યાકૉબ્સન, યેન્સ પીટર

January, 2003

યાકૉબ્સન, યેન્સ પીટર (જ. 7 એપ્રિલ 1847, થિસ્ટેડ, યુટ્લૅન્ડ, ડેન્માર્ક; અ. 30 એપ્રિલ 1885, થિસ્ટેડ) : ડેનિશ નવલકથાકાર અને કવિ. પ્રકૃતિવાદી ચળવળના સ્થાપક અને પુરસ્કર્તા. શુદ્ધ વિજ્ઞાનના અભ્યાસી. ચાર્લ્સ ડાર્વિનના અનુયાયી. ડાર્વિનના ‘ઑન ધી ઑરિજિન ઑવ્ સ્પીસિઝ’ (1871–73) અને ‘ધ ડિસેન્ટ ઑવ્ મૅન’ (1874) ગ્રંથોનો ડેનિશ ભાષામાં તેમણે અનુવાદ કર્યો છે. તેમણે બે નવલકથાઓ, કેટલીક ટૂંકી વાર્તાઓ અને કાવ્યરચનાઓ પણ આપી છે.

12 વર્ષથી લાગુ પડેલ ક્ષયરોગે તેમના જીવનનો અંત આણ્યો. જોકે આ સમય દરમિયાન, વેદનાગ્રસ્ત અવસ્થામાં પણ તેમણે પોતાની મોટાભાગની કૃતિઓનું સર્જન કર્યું. જે કંઈ જોયું-જાણ્યું તેની ઝીણી ઝીણી વિગતો તરફ ચોક્કસ ધ્યાન રાખીને વર્ણન કરવામાં તેઓ પાવરધા હતા.

કોપનહેગન યુનિવર્સિટીના પ્રાધ્યાપક જ્યૉર્જ બ્રાન્ડેસની વાસ્તવવાદી અને પ્રકૃતિવાદી વિચારધારાએ તેમને સમાજ પ્રત્યે સભાન એવી કલાના ગુણાનુરાગી કર્યા. ડેનિશ સાહિત્યમાં સૌપ્રથમ, જેમાં નિસર્ગાતીત અને આધ્યાત્મિક તત્વોને સ્થાન નથી એવી નીતિ અને તત્વજ્ઞાન પર આધારિત ટૂંકી વાર્તાઓ ‘મૉજેન્સ’ (1872; અંગ્રેજી અનુ. 1921) લખી. બ્રાન્ડેસે પીટરને સાહિત્યના પ્રવાહને બદલનારાઓમાંના એક તરીકે ઓળખાવી તેમની પ્રશંસા કરેલી. ‘ફ્રુ મેરી ગ્રબ’ (1876; અંગ્રેજી અનુ. 1914, 1975) તેમની પ્રથમ નવલકથા છે. તેમાં સત્તરમી સદીની એક સ્ત્રીનું માનસશાસ્ત્રીય પૃથક્કરણ છે. નાયિકાની સહજવૃત્તિઓ તેની સામાજિક વૃત્તિઓથી વધુ પ્રબળ છે, એટલે તો વાઇસરૉયના વાદ્યવૃંદના પદનો ત્યાગ કરી એક સામાન્ય હોડીવાળાની પત્ની બનતાં તે સહેજ પણ ખચકાટ અનુભવતી નથી. જુનવાણી પરંપરાના હિતરક્ષકોને આ વાર્તા જરા પણ માફક આવી ન હતી. ‘નિયેલ્સ લાય્હને’ (1880; અંગ્રેજી અનુ. 1896) નવલકથામાં જીવનના મર્મને પામવા માટેનો નાયકનો નિષ્ફળ સંઘર્ષ જોઈ શકાય છે. કવિની સમગ્ર કવિતાનું મરણોત્તર પ્રકાશન (1886; અંગ્રેજી અનુ. 1920) થયું છે.

વિ. પ્ર. ત્રિવેદી