ઇફ્તેખાર (જ. 22 ફેબ્રુઆરી 1920, કાનપુર; અ. 4 માર્ચ 1995, નેલ્લોર, આંધ્રપ્રદેશ) : હિંદી ફિલ્મજગતના કુશળ ચરિત્રઅભિનેતા. લખનઉ લલિતકલા વિદ્યાલય ખાતે દિનકર કૌશિક જેવા કાબેલ ચિત્રકાર અને વિદ્વાન કલાશિક્ષકને હાથે ચિત્રકલાની તાલીમ પામીને વ્યવસાયી ચિત્રકાર થવાના ઉદ્દેશથી બહાર આવેલા; પરંતુ 1943માં કૉલકાતા ખાતેની એક ગ્રામોફોન કંપનીએ તેમની કંઠ્ય સંગીતની રેકૉર્ડ પ્રસિદ્ધ કરી તે સાથે તેમને ચિત્રજગતમાં પ્રવેશ મળ્યો.

કૉલકાતા તેમજ મુંબઈ ખાતે કેટલીક ફિલ્મોમાં મહત્વની ભૂમિકા કર્યા બાદ તેઓ ચરિત્રઅભિનેતા તરીકે આ ક્ષેત્રે સ્થિર થયા. નાની ભૂમિકાને પોતાના વાસ્તવિક અભિનયથી યોગ્ય ન્યાય આપવા માટે જાણીતા આ અભિનેતાએ છઠ્ઠા દાયકામાં ‘જાગતે રહો’ અને ‘કાનૂન’ જેવી ફિલ્મોમાં આપેલ જીવંત અભિનયની યોગ્ય નોંધ લેવાયેલ નહિ; પરંતુ ત્યારપછીના ગાળામાં ‘તીસરી કસમ’(1967)માં તેમની ખલનાયકની ભૂમિકા બાદ ‘હમરાઝ’ (1969), ‘જવાની દિવાની’, ‘પરિચય’ (1970), ‘જંજીર’ (1973), ‘દીવાર’ (1974) વગેરે સફળ ફિલ્મોમાં ચરિત્ર-અભિનેતા તરીકેની તેમની પ્રતિભા ઝળકી.

બી. આર. ફિલ્મ્સની ‘દીવાર’માં ભદ્ર રીતભાત તેમજ સૌજન્યશીલ વ્યક્તિત્વ તથા માનવીય ગુણ ધરાવતા દાણચોર માફિયા ટોળકીના વડા મિ. દાવરની તેમણે ભજવેલ ભૂમિકા અનેક રીતે યાદગાર બની રહી. ‘ફોર પૅવેલિયન્સ’ (1982) જેવી ભારત ખાતે નિર્માણ પામેલ કેટલીક અંગ્રેજી ફિલ્મોમાં પણ તેમણે સફળ અભિનય આપ્યો. ફુરસદના સમયે તેઓ ચિત્રો દોરવાનો શોખ પોષતા.

ભૂપેશ શાહ