ઇર્કુટ્સ્ક (Irkutsk) : રશિયાના ઇર્કુટ્સ્ક પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 52o 16´ ઉ. અ. અને 104o 20´ પૂ. રે. તે સાઇબીરિયાના દક્ષિણ ભાગમાં અંગારા નદી જ્યાં બૈકલ સરોવરને મળે છે તેની નજીકમાં આવેલું છે. તેની વસ્તી અંદાજે 6,00,000 (2013) છે. અહીં નાની ઇર્કુટ નદી અંગારાને મળે છે. ઇર્કુટ્સ્ક સાઇબીરિયાનું સૌથી મોટું શહેર છે અને ટ્રાન્સ-સાઇબીરિયન રેલમાર્ગ પર હોવાથી સાઇબીરિયાના ઉત્તરના પ્રદેશો સાથે સંબંધ ધરાવે છે. 1898માં રેલરસ્તો બંધાયા પછી તેનું મહત્વ વધ્યું છે.

ઇર્કુટ્સ્ક નગરનો એક રાજમાર્ગ

ઇર્કુટ્સ્ક નગરનો એક રાજમાર્ગ

આ શહેરમાં વાહનવ્યવહારનો સામાન, સુવર્ણ ખાણ માટેનાં યંત્રો તથા સાઇબીરિયાના અબરખના શુદ્ધીકરણના ઉદ્યોગો છે. 1956માં અંગારા નદી પર બંધાયેલું જળવિદ્યુતમથક તેને વિદ્યુત પૂરી પાડે છે. નૈર્ઋત્ય ખૂણે શહેરમાં શેલેખૉવ પાસે ઍલ્યુમિનિયમનું સૌથી મોટું કારખાનું આવેલું છે. 1918માં અહીં એ. એ. ઝડ્નૉવ યુનિવર્સિટી સ્થપાઈ હતી. અઢારમી અને ઓગણીસમી સદીમાં તે મોટું વહીવટી અને આર્થિક કેન્દ્ર હતું.

કૃષ્ણવદન જેટલી