રત્નપરખવિદ્યા (gemology)

January, 2003

રત્નપરખવિદ્યા (gemology) : રત્નોની પરખ અને મૂલ્યાંકન કરતું વિજ્ઞાન. તે ભૂસ્તરશાસ્ત્રની વિષયશાખા ખનિજવિદ્યાનો એક પેટાવિભાગ ગણાય, કારણ કે રત્નો મૂળભૂત રીતે તો ખનિજો જ હોય છે. કુદરતી રીતે મળતાં ખનિજોને કાપીને, ઘસીને, ચમક આપીને રત્નો – ઉપરત્નો તૈયાર કરવામાં આવતાં હોય છે. રત્નોનો વ્યવસાય કરનારા ઝવેરી કહેવાય છે. મોટા ભાગના ઝવેરીઓ અનુભવથી રત્નોની પરખ કરી જાણે છે, તેથી તે ‘પારેખ’ કહેવાય છે. દુનિયાભરના જુદા જુદા દેશોમાં રત્નપરખ અને મૂલ્યાંકન કરવા માટેની પદ્ધતિસરની તાલીમશાળાઓ ઊભી થયેલી છે. તેમાં વૈજ્ઞાનિક રીતે તેની તાલીમ અપાય છે. મુંબઈ, જયપુર, લંડન વગેરે સ્થળોએ રત્નપરખવિદ્યાના વ્યવસ્થિત અભ્યાસક્રમોવાળાં તાલીમ-કેન્દ્રો આવેલાં છે. તાલીમ લીધેલા રત્નપારખુઓને રત્નવિદ (gemologist) કહે છે. આવા નિષ્ણાતો રત્નો – ઉપરત્નોની પરખ અને મૂલ્યાંકન કરી આપે છે. જેઓ રત્ન-ખનિજોને કાપી, ઘસી અને ચમક આપી તૈયાર કરે છે તેમને રત્નકાર–રત્નકલાકાર કે મણિકાર કહે છે.

તાજેતરમાં હીરા, માણેક, નીલમ, પન્નુ, પોખરાજ જેવાં કીમતી રત્નોની માંગ વધી છે; તેથી રત્નપરખસેવાનો વ્યાપ પણ વધ્યો છે. રત્ન કુદરતી છે કે કૃત્રિમ, તે કેટલા પ્રમાણમાં શુદ્ધ છે, તેમાં કઈ અને કેટલી અશુદ્ધિઓ રહેલી છે, તેના દળમાં કે સપાટી પર તડ છે કે કેમ, રત્ન ધારણ કરવા માટે તે કેટલા કૅરેટનું હોવું જરૂરી છે, કયું રત્ન કઈ આંગળી પર ધારણ કરવું જોઈએ વગેરે બાબતોના પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાથી રત્ન ખરીદતાં પહેલાં રત્નપારખુનું માર્ગદર્શન લેવું આવશ્યક બને છે.

રત્નો : (1) ટર્ક્વોઇઝ, (2) હેમેટાઇટ, (3) ક્રાયસોકોલા, (4) વ્યાઘ્રચક્ષ, (5) ક્વાર્ટ્ઝ, (6) ટુર્મેલિન, (7) કાર્નેલિયન, (8) પાયરાઇટ, (9) સુઝિલાઇટ, (10) મેલેકાઇટ, (11) ગુલાબી ક્વાર્ટ્ઝ, (12) ઑબ્સિડિયેન, (13) માણેક, (14) મૉસ ઍગેટ (શેવાળ અકીક), (15) જાસ્પર, (16) એમેથિસ્ટ, (17) લેસ ઍગેટ, (18) લેપિસ લેઝ્યુલી

રત્નો કુદરતી ખનિજોમાંથી તૈયાર કરવામાં આવતાં હોઈ, જે તે ખનિજનાં રંગ, સ્ફટિક-બંધારણ, સ્ફટિક-રચના, વિશિષ્ટ ઘનતા, કઠિનતા, રંગવિકાર, વક્રીભવનાંક વગેરે જેવા ભૌતિક અને પ્રકાશીય ગુણધર્મો જાણવા જરૂરી બને છે અને તે કાર્ય માત્ર નિષ્ણાત રત્નપારખુ જ કરી શકે છે. રત્નપારખુઓએ ઉપરનાં પ્રાચલોનો અભ્યાસ કરેલો હોવાથી તેઓ રત્નઘસુઓને તે ક્યાંથી કાપવું, ઘસવું તેનો વ્યવસ્થિત ખ્યાલ આપી શકે. સૂક્ષ્મદર્શક (microscope) દ્વારા રત્નની આંતરિક રચના જાણીને તે કુદરતી છે કે કૃત્રિમ તે માત્ર રત્નપારખુ જ કહી શકે. કેટલાંક ઉપરત્નો(અર્ધકીમતી)ને અમુક પ્રમાણમાં ગરમી આપવાથી તેમના મૂળભૂત રંગમાં ફરક લાવી શકાય છે; જેમ કે, અકીક ખનિજને ગરમ કરવાથી તેમાં રંગપટ્ટા ઉદભવે છે અને તેની શોભામાં વૃદ્ધિ થાય છે. વર્ણપટ-વિશ્લેષણ(spectroscopy analysis)થી તે સ્ફટિકની અણુરચનાનો ખ્યાલ આવી શકે છે, તેનાથી તેની ઉત્પત્તિ-સ્થિતિનો તાગ મેળવી શકાય છે. આ પ્રક્રિયાથી રત્નનું મૂલ્યાંકન કરી આપવામાં સરળતા રહે છે.

કોઈ પણ એક રત્ન-ખનિજ એક કે તેથી વધુ રંગોમાં તથા જુદાં જુદાં રત્ન-ખનિજ એક રંગમાં મળતાં હોય છે. ઉપર જણાવેલાં જુદાં જુદાં પ્રાચલોથી તેમની પરખ સ્પષ્ટ બની રહે છે; જેમ કે, માણેકની વિ. ઘ. 4.00, કાચની 3.15થી 4.20, ઝિર્કોનિયાની 5.6થી 5.9 હોય છે. વિશિષ્ટ ઘનતા એ સાપેક્ષ ઘનતા છે. તે રત્ન-ખનિજનાં રાસાયણિક બંધારણ અને સ્ફટિક-બંધારણ પર આધારિત પ્રાચલ છે. જાણીતી વિ. ઘ.વાળાં ભારે પ્રવાહીઓ દ્વારા રત્નખનિજોને પારખી શકાય. વળી, રત્ન પારખવા માટે તેમના વક્રીભવનાંક જાણવા જરૂરી છે. દરેક પદાર્થને તેનો પોતાનો ક્રાંતિકોણ હોય છે, તેમાંથી પ્રકાશનું આંતરિક પરાવર્તન થતું હોય છે. પરખ માટે વક્રીભવનાંક જાણવો જરૂરી છે. આ માટે વક્રીભવનમાપક (refractometer) નામનું સાધન ઉપયોગમાં લેવાય છે. વર્ણનપટ-વિજ્ઞાન (spectroscopy) દ્વારા પણ રત્નપરખ થઈ શકે છે. આ પદ્ધતિ ત્રિપાર્શ્વકાચ(prism)ના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ત્રિપાર્શ્વકાચમાં પ્રવેશતું પ્રકાશ-કિરણ બીજી બાજુ બહાર નીકળે ત્યારે તે જુદા જુદા રંગોમાં વિભાજિત થતું હોય છે. સ્પેક્ટ્રોસ્કોપ દ્વારા કયા રંગનું શોષણ થાય છે, તે જાણવાથી રત્નપરીક્ષા સરળ બની રહે છે. પ્રકાશ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે, ત્યારે વક્રીભવન થાય છે; દા. ત., વાદળી પ્રકાશ રાતા પ્રકાશ કરતાં વધુ વળે છે. રત્નના પ્રકાર મુજબ, પ્રકાશનાં કિરણોનું વક્રીભવન સમજવું પડે છે. આ રીતે વિ. ઘ., કઠિનતા, વક્રીભવનાંક વગેરે ગુણધર્મો રત્નપરખ માટે અગત્યના બની રહે છે. (વધુ માહિતી માટે જુઓ રત્નો.)

ગિરીશભાઈ પંડ્યા