માંડવ્યપુર (મંડોર)

February, 2002

માંડવ્યપુર (મંડોર) : ઈ. સ.ની છઠ્ઠી સદીમાં ગૂર્જર રાજા રજ્જિલનું પાટનગર. તે રાજપૂતાનામાં જોધપુરથી ઉત્તરમાં આશરે 9 કિમી. દૂર આવેલું હતું. તે મંડોર નામથી પણ ઓળખાતું હતું. છઠ્ઠી સદીના મધ્યમાં હરિશ્ચન્દ્ર નામના બ્રાહ્મણ રાજાએ ગૂર્જર રાજ્ય સ્થાપ્યું હતું. તેને ચાર પુત્રો હતા. તેમણે માંડવ્યપુર (મંડોર) જીતીને તેને કિલ્લેબંધી કરી હતી. હરિશ્ચન્દ્રનો ત્રીજો પુત્ર રજ્જિલ માંડવ્યપુરમાં રાજ્ય કરતો હતો. તેના વંશજો પણ સાતમી સદીના પૂર્વાર્ધ પર્યન્ત ત્યાં રાજ્ય કરતા હતા. 1933–34માં ત્યાં ખોદકામ કરીને ગુપ્ત તથા અનુ-ગુપ્તકાલીન ચોથીથી આઠમી સદીના અવશેષો શોધી કાઢવામાં આવ્યા. તેમાં પદ્મપાણિની મૂર્તિ, માટીની મોટી ફૂલદાની તથા આરબ હુમલાખોરોના 30 સિક્કાનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાંના બે પ્રચંડ સ્તંભોનાં ચિત્રો પરથી જણાય છે કે ત્યાં શ્રીકૃષ્ણની ભક્તિ પ્રચલિત હતી. મંડોરમાં રાઠોડ રાજાઓનાં સ્મારકો આવેલાં છે. તે કલા અને સ્થાપત્યના સુંદર નમૂના છે. ત્યાં કલાત્મક મંદિરો, વાવ, મસ્જિદો વગેરે આવેલાં છે. ચોમાસામાં આ સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય માણવા ઘણા પ્રવાસીઓ આવે છે. ત્યાં આવેલ 33 કરોડ દેવોની કલાકૃતિ જોવાલાયક છે.

જયકુમાર ર. શુક્લ