ઇર્વિન, લૉર્ડ (જ. 16 એપ્રિલ 1881, ડેવનશાયર; અ. 23 ડિસેમ્બર 1959, યૉર્કશાયર) : 1925થી 1931 સુધી હિન્દના વાઇસરૉય. તેમનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. ઇંગ્લૅન્ડના રૂઢિચુસ્ત પક્ષના પ્રધાનમંડળમાં ખેતીવાડીના સેક્રેટરી તરીકે 41 વર્ષની વયે અને હિંદના વાઇસરૉય તરીકે 45 વર્ષની વયે જોડાયા હતા. ભારતને ‘ડોમિનિયન સ્ટેટસ’ મળે તે માટે તેઓ આગ્રહી હતા. 1928માં આવેલું સાઇમન કમિશન તેમની ભલામણને આભારી હતું. 1929માં મજૂરપક્ષની સરકાર ઇંગ્લૅન્ડમાં સત્તા ઉપર આવી છતાં લૉર્ડ ઇર્વિનમાં સંપૂર્ણ વિશ્વાસ દાખવીને સરકારે તેમને છૂટો દોર આપ્યો હતો. ભારતને ‘ડોમિનિયન સ્ટેટસ’ આપવા બ્રિટિશ સરકારની ઇચ્છા છે એવી જાહેરાત કરવા અને ભારતના ભાવિની ચર્ચા કરવા બધા પક્ષના નેતાઓને તેમણે બોલાવ્યા. તેમાં ગાંધીજી, વિઠ્ઠલભાઈ પટેલ, મોતીલાલ નહેરુ, તેજબહાદુર સપ્રુ, મહમદઅલી ઝીણા વગેરે હતા. ગાંધીજીની ‘ડોમિનિયન સ્ટેટસ’ તાત્કાલિક આપવાની માગણી ન સ્વીકારાતાં મંત્રણા ભાંગી પડી હતી અને ગાંધીજીએ ‘દાંડીકૂચ’ કરી સત્યાગ્રહ શરૂ કર્યો ને હજારો લોકો જેલમાં ગયા.
1931ના જાન્યુઆરીમાં લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ભાષણ કરતાં ઇર્વિને ગાંધીજીની શક્તિ, નિખાલસતા, સાદાઈ અને ધર્મમાંની શ્રદ્ધાની પ્રશંસા કરી હતી અને ગાંધીજી તથા કૉંગ્રેસની વર્કિગ કમિટીના સભ્યોને જેલમુક્ત કર્યા હતા. 14 ફેબ્રુઆરી, 1931ના રોજ ગાંધીજીએ પત્ર દ્વારા વાઇસરૉયની મુલાકાત માગી. તેમાં જણાવ્યું, ‘I would like to meet not so much the Viceroy as the man in you.’
15 દિવસની ચર્ચાવિચારણા બાદ ‘ગાંધી-ઇર્વિન’ કરાર થયા. તે અનુસાર અમુક મર્યાદા સાથે સરકારે હિન્દને કેન્દ્ર તેમજ પ્રાંતોમાં જવાબદાર તંત્ર આપવાનું, ખાસ અપવાદો સહિત કેન્દ્ર તેમજ પ્રાંતોની સરકારો ધારાસભાને જવાબદાર રાખવાનું, તમામ રાજદ્વારી કેદીઓને મુક્ત કરવાનું, જપ્ત કરાયેલી મિલકત અને જમીન છૂટી કરવાનું, સવિનય કાનૂનભંગની લડત સંકેલી લેવાનું, ઘરવપરાશ માટે મીઠું લઈ જવાની કે બનાવવાની છૂટ આપવાનું તેમજ દારૂ અને પરદેશી કાપડની દુકાનો ઉપર શાંત પિકેટિંગ કરવા દેવાનું, કૉંગ્રેસે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવાનું વગેરે ઠરાવવામાં આવ્યું. આ કરાર પછી 1931માં લૉર્ડ ઇર્વિન ભારત છોડી ગયા હતા. તે 1935થી 1937 સુધી ઇંગ્લૅન્ડમાં લૉર્ડ લ પદે અને 1938-40 સુધી નેવિલ ચેમ્બરલેઇનના પરદેશમંત્રી તરીકે રહ્યા હતા. શહેનશાહ જ્યૉર્જ છઠ્ઠા તથા મજૂર આગેવાન ક્લેમન્ટ ઍટલી, લૉર્ડ હેલિફેક્સ (ઇર્વિન) વડાપ્રધાન થાય તેમ ઇચ્છતા હતા, પણ ચર્ચિલ વડાપ્રધાન બન્યા હતા. તેઓ 1941-44 દરમિયાન યુ.એસ.માં એલચીપદે રહ્યા હતા. તેમની સેવા બદલ તેમને ‘અર્લ ઑવ્ હેલિફેક્સ’નું ઉચ્ચ ઉમરાવપદ આપવામાં આવ્યું હતું. તેઓ ઉત્તમ વક્તા, સરળ સ્વભાવના અને ધાર્મિક વલણવાળા હતા. તેમણે ‘ફુલનેસ ઑવ્ ડેઇઝ’(1957)માં પોતાનાં સંસ્મરણો આપ્યાં છે.
રમણલાલ ક. ધારૈયા
શિવપ્રસાદ રાજગોર