મીઠો લીમડો : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Murraya koenigii (Linn.) Spreng. (સં. કૈડર્ય, હિં. કઢી નિંબ, કઢી પત્તા; બં. બારસંગા, કરીઆફૂલી, મ. કઢી નિંબ, ગુ. મીઠો લીમડો, કઢી લીમડો; તે. કરેપાકુ; ત. કરીવેમ્પુ; મલ. કરીવેપ્પિલી, અં. કરી લીફ ટ્રી) છે. તે સુંદર, સુરભિત (aromatic), વધતે-ઓછે અંશે પર્ણપાતી (deciduous), 6 મી. સુધીની ઊંચાઈ ધરાવતું ક્ષુપ કે નાનું વૃક્ષ છે. તેના પ્રકાંડનો વ્યાસ 15 સેમી.થી 40 સેમી. હોય છે. તેનું વિતરણ લગભગ સમગ્ર ભારતમાં અને આંદામાનના ટાપુઓ ઉપર 1,500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. છાલ ઘેરી બદામી કે લગભગ કાળી હોય છે. પર્ણો અયુગ્મ એકપીંછાકાર (imparipinnate) સંયુક્ત હોય છે અને 5થી 29 અંડાકાર, ભાલાકાર અથવા ચતુષ્કોણી (rhomboid) પર્ણિકાઓ ધરાવે છે. તે અનિયમિતપણે કુંઠદંતી (crenate-dentate), અણીદાર અને તલભાગેથી સામાન્યત: તિર્યકી (oblique), ઉપરના ભાગેથી લગભગ અરોમિલ (glabrous) અને નીચેના ભાગેથી રોમિલ (pubescent) હોય છે અને ટપકાં આકારની અત્યંત સુરભિત ગ્રંથિઓ ધરાવે છે. પુષ્પો અગ્રસ્થ પરિમિત તોરા સ્વરૂપે (corymbose) ગોઠવાયેલાં, સફેદ અને સુગંધીદાર હોય છે. ફળ અનષ્ઠિલ (berry), ઉપગોલાકાર (subglobose) કે ઉપવલયી (ellipsoid), દ્વિબીજમય અને પાકે ત્યારે જાંબલી કાળાં હોય છે.

તે સામાન્ય રીતે જંગલોમાં ઝાડી-ઝાંખરાંમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે અને તેને સુરભિત પર્ણો માટે અને શોભન વનસ્પતિ તરીકે સમગ્ર દેશમાં ઉગાડવામાં આવે છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. બીજ અર્ધછાયાવાળા ભાગમાં મુક્તપણે અંકુરણ પામે છે. બીજાંકુરોનું રોપણ 4.5 મી.થી 6.0 મી.ના અંતરે કરવામાં આવે છે. Fomes pectinatus Klotszch. દ્વારા રસકાષ્ઠ(sapwood)નો સફેદ સડો; અને Rhizoctonia (orticium) solanum Kuhn. દ્વારા રોપાઓને ગ્રૈવ સડો (collar rot) થાય છે.

આકૃતિ 1 : મીઠા લીમડા(Murraya koenigii)ની પુષ્પસહિતની શાખા

મીઠી સુગંધવાળાં એનાં પર્ણો કઢી અને ચટણીમાં પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. પર્ણોનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 66.3 %, પ્રોટીન 6.1 %, લિપિડ (ઈથર-નિષ્કર્ષણ) 1.0 %, કાર્બોદિતો 16.0 %, રેસાઓ 6.4 % અને ખનિજદ્રવ્ય 4.2%, કૅલ્શિયમ 810 મિગ્રા.; ફૉસ્ફરસ 600 મિગ્રા. અને લોહ 3.1 મિગ્રા., કૅરોટીન (પ્રજીવક ‘એ’ તરીકે) 12,600 આઇયુ, નિકોટિનિક ઍસિડ 2.3 મિગ્રા. અને પ્રજીવક ‘સી’ 4 મિગ્રા./100 ગ્રા. થાયેમિન અને રાઇબૉફ્લેવિન ગેરહાજર હોય છે. પર્ણો પ્રજીવક ‘એ’ અને કૅલ્શિયમનો સારો સ્રોત ગણાય છે; પરંતુ ઑક્સેલિક ઍસિડની ઊંચી સાંદ્રતા(કુલ ઑક્સેલેટ 1.35 %; દ્રાવ્ય ઑક્સેલેટ 1.15 %)ને કારણે તેની પોષણકીય પ્રાપ્યતા ઉપર અસર થાય છે. એસ્પરજિન, ગ્લાયસીન, સેરીન, એસ્પાર્ટિક ઍસિડ, ગ્લૂટામિક ઍસિડ, થ્રીયોનીન, ઍલેનીન, પ્રોલીન, ટાયરોસીન, ટ્રિપ્ટોફેન, r–ઍમિનોબ્યૂટિરિક-ઍસિડ, ફીનિલઍલેનીન, લ્યૂસીન, આઇસોલ્યૂસીન અને અત્યંત અલ્પ પ્રમાણમાં ઓર્નિથિન, લાયસીન, આર્જિનીન અને હિસ્ટિડીન નામના મુક્ત ઍમિનો-ઍસિડોની પર્ણમાં હાજરી હોય છે. તે એક સ્ફટિકમય ગ્લૂકોસાઇડ, કોઇનિજિન અને રાળ ધરાવે છે. તેની શાખાઓ અને પર્ણોમાં 0.8 % પોટૅશિયમ હોય છે.

બાષ્પનિસ્યંદન દ્વારા 6.326 કિગ્રા./ચોસેમી. દબાણે તાજાં પર્ણોમાંથી લગભગ 2.6 % બાષ્પશીલ તેલ ઉદભવે છે. તે સાબુની સુગંધીના ભારે પ્રકાર માટે સ્થાપક તરીકે ઉપયોગી છે. વધારે ગરમ (220° સે.) વરાળ દ્વારા કરેલા નિસ્યંદનથી દુર્ગંધ મારતું ઘેરા રંગનું તેલ ઉત્પન્ન થાય છે. પરિશોધિત (rectified) તેલ ઘેરા પીળા રંગનું હોય છે અને તેજાના જેવી તીવ્ર સુગંધી અને લવિંગ જેવો તીખો સ્વાદ ધરાવે છે. તેની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : વિ. ગુ. 25° (sp. gr.) 0.9748, વક્રીભવનાંક 25° (n25°) 1.5201; વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન [α]25° +4.8°, સાબૂકરણ આંક (sap. val.) 5.2; ઍસિટાઇલીકરણ (acetylation) પછી સાબૂકરણ આંક 54.6, ઍસિડ આંક (acid value) 3.8 અને સહેજ દુગ્ધિલતા (opalescence) સહિત 80 % આલ્કોહૉલમાં દ્રાવ્યતા 80 %. મલેશિયાના તેલના નમૂનાના મુખ્ય ઘટકો આ પ્રમાણે છે : β-ફૅલેન્ડ્રિન 24.4 %, α-પિનીન 17.5 %, β-કૅર્યોફાઇલીન 7.3 અને ટર્પિનીન-4-ઑલ 6.1 %. ચીનના નમૂનામાં α-પિનીન 38 % અને કૅર્યોફાઇલીન 12 % જેટલું હોય છે. તેલમાં રહેલાં સૌથી અગત્યનાં સુવાસિત સંયોજનોમાં β-કૅર્યોફાઇલીન, β-ગુર્જુનીન, β-ઍલિમીન, β-ફૅલેન્ડ્રિન અને β-થુજીનનો સમાવેશ થાય છે.

અન્ય ઓળખાયેલાં સંયોજનો – α-ક્યુબેનીન, α-કોપેન, E-મ્યુરોલીન, β-બિસ્બોલીન, γ-કેડિનીન અને α-સેલિનીન છે.

બીજમાં ફ્યુરોકુમેરિનો, આઇસોહૅરેક્લેનિન, આઇસોઇમ્પેરેટોરિન, ઑક્સિપ્યુસેડેનિન, આઇસોપિમ્પિનેલિન અને બર્ગેપ્ટેન હોય છે. તેઓ મેદીય તેલ ધરાવે છે. શુષ્ક બીજમાં 4.4 % લિપિડ હોય છે. કુલ બીજ લિપિડોમાં તટસ્થ લિપિડો 85.4 %, ગ્લાયકોલિપિડ 5.1 % અને ફૉસ્ફોલિપિડો 9.5 % હોય છે. ઑલિક અને લિનોલીક ઍસિડો મુખ્ય ફૅટી ઍસિડો છે. તે પછીના ક્રમમાં પામિટિક ઍસિડ આવે છે.

શ્રીલંકાના થડની છાલમાં કાર્બેઝોલ આલ્કેલૉઇડો, ગિરિનિમ્બિન, મહાનિમ્બિન, ગિરિનિમ્બિલૉલ, મહાનિમ્બિલૉલ 2-મિથૉક્સી કાર્બેઝોલ-3-મિથાઇલ કાર્બૉક્સિલેટ અને 1-હાઇડ્રૉક્સિ-3-મિથાઇલકાર્બેઝોલ ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત એકલકી (monomeric) અને દ્વિ-અંગી (binary) કાર્બેઝોલ ક્વિનોનો  મ્યુકોઇનિન A, B અને C, મુરાસ્ટિફોલિન F, બિસ-2-હાઇડ્રૉક્સિ-3-મિથાઇલકાર્બેઝોલ, બિસ્મેહેનિન, બાઇકોઇનિક્વિનૉન A, બિસ્મુરાયાક્વિનૉન A, મુરાયાનિન, મુરાયાસ્ટિન, મુરાયાટિન, મુરાયાસિન અને મુરાયાઝોલિનૉલ મૂળ અને થડની છાલમાંથી અલગ કરવામાં આવ્યાં છે. બૅક્ટિરીય ઉપચયન (oxidation) દ્વારા મુરાયાનિનમાંથી મુકૉઇક ઍસિડ ઉત્પન્ન થાય છે.

કેરેજીનન-પ્રેરિત શોથ (inflammation) ધરાવતા ઉંદરોને થડની છાલનો ઇથેનૉલીય નિષ્કર્ષ આપતાં શોથરોધી (anti-inflammatory) અસર ઉદભવે છે. નિષ્કર્ષમાંથી કુમેરિન ગેલૅક્ટોસાઇડ, માર્મેસિન-1-O-β-D-ગેલૅક્ટોપાયરેનોસાઇડ, ઓસ્થૉલ અને અમ્બેલિફેરૉન પ્રાપ્ત થાય છે. ગેલેક્ટોસાઇડ મધ્યમથી માંડી ઠીક ઠીક પ્રમાણમાં સૂક્ષ્મજીવરોધી (anti-microbial) સક્રિયતા દર્શાવે છે.

મધુપ્રમેહના દર્દીઓના આહારમાં મીઠા લીમડાના પાનનો સમાવેશ કરવાથી રુધિરગ્લુકોઝનું સ્તર ઠીક ઠીક પ્રમાણમાં ઘટે છે.

વનસ્પતિનો જલીય નિષ્કર્ષ દાદરનો રોગ લાગુ પાડતી ફૂગની જાતિઓ – Epidermophyton floccosuni અને Trichophyton mentagrophytes સામે ઉગ્ર (75 %) ફૂગવિષાળુ (fungitoxic) સક્રિયતા દર્શાવે છે. સામાન્ય અને ઍલોક્સન-પ્રેરિત મધુપ્રમેહ ધરાવતા કૂતરાઓને પર્ણોનો જલીય નિષ્કર્ષ દ્વારા આપતાં તેઓમાં અલ્પગ્લુકોઝરક્તતા (hypoglycaemia) ઉદભવે છે. સામાન્ય પ્રાણીઓમાં અલ્પગ્લુકોઝરક્તતા 13 દિવસ સુધી અને મધુપ્રમેહી પ્રાણીઓ 8 કલાક સુધી ટકે છે. પર્ણોનો બાષ્પનિસ્યંદિત (steam distillate) ફૂગરોધી (antifungal) અને કીટરોધી (insecticidal) સક્રિયતા દર્શાવે છે.

પરંપરાગત (traditional) ચિકિત્સાપદ્ધતિમાં મીઠો લીમડો બલ્ય (tonic), ક્ષુધાવર્ધક (stomachic), જ્વરહર (febrifuger), કાલિકજ્વરરોધી (antiperiodic), ઉત્તેજક (stimulant), વમનરોધી (anti-emetic) અને મરડારોધી તરીકે અને ઝેરી પ્રાણીઓના કરડવા ઉપર તથા ચામડી પર થતા ફોડલાઓ ઉપર ઉપયોગમાં લેવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર તે કડવો, તીખો, મધુર, તૂરો, તીક્ષ્ણ, શીતળ અને લઘુ છે. તે કૃમિ, શૂળ, અર્શ, દાહ, વિષ, કોઢ, સોજો, તૃષા અને સંતાપનો નાશ કરે છે. તેનાં મૂળ અને છાલ ઉત્તેજક, મૃદુ અને રેચક હોય છે. પર્ણો દીપન, પાચન અને ગ્રાહી હોય છે. મૂળનો રસ મૂત્રપિંડના દુખાવામાં ઉપયોગી છે. તેની છાલ કે પાનની પોટિસ કરી ઝેરી જીવજંતુ કરડ્યું હોય ત્યારે તેના ઉપર લગાડવામાં આવે છે. પર્ણોનો રસ મરડામાં અને જઠરની શિથિલતા કે સડામાં અપાય છે. તેના પાનનો ઉકાળો પિત્તની ઊલટી બંધ કરવા આપવામાં આવે છે. મૂળના 20 મિગ્રા. રસમાં કે તેના પાનના 40 મિગ્રા. રસમાં એક ગ્રા. એલચીના દાણાનું ચૂર્ણ નાખી મૂત્રાવરોધમાં પિવડાવાય છે. પેટના દુખાવામાં મૂળના ઉકાળામાં ચપટી સૂંઠ ઉમેરી આપવામાં આવે છે.

ઉપરાંત, મીઠો લીમડો બલ્ય, મૂત્રલ, જઠર માટે પૌષ્ટિક, કફોત્સારી રક્તસુધારક છે. તે મંદાગ્નિ, સંગૃહણી, મુખદુર્ગંધ, ભૂતબાધા, ત્વચારોગ, રક્તાતિસાર અને મૂત્રાવરોધ મટાડે છે.

कैडर्यः शितलस्तिक्तः कटुश्च तुवरो लघुः ।

दाहार्शः कृमिशूलघ्नः संतापविषनाशनः ।।

शोकं कुष्ठं भूतबाधां नाशये दिति कीर्तितः ।।

                                       નિઘંટુરત્નાકર

તેનું કાષ્ઠ (690–800 કિગ્રા./ઘમી.) ભૂખરું-સફેદ, કઠિન સમરૂપ (even) અને ઢ-ગઠિત (close grained) તથા ટકાઉ હોય છે. તેનો ઉપયોગ કૃષિનાં સાધનો બનાવવામાં થાય છે.

ભાલચંદ્ર હાથી

બળદેવભાઈ પટેલ