રતિલાલ ‘અનિલ’

January, 2003

રતિલાલ ‘અનિલ’ (જ. 22 ફેબ્રુઆરી 1919, સૂરત) : ગઝલકાર, પત્રકાર. આખું નામ :  રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા. અન્ય ઉપનામો ‘સાંદીપનિ’, ‘ટચાક’ અને ‘કલ્કિ’. તેમના કુટુંબનો વ્યવસાય જરીબૉર્ડર બનાવવાનો. તેમની બે વર્ષની વયે પિતાનું અવસાન થતાં, કુટુંબની જવાબદારી સંભાળતી માતાએ પ્રાથમિક શિક્ષણ પછી તેમને ઘરના વ્યવસાયમાં જોતરી દીધા. જિજ્ઞાસુ કિશોર રતિલાલને ઘરના કાતરિયામાંથી ગુજરાતી પ્રેસની ભેટ નવલકથાઓનો ખજાનો હાથ લાગ્યો. સાહિત્ય-સ્વાધ્યાયનો તેમનો આ પહેલો અધ્યાય.

1942માં રતિલાલ અસહકારના આંદોલનમાં જોડાયા, સાબરમતી જેલમાં પુરાયા. જેલમાં તેમને વિદ્યાવ્યાસંગી અસહકારી સાથીઓનો પરિચય થયો. ત્યાં તેમની વાચનભૂખ સંતોષાઈ. તેમના સાહિત્ય-સ્વાધ્યાયનો આ બીજો અધ્યાય.

આ સમય દરમિયાન તેમણે ગઝલો લખવા માંડી, મુશાયરાઓમાં પણ ભાગ લેવા માંડ્યો. મહાગુજરાત ગઝલ મંડળના મંત્રી અને પછી પ્રમુખ પણ બન્યા. તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘ડમરો અને તુલસી’ 1955માં પ્રગટ થયો. શયદાની પેઢી સાથે ગઝલનો શબ્દ માંડનારા રતિલાલ આજે ત્રીજી પેઢીના ગઝલકારો સાથે પણ તાલ મિલાવી રહ્યા છે. તેમની ગઝલો જોતાં તેમનામાં ગઝલસર્જકનો આગવો મિજાજ હોવાનું પ્રતીત થાય છે. ‘મસ્તીની પળોમાં’ (1956) મુખ્યત્વે રુબાઈ સંગ્રહ છે. તેમનો ‘રસ્તો’ – એ 1997માં પ્રગટ થયેલો ગઝલસંગ્રહ છે.

રતિલાલ ‘અનિલે’ હાસ્યક્ષેત્રે, નિબંધક્ષેત્રે તેમજ ચરિત્રલેખનના ક્ષેત્રે પણ તેમની કલમ ચલાવી છે, જેના ફલસ્વરૂપે ‘હાસ્યલહરી’ (1987) મળે છે. ‘‘મનહરનો ‘મ’’’ તેમજ ‘આટાનો સૂરજ’ (2002) એમના નિબંધસંગ્રહો છે. તેમણે ‘આવા હતા બાપુ’ (ભાગ 1, 2, 3,) (1957, 58, 59) તથા ‘ઇન્દિરા ગાંધી’ (1972) તથા ગઝલકારો વિશે પરિચયાત્મક  આત્મકથનાત્મક નોંધ આપતું ‘સફરના સાથી’ (2001) જેવું ચરિત્રાત્મક સાહિત્ય પણ આપ્યું છે. તેમની પાસેથી ‘ચાંદરણાં’ (સૂક્તિઓ, સૂત્રો 1997) તથા ગઝલકાર વિશે રતિલાલ ‘અનિલ’ (પ્રશ્નોત્તરી, 1998) પુસ્તકો પણ મળ્યાં છે.

ગાંધીજીના ભત્રીજા નારણદાસ ગાંધીએ રતિલાલને જૂનાગઢ-ગિરનાર તળેટીમાં આવેલી ‘રૂપાયતન’ સંસ્થા સાથે સાંકળ્યા. ત્યાં રહી તેમણે ગાંધીવિચારના માસિક ‘પ્યારા બાપુ’નું સંપાદન કર્યું. ‘રૂપાયતન’માં રહી તેમણે ગાંધીસાહિત્ય સાથે ટાગોરના સાહિત્યનો પણ અભ્યાસ કર્યો. જૂનાગઢ-નિવાસ તેમને માટે વિદ્યાપીઠ બન્યો.

સૂરત આવી રતિલાલે ‘પ્રજ્ઞા’ માસિકનું સંપાદન હાથ ધર્યું. તે સાથે હરિહર પુસ્તકાલયની પ્રકાશનપ્રવૃત્તિમાં મદદનીશ બન્યા, તે દરમિયાન ‘ગુજરાતમિત્ર’માં કટાર-લેખન સંભાળ્યું. તેઓ ‘ગુજરાત સમાચાર’ના સામયિક ‘શ્રીરંગ’માં નીરુ દેસાઈના સહયોગી બન્યા. સૂરત-નિવાસ વિશેષ અનુકૂળ આવતાં ‘લોકવાણી’માં અને તે પછી ‘ગુજરાતમિત્ર’ના તંત્રીમંડળમાં જોડાયા. તેમના તંત્રીલેખો સાંપ્રત પરિસ્થિતિ વિશે વેધક ચર્ચા કરનારા હોય છે, તો તેમની હળવી શૈલીની કટાર નિર્દંશ હોય છે. નિવૃત્તિ પછી રતિલાલ ‘કંકાવટી’ જેવા એક નિર્ભેળ સાહિત્યિક સામયિકનું સંપાદન-પ્રકાશન કરી રહ્યા છે. તેમને સૂરત પત્રકારમંડળ તરફથી શ્રેષ્ઠ પત્રકાર અને કટારલેખકના ઍવૉર્ડ મળ્યા છે.

રમેશ મ. શુક્લ