માંડુ (માંડવગઢ) : પંદરમી સદીમાં માળવાના સુલતાનોનું પાટનગર. માળવાના સુલતાન હૂશંગશાહ(ઈ. સ. 1405–1435)ને બાંધકામનો ઘણો શોખ હતો. તેણે માંડુનો કિલ્લો એવો મજબૂત બંધાવ્યો હતો કે તે ભારતના અજેય કિલ્લાઓમાંનો એક લેખાયો હતો. તેણે માંડુને ભવ્ય અને શાનદાર નગર બનાવ્યું હતું. તેણે તેને પાટનગર બનાવ્યું અને પોતાનો દરબાર ત્યાં ખસેડ્યો હતો. સુલતાન મહમૂદશાહ ખલજીએ કુંભા રાણા સામે પોતે મેળવેલી જીતની યાદગીરીમાં માંડુમાં સાત મજલાનો મિનારો બંધાવ્યો હતો. માંડુમાં સ્થાપત્યકલાની
પ્રબળ પરંપરા જોવા મળે છે અને દિલ્હીના તુગલુક વંશની સ્થાપત્યકલા સાથે તે સમાનતા ધરાવે છે. ઊંચી કમાનો અને સ્થૂળ બાંધકામ ત્યાંની વિશેષતાઓ છે. પથ્થરકામની બારીકાઈ અને કારીગરીની સપ્રમાણતા માટે પણ માંડુની ઇમારતો પ્રસિદ્ધ થયેલી છે. માંડુની પથ્થરની કિલ્લેબંધી તથા ત્યાંની સ્થાપત્યકલાની બે બેનમૂન ઇમારતો માળવાના શાસકોની વૈભવપ્રિયતા તથા મોજશોખનાં દર્શન કરાવે છે. ત્યાંના જહાજ મહેલ, હિંડોળા મહેલ, જામે મસ્જિદ, બાઝબહાદુર તથા રાણી રૂપમતીના મહેલો, ભારતમાં સૌપ્રથમ આરસનો બાંધેલો સુલતાન હૂશંગશાહનો મકબરો વગેરે ત્યાંનાં સુંદર ધ્યાનાકર્ષક બાંધકામો છે. પ્રસિદ્ધ જહાજ મહેલમાં કમાનવાળી દીવાલો, છતવાળા મંડપ તથા સુંદર હોજ છે. ત્યાંનું રામનું મંદિર જાણીતું છે. ભારતનાં સર્વે દુર્ગરક્ષિત શહેરોમાં માંડુ સૌથી વધુ શાનદાર છે.
જયકુમાર ર. શુક્લ