યાજ્ઞવલ્ક્યસ્મૃતિ

January, 2003

યાજ્ઞવલ્ક્યસ્મૃતિ : ભારતીય ધર્મશાસ્ત્રનો ખૂબ જાણીતો ગ્રંથ. અનેક સ્મૃતિગ્રંથોમાં ખૂબ જાણીતી ‘મનુસ્મૃતિ’માં જે વિષયો ચર્ચવામાં આવ્યા છે તે બધાને સંક્ષેપમાં રજૂ કરવાનું શ્રેય આ ગ્રંથને ફાળે જાય છે. ‘શુક્લ યજુર્વેદ’ના ઉદભાવક, ‘શતપથબ્રાહ્મણ’માં અને ‘બૃહદારણ્યક’ જેવાં ઉપનિષદોમાં ઉલ્લેખાયેલા યાજ્ઞવલ્ક્ય આ સ્મૃતિના રચયિતા હોવાથી તેને ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’ એવું નામ આપવામાં આવ્યું છે. ઈ. પૂ. પહેલી સદીથી ઈ. સ. 300 સુધીમાં આ ગ્રંથની રચના થઈ હોવાનું વિદ્વાનો માને છે.

ત્રણ કાંડના બનેલા આ ગ્રંથમાં પ્રથમ આચારકાંડમાં ચૌદ વિદ્યાઓ, ધર્મના વિશ્લેષકો, ધર્મનું ઉપાદાન, પરિષદનું ગઠન, સોળ સંસ્કારો, વિદ્યારંભ માટે ઉપનયનનો વિધિ, બ્રહ્મચારી માટે વિધિનિષેધો, ગૃહસ્થ બનવા માટે વિવાહના આઠ પ્રકારો અને વિવાહ માટેના નિયમો, ચાર વર્ણોના અધિકારો અને કર્તવ્યો, સ્નાતકના નિયમો, વૈદિક યજ્ઞો, ભક્ષ્યાભક્ષ્યના નિયમો, દાનના નિયમો, શ્રાદ્ધવિધિના નિયમો, રાજા અને પ્રધાન વગેરેના ધર્મો વગેરે મુખ્ય મુખ્ય વિષયો રજૂ થયા છે. બીજા વ્યવહારકાંડમાં ન્યાય આપવાના અને દાવાઓના નિકાલના નિયમો; ન્યાયાધીશની ફરજો; દેવું, થાપણ, માલિકી, સાક્ષી વગેરે માટેના નિયમો; પુરાવાઓ, દસ્તાવેજ, ભોગવટો, વારસો, સ્ત્રીધન વગેરે વિશેના નિયમો; ચોરી વગેરે અપરાધો વિશેના નિયમો અને શિક્ષાઓ વગેરે વિષયો વર્ણવવામાં આવ્યા છે. ત્રીજા પ્રાયશ્ચિત્તકાંડમાં મૃત્યુ પામેલાનું તર્પણ, જન્મની વૃદ્ધિના અને મૃત્યુના સૂતકના નિયમો, અગ્નિસંસ્કારના નિયમો, વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મો, જન્મ અને મૃત્યુનાં પાપ પામેલા મનુષ્ય અને પાપી માટે પ્રાયશ્ચિત્ત વગેરે વિષયો નિરૂપવામાં આવ્યા છે.

‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’ની ત્રણ આવૃત્તિઓ જુદી જુદી શ્લોકસંખ્યા ધરાવે છે. મુંબઈની નિર્ણયસાગરીય આવૃત્તિમાં 1,010 શ્લોકો છે, તિરુઅનંતપુરમમાંથી પ્રગટ થયેલી આવૃત્તિમાં 1,003 શ્ર્લોકો છે, જ્યારે પુણેની આનંદાશ્રમીય આવૃત્તિમાં 1,006 શ્લોકો છે. ‘મનુસ્મૃતિ’ના 2,700 જેટલા શ્લોકોમાં કહેલી બધી વાત ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’માં 1,000 જેટલા શ્લોકોમાં વ્યવસ્થિત રીતે કહેવામાં આવી છે. વિશ્વરૂપ (ઈ.સ. 800) અને વિજ્ઞાનેશ્વર (ઈ.સ. 1050) એ બે તેના જાણીતા ટીકાકારો છે. વિજ્ઞાનેશ્વરે રચેલી ‘મિતાક્ષરા’ ટીકા વિસ્તૃત ભાષ્યરૂપે લખાયેલી છે અને ભારતના ‘હિંદુ લૉ’નો તે આધાર છે. અનેક સ્મૃતિઓનાં ઉદ્ધરણો સાથે ભારતીય કાયદાઓનો સાર ‘મિતાક્ષરા’ ટીકામાં આપવામાં આવ્યો છે અને તેમાં પૂર્વમીમાંસાદર્શનની પદ્ધતિ અવારનવાર અપનાવવામાં આવી છે, જે ટીકાકાર વિજ્ઞાનેશ્વરને પૂર્વમીમાંસાના જ્ઞાની સિદ્ધ કરે છે. આટલી મહત્વની ‘મિતાક્ષરા’ ટીકા  પર પણ ઘણી ટીકાઓ લખાઈ છે. એમાં વિશ્વેશ્વર, નંદપંડિત અને બાલભટ્ટની ટીકાઓ અત્યંત પ્રસિદ્ધ છે. ‘મિતાક્ષરા’ ટીકામાં ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’ના શબ્દેશબ્દ પર દાખલા સહિત વિવરણ આપવામાં આવ્યું હોઈ તે ટીકા ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’ જેટલી જ પ્રમાણભૂત ગણાઈ છે.

પ્ર. ઉ. શાસ્ત્રી