મજુમદાર, બિનય (જ. 1934, મિકતિલા, મ્યાનમાર) : બંગાળી ભાષાના કવિ. તેમને તેમની કૃતિ ‘હાસપાતાલે લેખા કવિતાગુચ્છ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.ઈ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, રશિયન અને હિંદી ભાષાના જાણકાર છે.
તેમના પ્રકાશિત ગ્રંથો છે : ‘નક્ષત્રેર આલો’, ‘ફિરે એસો ચાકા’, ‘અધિકાંતુ’, ‘અગ્રાનેર’, ‘અનુભૂતિમાલા’, ‘શ્રેષ્ઠ કવિતા’, ‘આમી એઈ સભય’, ‘બિનય મજુમદારેર કાવ્ય સમગ્ર’ કાવ્યસંગ્રહો છે અને ‘ઈશ્વરેર સ્વરચિત નિબંધ અન્યાન્ય’ (નિબંધસંગ્રહ) છે. તેમને તેમની સાહિત્યિક સેવાઓ બદલ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રવીન્દ્ર સ્મૃતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘હાસપાતાલે લેખા કવિતાગુચ્છ’ મૌલિક કાવ્યપ્રયોગો દાખવતો અનન્ય કાવ્યસંગ્રહ છે. આ પહેલાં બાંગ્લા સાહિત્યમાં ન જોવા મળતી હોય એવી પ્રશિષ્ટ કાવ્યચમત્કૃતિના કારણે આ કૃતિ બાંગ્લામાં લખાયેલ ભારતીય કાવ્યનું એક નોંધપાત્ર પ્રદાન ગણાયું છે.
બળદેવભાઈ કનીજિયા