મિથાઈલ ક્લોરાઇડ (ક્લોરોમિથેન; મૉનૉક્લોરોમિથેન) : ક્લોરિન પરમાણુ ધરાવતું કાર્બનિક સંયોજન.
બંધારણીય સૂત્ર .
રંગવિહીન, સંકોચિત વાયુ અથવા પ્રવાહી. ઈથર જેવી આછી મધુર વાસ ધરાવે છે. વિ. ઘ. 0.92 (20° સે.); ઉ. બિં. –23 7° સે.; પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થઈ વિઘટન પામે છે. આલ્કોહૉલ, ક્લૉરોફૉર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બેન્ઝિન, ગ્લૅશિયલ ઍસેટિક ઍસિડ વગેરેમાં દ્રાવ્ય છે. ઍલ્યુમિનિયમ, મૅગ્નેશિયમ અને જસત ધાતુને અસર કરે છે. જ્વલનશીલ છે.
બનાવટ : મિથેન ઉપર પ્રકાશની હાજરીમાં અથવા ઉદ્દીપકના ઉપયોગથી ક્લોરિન સાથે પ્રક્રિયા કરતાં મિથાઈલ ક્લોરાઇડ મળે છે.
વાયુ કે પ્રવાહી સ્વરૂપ મિથેનોલની હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી પણ તે મળી શકે છે :
CH3OH + HCl → CH3Cl + H2O
ઉપયોગ : નિમ્ન-તાપમાન બહુલીકરણ(બ્યૂટાઇલ રબર)માં ઉદ્દીપક વાહક તરીકે; પ્રશીતક, તૃણનાશક (herbicide) અને સ્થાનિક નિશ્ચેતક તરીકે; ઉષ્મામિતીય અને ઉષ્માસ્થૈતિક ઉપકરણો માટેના તરલ તરીકે; કાર્બનિક સંશ્લેષણ(દા.ત., મિથાઈલ સેલ્યુલોઝ)માં મિથિલેટિંગ પદાર્થ તરીકે; નિષ્કર્ષક અને નિમ્ન-તાપમાન દ્રાવક તરીકે વપરાય છે.
પ્રહલાદ બે. પટેલ