યેવ્તુશેંકો, યેવજની (ઍલેક્ઝાન્ડ્રોવિચ)

January, 2003

યેવ્તુશેંકો, યેવજની (ઍલેક્ઝાન્ડ્રોવિચ) (જ. 18 જુલાઈ 1933, ઝિમા, રશિયા) : નામી રશિયન કવિ. 1944માં તેઓ મૉસ્કો આવી વસ્યા; ત્યાં ગૉર્કી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ લિટરેચરમાં અભ્યાસ કર્યો. પ્રારંભિક કાવ્યસંગ્રહ ‘ધ થર્ડ સ્નો’ 1955માં પ્રગટ થયો અને તે સાથે જ અનુ-સ્ટાલિન સમયની નવી પેઢીના તેઓ અગ્ર પ્રવક્તા તરીકે ઊભરી આવ્યા. ‘ઝિમા જંક્શન’ (1961) નામક તેમના દીર્ઘ કથાકાવ્યમાં સ્ટાલિનના અવસાનને લગતા કેટલાક મુદ્દાઓની કાવ્યમય રીતે છણાવટ કરવામાં આવી છે. એ કારણસર તેમનો કાવ્યસંગ્રહ વિવાદાસ્પદ નીવડ્યો હતો અને સાહિત્યેતર ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો. ‘બૅબી યૅર’(1962)માં યહૂદીવિરોધીવાદ (anti-semitism) પરત્વે તેમણે ટીકા અને પ્રહાર કર્યાં છે. આ કૃતિ પણ ચર્ચાનું નિમિત્ત બની હતી.

યેવજની યેવ્તુશેંકો

પોતાનાં કાવ્યોના પઠન-કાર્યક્રમો યોજવા 1960થી તેમણે વિદેશ-પ્રવાસ આરંભ્યો. તેમનાં ચૂંટેલાં કાવ્યોના 3 ગ્રંથો 1987માં પ્રગટ થયા. ઉત્તરાર્ધની કૃતિઓમાં ‘પ્રી-મૉર્નિંગ’ (1995) ઉલ્લેખનીય છે.

તેમની સૌપ્રથમ અને મહત્વની રંગભૂમિ-રચના તે ‘અંડર ધ સ્કિન ઑવ્ ધ સ્ટૅચ્યૂ ઑવ્ લિબર્ટી’. 1972માં આ નાટકને ખૂબ સફળતા મળી હતી.

1970ના દશકાથી તેમની કલાવિષયક પ્રવૃત્તિઓનો વ્યાપ ખાસ્સો વિસ્તરવા પામ્યો. તેમણે નવલકથા ઉપરાંત અન્ય ગદ્યસ્વરૂપો પણ ખેડ્યાં છે. વળી અભિનય, ફિલ્મ-દિગ્દર્શન તેમજ ફોટોગ્રાફી જેવી કલા-પ્રવૃત્તિઓમાં પણ તેઓ સક્રિય રસ લેતા થયા. પોતાને પ્રતિકૂળ હોય તેવા રાજકીય વાતાવરણમાં પણ તેઓ પોતાનાં નિખાલસ અભિપ્રાય, ચર્ચાસ્પદ મંતવ્યો તેમજ દૃઢ માન્યતાઓ વ્યક્ત કરવા સદૈવ આગ્રહી અને તત્પર રહ્યા છે. નામી રશિયન નવલકથાકાર સૉલ્ઝેનિત્સિનની 1974માં શાસનતંત્ર તરફથી ધરપકડ થઈ ત્યારે તેમણે એ કથાકારનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. 1989માં તેઓ ‘કૉંગ્રેસ ઑવ્ પીપલ્સ ડેપ્યુટિઝ’ના સભ્ય નિમાયા હતા.

મહેશ ચોકસી