રત્નગુંજ (વાલ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ માઇમોસોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adenanthera pavonina Linn. (સં. રત્નગુંજ; મ. થોરલાગુંજ, રતનગુંજ; હિં. બડી ગુમચી; બં. રક્તચંદન; ત. મંજદી સેમ; તે. બંદી ગુરિતેન્ડ; અં. કૉરલ વુડ, રેડ બીડ ટ્રી, રેડ વુડ) છે. તે એક પર્ણપાતી, ઝડપથી વૃદ્ધિ પામતું, 18 મી.થી 24 મી. ઊંચું અને 2.0થી 2.4 મી. ઘેરાવાવાળું, ફેલાતું વૃક્ષ છે અને ઉપહિમાલય-પ્રદેશમાં સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. છાલ ઘેરી બદામી કે ભૂખરી બદામી હોય છે; જૂનાં વૃક્ષોમાં તે ખરબચડી હોય છે અને અંદરની બાજુએ સફેદ કે બદામી સફેદ હોય છે. પર્ણો દ્વિપિચ્છાકાર (bipinnate) સંયુક્ત અને 20 સેમી.થી 30 સેમી. લાંબાં હોય છે. પર્ણિકાઓ એકાંતરિક, 4થી 8 જોડ, કાગળ જેવી, ઉપવલયી-લંબચોરસ (elliptic-oblong), કુંઠાગ્ર (obtuse) અને અરોમિલ (glabrous) હોય છે. પુષ્પો પીળા રંગનાં અને સુગંધિત હોય છે. ટૂંકા પુષ્પવિન્યાસદંડ (peduncle) પર કક્ષીય કલગી કે લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે શાખાઓને છેડે ઉદભવે છે. સિંગ સાંકડી, 15 સેમી.થી 20 સેમી. લાંબી અને સ્ફોટન-સમયે અમળાયેલી હોય છે અને સખત, ચળકતાં અને સિંદૂર લાલ બીજ ધરાવે છે.
રત્નગુંજનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. તેનું બીજાવરણ સખત હોવાથી અંકુરણ ધીમું હોય છે. તેને કટકારોપણ દ્વારા પણ ઉગાડી શકાય છે. ભારતના દરિયાકિનારાના વિસ્તારો આ વૃક્ષ માટે અનુકૂળ છે. તે રસ્તાઓની બંને બાજુએ અને વૃક્ષવીથિ (avenue) તરીકે ઉગાડવામાં આવે છે. તે ‘મડાતિયા’ તરીકે જાણીતા ગુંદરનો સ્રાવ કરે છે.
બીજ ભૂંજીને ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે. તે દાઝ્યા ઉપર, સોજાઓમાં, કૉલેરા અને લકવામાં ઉપયોગી છે. બીજ અને કાષ્ઠનો ક્વાથ ફેફસાંનાં દર્દોમાં વપરાય છે અને દીર્ઘકાલીન નેત્રશોથ(ophthalmia)માં આંખે લગાડાય છે. 95° સે. તાપમાને 30 મિનિટ સુધી રાખતાં બીજ ટ્રિપ્સિન અને કાઇમોટ્રિપ્સિન વિરુદ્ધ અવરોધી અસર ગુમાવે છે. બોરૅક્સ અને પાણી સાથે બીજનો ભૂકો મિશ્ર કરતાં સિમેન્ટ બને છે. બીજમાંથી અલંકારો બને છે. પહેલાં સુવર્ણકારો તેમનો ઉપયોગ સોનાનું વજન કરવામાં કરતા હતા, કેમ કે તેનું વજન લગભગ 0.26 ગ્રા. જેટલું થાય છે.
બીજમાં Υ–મિથિલિન ગ્લુટામિક ઍસિડ, Υ–મિથિલિન ગ્લુટેમાઇન અને અત્યંત અલ્પ પ્રમાણમાં Υ–ઇથિલિડિન ગ્લુટામિક ઍસિડ જેવા બિનપ્રોટીન એમીનો ઍસિડ હોય છે. મીંજ (બીજના 53 %) આછા પીળા રંગની ચરબી (25 %થી 30 %), સ્ટિગ્મેસ્ટેરૉલ અને તેના ગ્લુકોસાઇડ, ડલ્સીટોલ અને એક પૉલિસૅકેરાઇડ ધરાવે છે.
ચરબી કાઢી લીધા પછી મીંજના લોટમાં પ્રોટીન 54 % જેટલું હોય છે. લોટમાં એમીનો ઍસિડોનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : આર્જિનિન 9.49 મિગ્રા., સિસ્ટાઇન 0.75 મિગ્રા., હિસ્ટિડિન 1.9 મિગ્રા., આઇસોલ્યુસિન 4.37 મિગ્રા., લ્યુસિન 8.46 મિગ્રા., લાયસિન 5.62 મિગ્રા., મિથિયોનિન 0.96 મિગ્રા., ફીનિલ ઍલેનિન 4.79 મિગ્રા., થ્રિયોનિન 2.82 મિગ્રા., ટાયરોસિન 4.56 મિગ્રા. અને વેલાઇન 4.58 મિગ્રા./100 ગ્રા. પ્રોટીન.
મૂળ વામક (emetic) હોય છે. તેનો મિથેનોલીય નિષ્કર્ષ (10 %) દેડકાનું રુધિરનું દબાણ 65 % જેટલું ઘટાડે છે અને શ્વસનનો દર 100 % વધારે છે. પર્ણો કે છાલનો ક્વાથ દીર્ઘકાલીન સંધિવા અને ગાઉટમાં અને મળ દ્વારા થતો રક્તસ્રાવ અટકાવવા ઉપયોગી છે. છાલનો વાળ અને કપડાં ધોવામાં ઉપયોગ થાય છે.
પર્ણોમાં ઑક્ટાકોસેનોલ, ડલ્સિટોલ, b-સીટોસ્ટેરૉલ અને સ્ટિગ્મેસ્ટેરૉલના ગ્લુકોસાઇડ હોય છે. છાલમાં સૅપોનિન હોય છે જેના જલાપઘટન (hydrolysis) અને મિથિલેશન દ્વારા મિથાઇલ ઓલિયેનોલેટ અને મિથાઇલ એકાઇનોસિસ્ટેટ ઉત્પન્ન થાય છે. છાલમાં સ્ટિગ્મેસ્ટૅરોલ ગ્લુકોસાઇડ હોય છે.
તેનું અંત:કાષ્ઠ (heartwood) લાલ રંગનું હોય છે. કાષ્ઠ ઉપર સુથારીકામ સહેલાઈથી થાય છે અને સંશોષણ અને પરિષ્કરણ (finishing) સારી રીતે થઈ શકે છે. તે ટકાઉ હોય છે અને તેનો બાંધકામ અને કૅબિનેટ બનાવવામાં ઉપયોગ થાય છે. તેનો રંગ માટે અને રક્તચંદન (Pterocarpus santalinus Linn. f., કુળ – ફેબેસી, ઉપકુળ –પેપિલિયોનૉઇડી)ના પ્રતિસ્થાપી (substitute) તરીકે ઉપયોગ થાય છે. તે એક સારું બળતણ છે. કાષ્ઠમાં રૉબિનેટિન, કાલ્કોન, બ્યુટેઇન, એમ્પેલોપ્સીન (ડાઇહાઇડ્રોમાયરીસેટિન) અને ડાઇહાઇડ્રોરૉબિનેટિન હોય છે.
રત્નગુંજની બીજી જાતિ A. Microsperma Teijsm. & Binn. છે. તે ઇન્ડોનેશિયાની મૂલનિવાસી છે અને ભારતમાં તેનો સફળતાપૂર્વક પ્રવેશ કરાવાયો છે. વૃક્ષ ટકાઉ અને કીમતી પ્રકાષ્ઠ (timber) આપે છે.
બળદેવભાઈ પટેલ
મીનુ પરબિયા