યેશિન, લેવ (જ. 22 ઑક્ટોબર 1929, મૉસ્કો; અ. 21 માર્ચ 1990, મૉસ્કો) : રશિયાના ફૂટબૉલ ખેલાડી. સોવિયેત સૉકરના તેઓ એક મહાન ખેલાડી હતા. યુરોપિયન ફૂટબૉલર ઑવ્ ધ યર (1963) તરીકે સ્થાન પામનાર (voted) તેઓ એકમાત્ર ગોલકીપર હતા. તેમણે ‘મૉસ્કો ડાઇનેમો’માં આઇસ હૉકી પ્લેયર તરીકે પ્રારંભ કર્યો હતો. 1951માં તેમણે સૉકરની રમતને ગંભીરતાથી અપનાવી, તેમજ 1954–67 દરમિયાન યુ.એસ.એસ.આર. માટે તેઓ 78 ‘કૅપ’ના વિજેતા બન્યા. 1956ના ઓલિમ્પિક રમતોત્સવમાં સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. 1958થી 1966 દરમિયાન તેઓ વિશ્વકપમાં 3 વાર રમ્યા; તેના પરિણામે યુ.એસ.એસ.આર. 1960માં યુરોપિયન ચૅમ્પિયનશિપનું વિજેતા બન્યું.
તેઓ ‘બ્લૅક પૅન્થર’ તરીકે જાણીતા હતા અને તેના પરિણામે તેમની ટીમ ‘ડાઇનેમો’ રશિયન લીગની 5 વખત વિજેતા બની; તથા વિશ્વકપની વિજેતા 2 વખત બની. તેમના પ્રભાવક વ્યક્તિત્વ તથા અંગ-કસરતના જેવી કામગીરીના પરિણામે તેઓ રશિયાના સૌથી લોકપ્રિય ખેલાડી બની રહ્યા; રાજ્ય તરફથી તેમને અનેક ‘ઑર્ડર’ તથા ‘ડેકોરેશન’થી સન્માનવામાં આવ્યા હતા. 1971માં લેનિન સ્ટેડિયમ ખાતે તેમની નિવૃત્તિ પ્રસંગે યોજાયેલ સ્પર્ધામાં તેઓ ‘રેસ્ટ ઑવ્ ધ વર્લ્ડ ટીમ’ સામે ‘ડાઇનેમો’ ટીમના કપ્તાન બન્યા. બીજા દિવસે તેઓ ‘ડાઇનેમો’ ટીમના મૅનેજર નિમાયા. તેમની ખ્યાતિ રશિયા બહાર પણ વ્યાપક રીતે પ્રસરી હતી. પેટના કૅન્સરથી તેમનું અવસાન થવાથી સૉકરવિશ્વમાં શોક ફેલાયો હતો.
મહેશ ચોકસી