેનું ગ.બિં. 800° સે. અને ઉ.બિં. 1465° સે. છે. તેની વિ. ઉષ્મા 0.204 અને ગલનની ઉષ્મા 123.59 કૅલરી/ગ્રામ છે. પાણી કરતાં તે 2.165 ગણું ભારે છે. (વિ. ઘનતા 2.165). 20° સે.એ તેની ક્રાંતિક આર્દ્રતા (critical humidity) 75.3 છે.
મૃત જીવોનાં વિઘટન (decomposition) અટકાવવાની તેની ઊંચી ક્ષમતાને કારણે તે એક સામાન્ય પરિરક્ષક (preservative) તરીકે વપરાય છે. મીઠાની ગુણવત્તા તેમાં રહેલા સોડિયમ ક્લોરાઇડ(NaCl)ના જથ્થાને આધારે અંકાય છે. ફળો અને શાકભાજીની ડબ્બાબંધી (canning) માટે 99.7 % જેટલું ચોખ્ખું (99.7 % NaCl), માખણ અને ચીઝ માટે 99.6 %, દવાઓ અને ઔષધિઓ માટે 99.5 %, અકાર્બનિક ભારે રસાયણો (heavy chemicals) માટે તથા કૅટાયન વિનિમય રેઝિનના પુનરુદભવન (regeneration) માટે 98 % શુદ્ધ મીઠું વાપરવું જરૂરી બને છે.
ઉપયોગો : મીઠું ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે તથા શરીરને તંદુરસ્ત રાખવામાં અને પાચનક્રિયામાં ઉપયોગી છે. સામાન્ય ખોરાક ઉપરાંત મીઠાનો ઉપયોગ અથાણાં બનાવવામાં, માંસને સાચવવામાં તથા માખણમાં ઉમેરવા માટે થાય છે. ખોરાકમાં વધુ પડતું મીઠું અથવા સોડિયમ ક્ષારો ઊંચો રક્તદાબ (blood pressure) ઉત્પન્ન કરે છે. શીતન (refrigeration) માટે લવણ-જલનો ઉપયોગ થાય છે. ચિનાઈ માટીની પાઇપોને ઓપ ચઢાવવામાં કે ગ્લેઝ કરવામાં પણ તે વપરાય છે. બરફ સાથે મીઠું ભેળવવાથી તેનું ગ.બિં. નીચું જતું હોવાથી રસ્તા પર બરફ જામે ત્યારે તે દૂર કરવા મીઠું ભભરાવવામાં આવે છે. આ માટે 20 % જેટલું મીઠું વપરાય છે. પાણીને મૃદુ બનાવવાની પરમ્યુટાઇટ વિધિમાં વપરાઈ ગયેલા પરમ્યુટાઇટને પુન; કાર્યાન્વિત કરવા પણ મીઠાનો ઉપયોગ થાય છે.
રાસાયણિક ઉદ્યોગમાં શુદ્ધ મીઠાનો વધુ ઉપયોગ થાય છે. તેના વિદ્યુત-વિભાજનથી સોડિયમ ધાતુ અને ક્લોરિન વાયુ મળે છે. કૉસ્ટિક સોડા અને ધોવાના સોડા પણ તેમાંથી બનાવાય છે, જે સાબુ અને કાચ બનાવવામાં ઉપયોગી છે. તેલ-શુદ્ધીકરણ, રંગઉદ્યોગ, દવા વગેરેમાં પણ તેનો વપરાશ થાય છે.
ખેતીવાડીમાં કેટલાક પાકો માટે તે ખાતર તરીકે (45થી 90 ગ્રા./ચોમી.) વપરાય છે. તે છોડની પેશીઓની પોષક (nutritive) સક્રિયતાને ઉત્તેજે છે, કેટલાંક પોષક તત્વોના પાચન(assimilation)માં મદદરૂપ થાય છે અને અંત:પરાસરણ (endosmosis) અને બહિ:પરાસરણ(exosmosis)નું નિયમન કરે છે. કેટલીક વાર તે અપતૃણનાશક (weedkiller) તરીકે પણ વપરાય છે.
હાલમાં કેટલીક સરકારો ભૂગર્ભમાં આવેલી મીઠાની ખાણોમાં કિરણોત્સર્ગી અવશિષ્ટ (waste) દ્રવ્યોનો નિકાલ કરવાની શક્યતા તપાસી રહી છે. મીઠાની આવી ખાણો લાખો વર્ષો થયાં સ્થાયી અને શુષ્ક રહી છે અને મોટાભાગની આવી ખાણો એવી જગાએ આવેલી છે કે જ્યાં ભૂકંપ ભાગ્યે જ ઉદભવે છે. મીઠું તેની આસપાસના પદાર્થોમાંથી ગરમી શોષી લે છે અને કૂવાના તળમાં જે તિરાડો થાય તેને પોતે વહીને બંધ કરી શકે છે.
પ્રહલાદ બે. પટેલ
જ. દા. તલાટી