મિથાઈલ ડોપા : લોહીનું વધેલું દબાણ ઘટાડતી દવા. તેનું રાસાયણિક નામ છે આલ્ફા-મિથાઈલ–3, 4–ડાયહાઇડ્રૉક્સિ-ફિનાઇલએલેનિન. તે કેન્દ્રીય ચેતાતંત્ર પર અસર કરીને લોહીનું દબાણ ઘટાડે છે. તેથી તેને કેન્દ્રીય પ્રતિ-અતિરુધિરદાબી (central antihypertensive) ઔષધ કહે છે. સન 1963માં તેનો એક ઔષધ તરીકે સ્વીકાર થયો. તે મગજમાં થતા ચયાપચય(metabolism)ને કારણે આલ્ફા-મિથાઈલ નૉરએપિનેફિન-રૂપે ફેરવાય છે. આ નવસર્જિત રસાયણ કેન્દ્રીય આલ્ફા2એડ્રિનર્જિક સ્વીકારકો(receptors)ને સક્રિય કરે છે અને તેથી લોહીનું દબાણ ઘટે છે. આવી જ રીતે ક્લોનિડિન નામની દવા પણ કાર્ય કરે છે.

સંરચના અને ક્રિયાપ્રવિધિ : 3, 4–ડાયહાઇડ્રૉક્સિફિનાઇલ-એલેનિનને ટૂંકમાં ડોપા (DOPA) કહે છે. તેના મિથાઈલેટેડ સંયોજનને મિથાઈલ ડોપા કહે છે. તે લીવો-સમગુણક (L-isomer) સ્વરૂપે ઉપલબ્ધ છે. તેની રાસાયણિક સંરચના નીચે મુજબની છે :

એડ્રિનર્જિક ચેતાકોષોના છેડાઓમાં તેનો ચયાપચય થાય છે અને તેમાંથી મિથાઈલડોપામિન અને મિથાઈલનૉરએપિનેફ્રિન બને છે, જે ચેતાકોષોના છેડાઓમાં સંગ્રહ પામે છે અને ત્યાંના સક્રિય ચેતાસંદેશવાહકોને હઠાવે છે. તેઓ છદ્મ-ચેતાસંદેશવાહક તરીકે વર્તે છે. જ્યારે ચેતાતંતુઓમાં ચેતા-આવેગનું વહન થાય ત્યારે લોહીનું દબાણ વધારતા ચેતાસંદેશવાહક (neurotransmitter) રસાયણને બદલે આ છદ્મ-ચેતાસંદેશવાહકો મુક્ત થાય છે, તેથી લોહીનું દબાણ વધવાને બદલે ઘટે છે. વિવિધ અભ્યાસો પ્રમાણે લોહીની નસો પર મુક્ત થતા છદ્મ-ચેતાસંદેશવાહક(pseudo-neurotransmitter)ને કારણે લોહીનું દબાણ ખાસ ઘટતું નથી, પરંતુ કેન્દ્રીય ચેતાતંત્ર-(મગજ)માંના ચેતાકોષોમાં મુક્ત થતા છદ્મ-ચેતાસંદેશવાહકોને કારણે લોહીનું દબાણ ઘટે છે. માટે તેને કેન્દ્રીય પ્રતિ-અતિરુધિરદાબી અસર કહે છે.

ઔષધીય અસરો : શરીરમાં ફેલાયેલી નસોમાં લોહીને ધકેલવામાં નસોની દીવાલ દ્વારા થતા અવરોધને પરિધીય વાહિનીજન્ય અવરોધ (peripheral vascular resistance) કહે છે. આ પ્રકારનો અવરોધ લોહીનું હૃદ્-વિકોચનીય દબાણ (diastolic pressure) અને ત્યારબાદ હૃદ્-સંકોચનીય દબાણ (systolic pressure) વધારે છે. લોહીના જે ઊંચા દબાણનું કોઈ નિશ્ચિત કારણ જાણમાં ન હોય તેને અજ્ઞાતમૂલ અતિરુધિરદાબ (essential hypertension) કહે છે. તેનાથી પીડાતા યુવાન દર્દીઓમાં હૃદયમાંથી બહાર વહેતા લોહીના પુરવઠાને કે હૃદયના ધબકારાને કશીય અસર કર્યા વગર મિથાઈલ ડોપા શરીરમાંનો પરિધીય વાહિનીજન્ય અવરોધ ઘટાડે છે. જોકે મોટી ઉંમરે લોહીના પુરવઠામાં ઘટાડો થાય છે; કેમ કે, શિરાઓ શિથિલ થઈને પહોળી થયેલી હોય છે અને તેથી હૃદયનો પૂર્વભાર (preload) ઘટેલો હોય છે. દવા લીધા પછી 6થી 8 કલાકે તેની સૌથી વધુ અસર જોવા મળે છે. દર્દી જ્યારે ઊભો થાય ત્યારે લોહીનું દબાણ વધુ ઘટે છે અને તેથી તેને ચક્કર અને અંધારાં આવે એવું બને છે. તેને અંગવિન્યાસી અલ્પરુધિરદાબ (postural hypotension) કહે છે. મૂત્રપિંડમાંનું રુધિરાભિસરણ અને મૂત્રપિંડનું કાર્ય સામાન્ય રહે છે. લોહીમાં નૉરઍપિનેફ્રિન  અને રેનિન નામના અંત:સ્રાવનું પ્રમાણ ઘટે છે. ક્યારેક શરીરમાં ક્ષાર અને પાણીનો ભરાવો થાય છે ત્યારે લોહીનું દબાણ ઓછું ઘટે છે. તેને દવાની છદ્મ-સહ્યતા (pseudo-tolerance) કહે છે. મિથાઈલ ડોપાની સાથે મૂત્રવર્ધક ઔષધ આપવાથી ફરીથી લોહીનું દબાણ ઘટે છે. લોહીના દબાણના ઘટાડાનું ગમે તે પ્રમાણ હોય તેમ છતાં, આશરે 12 અઠવાડિયાંમાં હૃદયના ડાબા ક્ષેપકની વૃદ્ધિ થયેલી હોય તો તે ઘટાડે છે. તેનો એક માત્ર ચિકિત્સીય ઉપયોગ લોહીનું દબાણ ઘટાડવા માટેના ઔષધ તરીકેનો છે.

અવશોષણ, ચયાપચય અને ઉત્સર્જન : મોં વાટે લીધા પછી સક્રિય ઍૅમિનોઍસિડ પારવાહક(transporter)ની મદદથી જ તે લોહીમાં પ્રવેશે છે, જ્યાં તેની સૌથી ઊંચી સપાટી 2થી 3 કલાકમાં થાય છે. તે સક્રિય પારવહનની ક્રિયા દ્વારા મગજમાં પ્રવેશે છે, જ્યાં ચયાપચય દ્વારા તે સક્રિય સંયોજનોમાં પરિવર્તન પામે છે. મિથાઈલ ડોપા પોતે સક્રિય નથી પણ તેનાં આ સક્રિય સંયોજનો (મિથાઈલ ડોપામિન અને મિથાઈલ-નૉરઍપિનેફ્રિન) કાર્ય કરે છે. માટે મિથાઈલ ડોપાને પ્રાભિ-ઔષધ (prodrug) કહે છે. મુખ્ય અસર તેના ચયાપચયી સક્રિય સંયોજનોની હોવાને કારણે લોહીમાંની મિથાઈલ ડોપાની પોતાની સપાટી(સ્તર)નું ખાસ ઔષધીય મહત્વ નથી. લોહીમાં તેનો અર્ધક્રિયાકાળ (half-life) 2 કલાકનો છે. મિથાઈલ ડોપા અને તેનાં સક્રિય સંયોજનો મૂત્રમાર્ગે શરીર બહાર જાય છે. તેથી મૂત્રપિંડની નિષ્ફળતાના દર્દીમાં તેનો અર્ધક્રિયાકાળ વધીને 4 કલાકનો થાય છે. ઝડપી અવશોષણ અને ઉત્સર્જન હોવા છતાં, તેની લોહીનું દબાણ ઘટાડવાની ક્રિયા 6થી 8 કલાકે શરૂ થાય છે અને 24 કલાક ટકે છે; તેથી જ સામાન્ય રીતે તેને દિવસમાં એક કે બે વખત અપાય છે. તેની લોહીની સપાટી અને અસરકારકતા વચ્ચેના તફાવતનું કારણ તેનો મગજ(કેન્દ્રીય ચેતાતંત્ર)માંનો ચયાપચય છે, જ્યાં તેનાં સક્રિય સંયોજનો બને છે.

ઉપલબ્ધ સ્વરૂપ (preparation), પ્રવેશમાર્ગ (route of administration) અને માત્રાવિધિ (dosage) : તે મુખમાર્ગી ગોળીઓના સ્વરૂપે મળે છે અને સામાન્ય રીતે મુખમાર્ગે દિવસમાં બે વખત અપાય છે. તેની ઘેન કરતી આડઅસર રોકવા ક્યારેક ફક્ત રાત્રે એક વખત અપાય છે, પણ જરૂર પડે તે કિસ્સામાં બીજી વખતે પણ દવા આપવી પડે છે. તેનું મુખમાર્ગી પ્રવાહી અને નસ વાટે આપવાનું ઇન્જેક્શન પણ ઉપલબ્ધ છે.

આડઅસરો, ઝેરી અસરો અને તેનાથી બચાવ : તેનાથી કેન્દ્રીય α2 એડ્રિનર્જિક ઔષધના જેવી આડઅસરો થાય છે. મુખ્ય આડઅસર ઘેન (sedation) ચડવાની છે. તે થોડાંક અઠવાડિયાં રહે છે અને માત્રા વધારવાની સાથે વધે છે. આ ઉપરાંત માનસિક ક્રિયાઓની તીક્ષ્ણતા (mental acuity) ઘટે છે અને વિસ્મરણ થાય છે. ઊભા થતાંની સાથે લોહીનું દબાણ ઘટે છે. અન્ય આડઅસરો રૂપે મોં સુકાવું, નાક જામી જવું, માથું દુખવું, ઊંઘની અનિયમિતતા થવી, નપુંસકતા થવી, ઝાડા થવા, ઝાંખું દેખાવું, પાર્કિન્સનના વિકારનાં લક્ષણો થવાં, હૃદયના ધબકારા ઘટવા, ગળામાં આવેલા શીર્ષગત-ધમની-વિવર(carotid sinus)ની સંવેદિતતા વધવી, હૃદયમાં પ્રથમ કક્ષાનો હૃદ્-રોધ (heart block) થવો, ખિન્નતા (depression) આવી જવી વગેરે વિવિધ ચિહ્નો અને લક્ષણો થઈ આવે છે. આ ઉપરાંત ક્યારેક લોહીના રક્તકોષો તૂટવાથી થતી રક્તકોષવિલયજન્ય પાંડુતા (haemolytic anaemia), લોહીના શ્ર્વેતકોષો અને/અથવા ગંઠનકોષો(platelets)ની સંખ્યામાં ઘટાડો, યકૃતશોથ (hepatitis), રક્તકોષ-અવિકસન (red cell aplasia), સ્વકોષભક્ષિતાનાં સંલક્ષણો (lupus like syndromes), શરીરમાં પરુ ફેલાયેલું હોય તેવાં ચિહ્નો સર્જતી અતિઉષ્ણતા(hyperthermia)નો વિકાર વગેરે જોખમી તીવ્ર આડઅસરો પણ જોવા મળે છે. આશરે 20 % દર્દીઓમાં કુમ્બની કસોટી વિધેયાત્મક પરિણામ આપે છે જે દર્શાવે છે કે શરીર પોતાના કોષોને મારતાં દ્રવ્યો બનાવી જ રહ્યું છે તેને કારણે ઉપર જણાવેલી જોખમી તીવ્ર આડઅસરો થઈ આવે છે. યકૃત પરનો શોથ(inflammation)નો વિકાર, જો દવા બંધ ન કરાય તો, વધીને યકૃતના કોષનાશ (necrosis) સુધી પહોંચે છે. સામાન્ય રીતે તે દવા શરૂ કર્યાના પ્રથમ બે મહિનામાં જોવા મળે છે; તેથી યકૃતના રોગવાળા દર્દીમાં આ દવા બંધ કરાય છે. અતિશય તીવ્ર રક્તકોષવિલયન (haemolysis) થતું હોય તો દવા બંધ કરીને કોર્ટિકોસ્ટીરૉઇડ અપાય છે.

તેની ઝેરી અસરોમાં લાઇકન અને ચિરશોથગડ(granuloma)-વાળા ચામડીના સ્ફોટવિકારો (rashes), પેટના પાછળના ભાગમાં થતી તંતુતા અથવા પશ્ચપરિતની તંતુતા (retroperitonial fibrosis), સ્વાદુપિંડશોથ (pancreatitis), સ્થિરાંત્રશોથ (colitis), કુશોષણ (mal-absorption), અતિદુગ્ધસ્રાવી અંત:સ્રાવરુધિરતા (hyperprolectinaemia) વગેરેનો સમાવેશ થાય છે. હૃદય, સ્વાદુપિંડ કે મોટા આંતરડામાં થતા પીડાકારક સોજાના વિકારને અનુક્રમે હૃદ્-સ્નાયુશોથ, સ્વાદુપિંડશોથ અને સ્થિરાંત્રશોથ કહે છે. સ્તનગ્રંથિમાં દૂધનું ઉત્પાદન થાય તેનું નિયંત્રણ કરવા માટે દુગ્ધસ્રાવી અંત:સ્રાવ (prolectin) ઉત્પન્ન થાય છે. તેનું પ્રમાણ પણ વધે છે. તેને અતિદુગ્ધસ્રાવી અંત:સ્રાવરુધિરતા કહે છે. અન્ય દવાઓ સાથે તેની આંતરક્રિયા ઓછી છે. તેની સાથે મૂત્રવર્ધક ઔષધો આપવાથી લોહીનું દબાણ વધુ નીચે આવે છે. અને તેવી જ અસર લોહીનું દબાણ ઘટાડતી દવાઓ સાથે તથા બેભાન કરતી નિશ્ચેતક (anaesthetic) દવાઓ સાથે પણ છે.

નિલય રા. ઠાકોર

શિલીન નં. શુક્લ