ઇબાદાન : આફ્રિકામાં નાઇજિરિયાના ઓયો રાજ્યનું પાટનગર. સરેરાશ 210 મીટર ઊંચાઈ ધરાવતી સાત ટેકરીઓ પર વસેલું લાગોસ પછીના બીજા ક્રમે આવતું શહેર. વસ્તી : 35,65,108 જ્યારે મેટ્રોપોલિટન શહેરની વસ્તી 36,60,774 (2019). મુખ્યત્વે યોરુબા જાતિના લોકો શહેરમાં વસે છે. ત્રીજા ભાગના લોકો શહેરની આસપાસ આવેલાં ખેતરોમાં કામ કરે છે. હસ્તકળા, વાણિજ્ય અને ઉદ્યોગો શહેરની મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ છે. શહેરના ઉદ્યોગોમાં દારૂ ગાળવાના એકમો, ફળોના ડબ્બા, સિગારેટ, રંગો. અગાઉ આજુબાજુનાં ગામોમાંથી સજા પામેલાંઓને અહીં રખાતાં હતાં.
ત્યારબાદ યોરુબા જાતિના લોકો સ્થળાંતર કરીને અહીં વસ્યા. 1829થી શહેરના ઇતિહાસની શરૂઆત થઈ. 1893માં બ્રિટિશ સરકારે ઇબાદાનનો કબજો મેળવ્યો. રેલમાર્ગનો વિકાસ થતાં શહેરનો વિસ્તાર વધતો ગયો. આગોડી બાગ શહેરના છ મુખ્ય બાગોમાં સૌથી મોટો છે. આ ઉપરાંત શહેરમાં અનેક પ્રાણીસંગ્રહાલયો અને વનસ્પતિ-ઉદ્યાનો આવેલા છે. ઇબાદાનની યુનિવર્સિટી નાઇજિરિયાની સૌથી જૂનામાં જૂની યુનિવર્સિટી છે.
હેમન્તકુમાર શાહ