યાક : હિમાલય પર્વતના તિબેટ અને તેની આસપાસના વિસ્તારમાં વસતું ગાય-બળદ(cattle)ના જેવું બોવિડે કુળનું પ્રાણી. શાસ્ત્રીય નામ Bos grunniens. સામાન્યપણે તે બરફથી આચ્છાદિત ઢાળઢોળાવ, ખીણ તેમજ ઘાસવિસ્તાર(grassy land)માં દેખાય છે. પર્વતની 4,000થી 6,000 મીટર ઊંચાઈએ આવેલો ભાગ અતિશય ઠંડો અને ઉજ્જડ હોય છે. યાક આવા પ્રદેશોમાં જોવા મળે છે.

યાક

યાક મોટું અને ભારે વજનવાળું પ્રાણી છે. પુખ્ત બળદ આશરે 1.8 મીટર ઊંચો હોવા ઉપરાંત તેનું વજન 500થી 525 કિગ્રા. હોય છે. તેનું માથું સાવ નમેલું હોય છે અને તેનું નાક લગભગ જમીનને સ્પર્શે છે. તેના વાળ લાંબા, શ્યામ કે ભૂરા રંગના હોય છે. તેના ખભા અને પૂંછડી તરફના વાળ રેશમ જેવા મુલાયમ હોય છે. સામાન્યપણે વાળ ઉનાળામાં ખરે છે, જ્યારે શિયાળામાં ફરીથી ઊગે છે અને ત્વચા પર જાડું આવરણ રચે છે. તેથી યાક અત્યંત ઠંડીનો સામનો કરવાની ક્ષમતા મેળવે છે. તેના વાળમાંથી ધાબળા અને ગરમ વસ્ત્રો વગેરે બનાવાય છે. છાણનો ઉપયોગ બળતણમાં થાય છે. તેનું માંસ સ્વાદિષ્ટ હોય છે અને તેના ચામડામાંથી જીન (saddle), ચાબુક, જૂતાં, કમરપટા જેવી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.

જંગલી યાક કરતાં પાલતુ યાક કદમાં સહેજ નાનું હોય છે અને તેના પગ ટૂંકા અને સહેજ ગોળાકાર હોય છે. તેના અવાજ પરથી પાલતુ યાકને ‘grunting yak’ કહે છે. પાલતુ યાક માનવી માટે અત્યંત ઉપયોગી છે. તે ભારે વજન ઊંચકીને દરરોજ 30થી 32 કિમી. જેટલું અંતર કાપે છે. પ્રવાસીઓને તેમજ ટપાલ(mail)ને લઈ જવામાં તે ખાસ ઉપયોગી થાય છે. યાકનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે. તેની ઝૂમખાવાળી પૂંછડીનો ચામર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

યાક 10થી 15ના ટોળામાં ફરતાં હોય છે. શરીરથી ભારે હોવા છતાં યાક અત્યંત ચપળ હોય છે. બરફના ઢોળાવ હોય કે લપસી જવાય એવાં ખડકાળ ચઢાણ હોય તોપણ તે સહેલાઈથી તેમને વટાવી શકે છે. વળી યાક તરવામાં પણ કુશળ હોય છે. આમ તો તે સ્વભાવે શાંત છે; પરંતુ આક્રમણ થતાં આવેશથી શત્રુનો સામનો કરે છે. શરદઋતુમાં માદા યાક ગર્ભધારણ કરે છે અને દસ મહિના બાદ સંતાનને જન્મ આપે છે. માતાની જેમ તેનાં બચ્ચાં પણ વિપરીત ઠંડી સહન કરવાની ક્ષમતા ધરાવે છે.

બરછટ ઘાસ યાકનો મુખ્ય ખોરાક છે. સામાન્યપણે તે પરોઢિયે અને સાંજના સમયે ચરે છે અને દિવસ દરમિયાન ઊંઘે છે.

મ. શિ. દૂબળે