મિથાઈલ ઑરેન્જ : રાસાયણિક પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતો ઍસિડ-બેઝ સૂચક. [P– (P-ડાઇમિથાઈલઍમિનો ફિનાઇલએઝો) – બેન્ઝિન સલ્ફોનેટ ઑવ્ સોડિયમ]; હેલિયાન્થિન B; ઑરેન્જ-III; ગોલ્ડ ઑરેન્જ; ટ્રૉપીઓલિન D તરીકે પણ તે જાણીતો છે. અણુસૂત્ર : (CH3)2NC6H4NNC6H4SO3Na.
તે કાર્બનિક એઝો રંગક છે. તેમાં એઝો સમૂહ (–N=N–) હોવાથી એઝોઇક રંગક પણ કહેવાય છે, નારંગી-પીળા રંગનો આ પાઉડર ગરમ પાણીમાં દ્રાવ્ય, પરંતુ આલ્કોહૉલમાં અદ્રાવ્ય છે. તેના વડે રેસાઓ પાકા રંગી શકાતા નથી. તે બેઝિક માધ્યમમાં પીળો-નારંગી અને ઍસિડિક માધ્યમમાં ગુલાબી-લાલ રંગ દર્શાવે છે. આથી અનુમાપન-ક્રિયાઓમાં ઍસિડ-બેઝ સૂચક તરીકે વપરાય છે. તેનો pH વિસ્તાર 3.1 – 4.4 છે.
સલ્ફાનિલિક ઍસિડનું ડાઇએઝોટાઇઝેશન કરવાથી મળતા ડાઇએઝો ક્ષારનું ડાઇમિથાઈલ એનિલીન સાથે યુગ્મીકરણ કરવાથી મિથાઈલ ઑરેન્જ બને છે :
પ્રહલાદ બે. પટેલ