મજુમદાર, રમેશચંદ્ર (જ. 4 ડિસેમ્બર 1888, ખંડરપરા, જિ. ફરીદપુર, બાંગ્લાદેશ; અ. 11 ફેબ્રુઆરી 1980, કલકત્તા) : ભારતના જગપ્રસિદ્ધ ઇતિહાસકાર. તેમણે ઇતિહાસ વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને પ્રેમચંદ રાયચંદ સ્કૉલરશિપ મેળવી અને ગ્રિફિથ પ્રાઇઝમૅન બન્યા. ‘કૉર્પોરેટ લાઇફ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા’ પર મહાનિબંધ લખીને તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી અને ત્યાં વ્યાખ્યાતા બન્યા. ત્યારબાદ ઢાકા યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર અને તે પછી ઉપકુલપતિ તરીકે સેવા બજાવી. બનારસ હિંદુ યુનિવર્સિટીની અને નાગપુર યુનિવર્સિટીની કૉલેજ ઑવ્ ઇન્ડૉલોજીના આચાર્ય તરીકે તેમણે યશસ્વી સેવા બજાવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સની શિકાગો અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીઓએ તેમને મુલાકાતી પ્રાધ્યાપક તરીકે નિમંત્ર્યા હતા.

ભારતની અને વિદેશની ઇતિહાસવિષયક સંસ્થાઓ સાથે તેઓ સક્રિયપણે જોડાયેલા હતા. ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસ, ઑરિયેન્ટલ કૉન્ફરન્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિસ્ટૉરિક્લ સ્ટડિઝના પ્રમુખ તરીકે તેમણે સફળ કામગીરી કરી હતી. ઇન્ટરનૅશનલ કૉંગ્રેસ ઑવ્ ઑરિયેન્ટાલિસ્ટ્સની ઇસ્તંબુલ(તુર્કી)માં મળેલી બાવીસમી પરિષદના ઇન્ડૉલોજી વિભાગના તેઓ પ્રમુખ હતા. યુનેસ્કોએ ‘હિસ્ટરી ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ક્લ્ચરલ ડેવલપમેન્ટ ઑવ્ મૅનકાઇન્ડ’નું પ્રકાશન કરવા નીમેલા આંતરરાષ્ટ્રીય કમિશનના તેઓ ઉપપ્રમુખ હતા. તેઓ કોલકાતાની એશિયાટિક સોસાયટી, ગ્રેટ બ્રિટન અને આયર્લૅન્ડની રૉયલ એશિયાટિક સોસાયટી તથા મુંબઈની એશિયાટિક સોસાયટીના માનાર્હ ફેલો હતા. તેઓ ભારતીય વિદ્યા ભવન, મુંબઈના ઇતિહાસ વિભાગના માનાર્હ અધ્યક્ષ અને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પુણેના માનાર્હ સભ્ય હતા.

ડૉ. મજુમદારને ભારતની વિવિધ યુનિવર્સિટીઓ અને શિક્ષણ-સંસ્થાઓએ વ્યાખ્યાનમાળાઓ આપવા નોતર્યા હતા. કલકત્તા યુનિવર્સિટીમાં તેમણે ‘મહારાજ રાજવલ્લભ’ વિશે; મદ્રાસ યુનિવર્સિટીમાં ‘કમ્બોજ દેશ’ વિશે; ભારતીય વિદ્યા ભવનમાં ‘થ્રી ફેસિઝ ઑવ્ ઇન્ડિયાઝ સ્ટ્રગલ ફૉર ફ્રીડમ’ વિશે; મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ‘એન્શિયન્ટ ઇન્ડિયન કૉલોનાઇઝેશન ઇન સાઉથઈસ્ટ એશિયા’ વિશે; ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદમાં ‘અગ્નિ એશિયામાં ભારતીય સંસ્કૃતિ’ વિશે; વિશ્વભારતી, શાંતિનિકેતનમાં ‘ગ્લિમ્પ્સિઝ ઑવ્ બેંગૉલ ઇન ધ નાઇન્ટીન્થ સેન્ચરી’ વિશે તથા પટણા યુનિવર્સિટીમાં ‘સ્વામી વિવેકાનંદ’ વિશે વ્યાખ્યાનમાળાઓ આપીને જ્ઞાનસંવર્ધન અને પ્રસારણમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે.

તેમણે ઇતિહાસને લગતા અનેક સંશોધન-લેખો દેશવિદેશનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ કર્યા છે. લેખક અને સંપાદક તરીકે તેમણે ઇતિહાસલેખનમાં ગણનાપાત્ર અને યશસ્વી પ્રદાન કર્યું છે. ‘ધી અર્લી હિસ્ટરી ઑવ્ બેંગૉલ’ (1925) નામના લઘુગ્રંથમાં તેમણે ઉત્તર-વૈદિક કાલથી પાલવંશનું શાસન સ્થપાતા સુધીનો ઇતિહાસ આલેખ્યો છે. ‘હિંદુ કૉલોનિઝ ઇન ધ ફાર ઈસ્ટ’(1944)માં તેમણે દૂર પૂર્વમાંની પ્રાચીન ભારતીય વસાહતોનો ઇતિહાસ લખ્યો છે. આ ઉપરાંત તેમણે ‘એન્શિયન્ટ ઇન્ડિયા’ (1952), ‘સીપૉય મ્યૂટિની ઍન્ડ રિવોલ્ટ ઑવ્ 1857’ (1957), ‘ધ ક્લાસિકલ એકાઉન્ટ્સ ઑવ્ ઇન્ડિયા’ (1960), ‘ગ્રેટર ઇન્ડિયા’, ‘સ્ટડી ઑવ્ સાયન્સિઝ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા’ (બંગાળીમાં), ‘ઍન એડ્વાન્સ્ડ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા’ (1947), ‘ગ્રેટ વિમેન ઑવ્ ઇન્ડિયા’ (1953) વગેરે પુસ્તકો લખ્યાં છે.

ભારતીય વિદ્યા ભવન, મુંબઈએ ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિનું યથાયોગ્ય આલેખન કરવા અગિયાર ગ્રંથોની શ્રેણી પ્રગટ કરવાનું આયોજન કરી તેના સંપાદનની મહત્વની જવાબદારી ડૉ. મજુમદારને સોંપી હતી. તેમાં વિવિધ પાસાંઓના સુખ્યાત નિષ્ણાતોએ લેખનકાર્ય કર્યું છે. આ ગ્રંથમાળામાં ડૉ. મજુમદારે ઘણાં પ્રકરણો લખ્યાં છે. આ ગ્રંથમાળાનું આયોજન તેમણે ભારે કુશળતાપૂર્વક કર્યું છે. ભારતના ઇતિહાસમાં આ ગ્રંથમાળાના સંપાદક તરીકેની તેમની યશસ્વી સેવા ચિરકાળ પર્યંત સ્મરણીય રહે એવી છે. ‘હિસ્ટરી ઑવ્ ધ ફ્રીડમ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા’(1962–63)ના ત્રણ ગ્રંથોમાં સ્વાતંત્ર્યચળવળનાં વિવિધ પાસાંઓનું વિશ્લેષણ કર્યા બાદ ગાંધીજીએ ભજવેલા ભાગ વિશે તેમણે પોતાનાં મૌલિક વિચારો અને અર્થઘટનો વ્યક્ત કર્યાં છે.

તેમણે ઇતિહાસના ક્ષેત્રે કરેલા અમૂલ્ય પ્રદાનની કદર કરીને જાદવપુર યુનિવર્સિટી તથા કલકત્તા યુનિવર્સિટીએ તેમને 1969માં ડી. લિટ્.ની માનાર્હ ઉપાધિ આપી હતી. કોલકાતાની સંસ્કૃત કૉલેજ તરફથી તેમને ‘ભારતતત્વભાસ્કર’નું બિરુદ, મુંબઈની એશિયાટિક સોસાયટી તરફથી ‘કૅમ્પબેલ ગોલ્ડ મેડલ’ અને કોલકાતાની એશિયાટિક સોસાયટી તરફથી ‘સર વિલિયમ જોન્સ ઍન્ડ બી. સી. લાવા ગોલ્ડ મેડલ’ આપવામાં આવ્યા હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન ઇતિહાસનાં લેખન અને સંશોધનને સમર્પી દીધું હતું.

જયકુમાર ર. શુક્લ