યેસુદાસ (જ. 10 જાન્યુઆરી 1940, ફૉર્ટ કોચીન, કેરળ) : પાર્શ્વગાયક અને શાસ્ત્રીય ગાયક. પિતા ઑગસ્ટિન જોસેફ બાગવતર, માતા અલિકુટ્ટી જોસેફ. કર્ણાટક સંગીત અને ભારતીય ચલચિત્રોના ખ્યાતનામ ગાયક યેસુદાસનું મૂળ નામ છે કટ્ટાસેરી જોસેફ યસુદાસ. તેમના પિતા રંગમંચના અભિનેતા ઉપરાંત મલયાળમ શાસ્ત્રીય સંગીતના વિદ્વાન હતા. પિતાએ જ બાળ યેસુદાસમાં સંગીત પ્રત્યેની લગન જોઈને તેમને નાની ઉંમરે સંગીતની તાલીમ આપવા માંડી હતી. પછી બીજા જાણીતા સંગીતકારો પાસેથી પણ તેમને તાલીમ મળી. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે યેસુદાસે નાનપણમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમણે યુવાનીમાં પગ મૂક્યો ત્યારથી તેમની પ્રતિભા ઝળકવા માંડી હતી. 1960ના દાયકાથી જ તેઓ મલયાળમ સંગીતક્ષેત્રે છવાઈ ગયા હતા. તેમણે ‘તરંગિણી ઑડિયો કૅસેટ્સ’ નામની એક કંપની પણ શરૂ કરી હતી.

દક્ષિણ ભારતીય અને હિંદી સહિત ભારતીય ભાષાઓનાં ચિત્રોમાં અસંખ્ય લોકપ્રિય ગીતો ગાનાર યેસુદાસને રાષ્ટ્રીય સ્તરનાં અનેક પારિતોષિકો અને સન્માન મળી ચૂક્યાં છે. 1961માં ચિત્ર ‘કલ્પદુક્કાલ’(દિગ્દર્શક : કે. એસ. ઍન્ટની)માં તેમને ગીત ગાવાની પ્રથમ તક મળી હતી. એ પહેલાં જાહેર સમારંભો અને મેળાવડાઓમાં તેમનાં ગીતો ગુંજવા માંડ્યાં હતાં. 1965માં તત્કાલીન સોવિયેત સંઘનાં વિવિધ શહેરોમાં સંગીતના કાર્યક્રમો આપવા તેમને સોવિયેત સરકારે આમંત્રણ આપ્યું હતું. કેરળ રાજ્ય તરફથી અપાતો શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો ઍવૉર્ડ તેમને 16 વખત મળ્યો છે. 1973માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો હતો. આ ઉપરાંત સાત વખત તેમને શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકેનાં રાષ્ટ્રીય પારિતોષિકો મળ્યાં છે. વળી કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ રાજ્યનાં પણ ઘણાં પારિતોષિકો તેમણે મેળવ્યાં છે, જેમાં 1974માં ‘સંગીતરાજા’, 1988માં ‘સંગીત-ચક્રવર્તી’, 1989માં ‘સંગીતસરગમ’નો સમાવેશ થાય છે. એ જ વર્ષે અન્નામલાઈ યુનિવર્સિટીએ તેમને માનાર્હ ડૉક્ટરેટ અર્પણ કરી હતી.

યેસુદાસ

1992માં સંગીત નાટક અકાદમીનો ઍવૉર્ડ તેમને મળ્યો હતો. એ જ વર્ષે મધ્યપ્રદેશ સરકારનો લતા મંગેશકર ઍવૉર્ડ તેમને એનાયત થયો હતો. સંગીતમાં તેમણે આપેલા મહામૂલા યોગદાનને કારણે 1994માં તેમને નૅશનલ સિટિઝન ઍવૉર્ડ અપાયો હતો. 1994માં તેમણે પ્રભા સાથે લગ્ન કર્યાં. તેમના બે પુત્રો વિજય અને વિશાલ પૈકી વિજય સંગીતક્ષેત્રે પદાર્પણ કરી ચૂક્યો છે. હિંદી ચિત્રોમાં તેમણે ગાયેલાં લોકપ્રિય ગીતોમાં ‘ચિતચોર’નાં ગીતો ‘ગોરી તેરા ગાંવ બડા પ્યારા, મૈં તો ગયા મારા…’, ‘જબ દીપ જલે આના, જબ શામ ઢલે જાના…’, ‘તૂ જો મેરે સૂર મેં… ગીત ગાયે… ગુનગુનાયે… તો જિંદગી હો જાયે સફલ…’નો સમાવેશ થાય છે.

હરસુખ થાનકી