મિથાઈલ આલ્કોહૉલ (મિથેનોલ, કાર્બિનોલ) : સાદામાં સાદો આલ્કોહૉલ. બંધારણીય સૂત્ર  . અગાઉ લાકડામાંથી કોલસો બનાવતી વખતે સહનીપજ (coproduct) તરીકે મળતો હોવાથી તે કાષ્ઠ આલ્કોહૉલ (wood alcohol) અથવા કાષ્ઠ સ્પિરિટ (wood spirit) કહેવાતો.

તે નિર્મળ (clear), રંગવિહીન, વાસવિહીન, લગભગ સ્વાદવિહીન, વહનક્ષમ (mobile), ધ્રુવીય (polar) અને ઝેરી પ્રવાહી છે. તેનું ઉ. બિં., 64.5° સે., ગ. બિં., –97.8° સે. અને ઘનતા 0.7924 છે. પાણી તથા મોટાભાગનાં કાર્બનિક પ્રવાહીઓ સાથે તે મિશ્ર થઈ શકે છે. તે લગભગ અર્દશ્ય એવી ભૂરી જ્યોત સાથે ઝડપથી સળગી ઊઠે તેવું પ્રવાહી છે. તે ગંધવિહીન હોવાથી તેની સાથે કામ પાડતી વખતે ઘણી વાર જોખમ સર્જાય છે. આથી મિથેનોલ ભરેલા પાત્રમાં છિદ્ર પડવાથી મિથેનોલ બહાર આવે ત્યારે તેનો ઝડપથી ખ્યાલ આવે તે માટે તેમાં તીવ્ર વાસવાળો કાષ્ઠ આલ્કોહૉલ અથવા કેરોસીન મિશ્ર કરવામાં આવે છે.

વ્યાપારી ર્દષ્ટિએ હાઇડ્રોજન અને કાર્બન મૉનૉક્સાઇડમાંથી તેનું ઉત્પાદન કરવામાં આવે છે. આ માટેની ઊંચા દબાણવાળી પદ્ધતિમાં સંશ્લેષણ(synthesis)-વાયુઓને 300°થી 400° સે. તાપમાને 300 વાતાવરણ (30 મૅગા પાસ્કલ) દબાણે ઝિંક-કૉપર ઑક્સાઇડ ઉદ્દીપક પરથી પસાર કરવામાં આવે છે. આ માટે ઘણી વાર પ્રોત્સાહક (promoter) તરીકે ક્રોમિયમ ઑક્સાઇડ અને સ્થાયીકારક (stabilizer) તરીકે આલ્કલીય મૃદા ક્ષારો(alkaline earth salts)નો ઉપયોગ કરવામાં આવે છે. નીચા દબાણવાળી પદ્ધતિમાં ઓછું દબાણ (50–100 વાતાવરણ અથવા 5–10 MPa) અને નીચું તાપમાન (250°થી 300° સે.) વાપરી કૉપર, ઝિંક અને ક્રોમિયમ ઑક્સાઇડનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બંને પદ્ધતિમાં પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે :

CO + 2H2 → CH3OH

નીચા દબાણવાળી પદ્ધતિમાં વપરાતા ઉદ્દીપકો વાયુમાંની અલ્પ અશુદ્ધિઓ પ્રત્યે પણ બહુ સંવેદી હોય છે. ગંધક, ફૉસ્ફરસ તથા સાયનાઇડ જેવી અશુદ્ધિઓ નિમ્ન-દબાણ ઉદ્દીપકોની કાર્યશીલતા ઘટાડે છે. આથી નીચા-દબાણવાળી પદ્ધતિમાં ઉત્પાદક વાયુઓ(CO અને H2)ની શુદ્ધતા જાળવી રાખવી આવશ્યક છે.

નીચા દબાણવાળી પદ્ધતિનો વિશિષ્ટ ફાયદો એ છે કે તેમાં સાદા સંપીડિત્રો (compressrs) અને સસ્તી કિંમતનાં રિએક્ટરોની મદદથી મિથેનોલનું ઉત્પાદન થઈ શકે છે. આ ઉપરાંત કુદરતી વાયુમાંના હાઇડ્રોકાર્બનનું અંશત: ઉપચયન કરીને પણ મિથેનોલ બનાવી શકાય છે.

એક જમાનામાં તે મુખ્યત્વે ફૉર્માલ્ડિહાઇડના ઉત્પાદન માટે વપરાતો હતો. ઍસેટિક ઍસિડના ઉત્પાદન માટે તે મુખ્ય કાચો માલ (feed stock) ગણાય છે. આમ તે ફૉર્માલ્ડિહાઇડ, ઍસેટિક ઍસિડ, મિથાઈલ મેથાક્રિલેટ તથા ડાઇમિથાઈલ ટરપ્થેલેટ જેવાં મિથાઈલ એસ્ટર, મિથાઈલ ક્લોરાઇડ, મિથાઈલ–તૃતીયક બ્યૂટાઇલ ઈથર (કે જે ગૅસોલિન માટે સંમિશ્રણકારક તરીકે ઉપયોગી છે), વાર્નિશ, વિકૃત આલ્કોહૉલ (denatured spirit) વગેરેની બનાવટમાં વપરાય છે. તે મોટરના રેડિયેટરમાં વપરાતા પ્રવાહીમાં હિમનિરોધી (antifreeze) તરીકે તેમજ બળતણ તરીકે ઉપયોગી છે. નિષ્કર્ષણ માટે તેમજ દ્રાવક તરીકે તે બહોળા પ્રમાણમાં વપરાય છે.

પ્રહલાદ બે. પટેલ