રઘુ : અયોધ્યાનો ઇક્ષ્વાકુ વંશનો પ્રસિદ્ધ રાજા. પૌરાણિક અનુશ્રુતિ મુજબ રાજા દિલીપને દિવ્ય નંદિની ગાયની સેવા કરવાના ફળરૂપે આ પુત્ર પ્રાપ્ત થયો હતો. તે બચપણથી જ ઘણો પ્રભાવશાળી હતો અને કિશોરવયે તેણે પિતાએ કરેલા અશ્વમેધમાં યજ્ઞના ઘોડાની રક્ષા કરવાની જવાબદારી સંભાળી હતી. દિલીપ પછી રાજગાદીએ આવતાં તેનો પ્રતાપ વધ્યો. તેણે રાજ્યમાં સર્વત્ર શાંતિ સ્થાપી અને દિગ્વિજય કરી પડોશી રાજાઓ ઉપર પોતાની આણ વરતાવી. ગુરુ વસિષ્ઠની આજ્ઞાથી તેણે વિશ્વજિત્ યજ્ઞ કર્યો અને તે પ્રસંગે સઘળી સંપત્તિનું દાન કર્યું. તેની આ કીર્તિને લઈને તે ઇક્ષ્વાકુ વંશમાં શ્રેષ્ઠ ગણાયો અને એ વંશ તેના નામ પરથી રઘુવંશ તરીકે પ્રસિદ્ધ થયો. મહાકવિ કાલિદાસે ઉત્તરકાલમાં આ રઘુવંશનો મહિમા વર્ણવવા ‘રઘુવંશ’ જેવા વિખ્યાત મહાકાવ્યની રચના કરી. રઘુનો પુત્ર અજ, અજનો પુત્ર દશરથ અને દશરથનો પુત્ર રામ અયોધ્યાના નરેશ થયા. રઘુવંશના હોવાને કારણે રામ ‘રાઘવ’, ‘રઘુવર’ અને ‘રઘુનાથ’ કહેવાયા.
પ્રવીણચંદ્ર પરીખ