ઇબારા (ઇહારા) સાઇકાકુ (જ. 1642, ઓસાકા; અ. 9 સપ્ટેમ્બર 1693, ઓસાકા) : સત્તરમી સદીમાં જાપાની સાહિત્યનું પુનરુત્થાન કરનાર અગ્રગણ્ય કવિ અને નવલકથાકાર. મૂળ નામ ઘણું કરીને ટોગો હિરાયામા હતું. સમૃદ્ધ વેપારી કુટુંબમાં જન્મ.

સાઇકાકુને શરૂમાં હાઈકુથી નામના મળી પણ તેનું ઉત્તમ કામ તેની નવલકથાઓમાં થયું; છતાં કારકિર્દીનો મોટા ભાગનો સમય તેણે હાઈકુ તથા કવિતા પાછળ ખર્ચ્યો હતો. 1684માં તો તેણે એક દિવસમાં 23,500 જેટલી રચનાઓ કરેલી ! હાઈકુ લખવાની તાલીમ તેને કથાલેખનમાં કામ લાગી. તેને કારણે શૈલી લાઘવવાળી અને વેગીલી બની.

તેની નવલકથાઓનો વિષય મોટે ભાગે તે સમયનું શહેરી જીવન તથા વેપારી વર્ગ હતો. તેની પ્રથમ નવલકથા તે ‘કોશોકુ ઇચિદાઇ ઓટોકો’ (1682). તેની શ્રેષ્ઠ કૃતિઓમાં ‘કોશોકુ ગોનિન ઓન્ના’(1686)ની ગણના થાય છે. તેણે શૃંગારી પ્રેમની તથા વેપારી વર્ગના લોકો અંગેની વાર્તાઓ પણ લખી છે. ‘નિહોન એઇતાઇગુરા’ (1688) તેનો જાણીતો વાર્તાસંગ્રહ છે.

યોગેશ જોશી