યાજુષ સર્વાનુક્રમણી : યજુર્વેદની વિવિધ સૂચિઓનો ગ્રંથ. વેદના અભ્યાસ માટે વેદાંગો જેવું જ સહાયક સર્વાનુક્રમણી સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હતું. સર્વાનુક્રમણી એટલે વેદના દેવ, છંદ વિશેનો શબ્દસંગ્રહ (concordance) એમ કહી શકાય. વિશેષ સંદર્ભને માટે આ સર્વાનુક્રમણીઓ ઉપયોગી બની. પ્રત્યેક વેદ અને તેની શાખા માટે અલગ સર્વાનુક્રમણી રચવામાં આવી. વેદનાં છંદ, ઋષિ, દેવતા, પદ, ઇત્યાદિના અભ્યાસ માટે આ સાહિત્યનું મહત્વ વિશેષ હતું.
1908માં વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરે યજુર્વેદ સર્વાનુક્રમણી પ્રકાશિત કરી હતી. સ્વામી વિશ્વેશ્વરાનંદ તથા નિત્યાનંદે યજુર્વેદની બંને શાખા (શુક્લ અને કૃષ્ણ) અથવા માધ્યંદિની અને તૈત્તિરીય શાખામાં પ્રયોજિત શબ્દોની અકારાદિ ક્રમે સૂચિ બનાવી પ્રત્યેક શબ્દની સામે તેનો અધ્યાય અને મંત્ર દર્શાવ્યો છે. તેના કર્તાનો ઉલ્લેખ હસ્તપ્રતમાં નથી; ઉદા. अ – अंश – 34 (અધ્યાય), 14 યજુસ્ (મંત્ર).
શ્રીપાદ દામોદર સાતવળેકરે વાજસનેયી સંહિતાની સર્વાનુક્રમણી 1930માં પ્રકાશિત કરી હતી. આ સર્વાનુક્રમણીમાં પાંચ અધ્યાય અને એક પરિશિષ્ટ છે. તેમાં મંત્ર, ઋષિ, છંદ, દેવતાના ઉલ્લેખ સાથે વિવરણ કરવામાં આવ્યું છે. યજુર્વેદમાં 40 અધ્યાય છે. તેના પ્રથમ પ્રકરણમાં 1થી 10 અધ્યાય, બીજામાં 11થી 21 અધ્યાય, ત્રીજામાં 22થી 34 અધ્યાય તથા ચોથા પ્રકરણમાં 35—40 અધ્યાય છે. આ ચાર પ્રકરણોની એક જ શૈલી છે. પાંચમા પ્રકરણમાં છંદ અને તેના પ્રકારોની ચર્ચા કરવામાં આવી છે. જેમ કે, ‘रुषे त्वा’ યજુસમાં સૂર્યદેવતા પરમેષ્ઠી પ્રાજાપત્ય ઋષિ તથા અનુષ્ટુપ છંદ એમ સાતત્યપૂર્ણ ક્રમ સાચવવામાં આવ્યો છે. સર્વાનુક્રમણીના પરિશિષ્ટમાં અનુષ્ટુપ, ગાયત્રી, ત્રિષ્ટુપ, જગતી, ઉષ્ણિક, બૃહતી તથા પ્રગાથની ચર્ચા કરવામાં આવી છે. આ તમામ વૈદિક છંદો અક્ષરમેળ હોવાથી બે અથવા ચાર પદોમાં પ્રયોજિત થતા અક્ષરોની માત્રાના ફેરથી છંદવૈવિધ્ય સર્જાય છે. તેમાં સતો બૃહતી અને પ્રગાથની સમીક્ષા કરવામાં આવી છે. યજુર્વેદમાં બહુધા ઋગ્વેદની ઋચાઓ જ છે, જે યજ્ઞવિધિમાં પ્રયોજિત થાય છે. આ યજુસના ઉચ્ચારણમાં વિવિધતાને કારણે છંદના પ્રમાણમાં પરિવર્તન આવે છે. યાજુષ સર્વાનુક્રમણી ઋગ્વેદની સર્વાનુક્રમણીની પરંપરા પ્રમાણે છે. સર્વાનુક્રમણીના અંતે કહેવાયું છે કે કોઈ પણ વ્યક્તિ યથાતથા દેવતાને જાણી શકતી નથી, પણ સર્વાનુક્રમણીની સહાયથી શ્રૌતવિપ્ર કર્મનું (યજ્ઞનું) ફળ પામે છે. સ્માર્ત વિદ્વાન તેનું ફળ મેળવે છે, તે મંત્રનો ગૂઢ અર્થ પામે છે. યાજુષ સર્વાનુક્રમણીમાં અનુવાકનાં સૂત્રોના અધ્યાયો રચાયા છે તથા તેના પ્રકારોની સૂચિ છે.
વિનોદ મહેતા