રઘુનાથન્, ચિદંબર

January, 2003

રઘુનાથન્, ચિદંબર (જ. 1923, તિરુનેલવેલી, તમિળનાડુ) : તમિળ સાહિત્યકાર. સતત સાહિત્યિક પ્રવૃત્તિથી ધમધમતા કેન્દ્ર સમા તિરુનેલવેલીમાં તમિળ વિદ્વાનોના પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પ્રારંભિક વર્ષોમાં તેઓ ડાબેરી નેતાઓ તથા અગ્રણી લેખકોના ગાઢ સંપર્કમાં આવ્યા. તેમની નવલકથા ‘પંજુમ પસિયમ’ (‘કૉટન ઍન્ડ હંગર’) 1953માં પ્રગટ થઈ ત્યારે તેને તમિળનાડુના સમાજવાદી વાસ્તવવાદના આદર્શ તરીકે વધાવી લેવામાં આવી હતી. તેમણે સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ, કાવ્યો અને વિવેચનાત્મક નિબંધો લખ્યાં છે. તેમની કેટલીક મહત્ત્વની કૃતિઓમાં ‘રઘુનાથન્ કથાઇગલ’ (‘સ્ટોરિઝ ઑવ્ રઘુનાથન્’, 1957), ‘પુડુમૈપિટ્ટન વારલારુ’ (‘એ બાયૉગ્રાફી ઑવ્ પુડુમૈપિટ્ટન’, 1951) તથા ‘ભારતીયમ્ શેલેયમ્’(ભારતી અને શેલીનો તુલનાત્મક અભ્યાસ, 1964)નો સમાવેશ થાય છે. તેમણે ઘણા રશિયન લેખકોની કૃતિઓના તમિળમાં અનુવાદ કર્યા છે. તેમાં વ્લાદિમીર માયકૉવ્સ્કીની કવિતા તથા ગૉર્કીની નવલકથા ‘મધર’ના અનુવાદ બદલ તેમને ખૂબ યશ મળ્યો છે.

તેઓ સંખ્યાબંધ સાહિત્યિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ તેમને 1965 અને 1970માં – એમ બે વાર મળ્યો છે. તેમણે રશિયાનો પ્રવાસ પણ કર્યો છે.

1983માં તેમને તેમના પુસ્તક ‘ભારતી કલમમ્ કરુથમ્’ બદલ કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અપાયો હતો. આ પુસ્તકમાં, વીસમી સદીના પૂર્વાર્ધમાં દક્ષિણ ભારતમાં આરંભાયેલી સ્વાતંત્ર્યની લડતના સંદર્ભમાં કવિ સુબ્રમણ્ય ભારતીના યોગદાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ પુસ્તક્ધો 1983માં મદ્રાસ ઇલાક્કીયા ચિંતની ઍવૉર્ડ પણ મળ્યો હતો. તેમની ઘણી કૃતિઓ સમાજવાદી દેશોમાં અનુવાદરૂપે પ્રગટ થઈ છે.

મહેશ ચોકસી