યાકુસેવ, ઍલેક્ઝાંડર સર્ગેવિચ

January, 2003

યાકુસેવ, ઍલેક્ઝાંડર સર્ગેવિચ (જ. 2 જાન્યુઆરી 1947, બાલશિખ, મૉસ્કો) : બરફ પર રમાતી હૉકી(ice hockey)ના રશિયન ખેલાડી. 1972 અને 1976ની યુ.એસ.એસ.આર.ની વિજેતા ટુકડીમાં ઑલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક-વિજેતા. 1972માં યુ.એસ.એસ.આર. તથા નૅશનલ હૉકી લીગ (યુ.એસ.) વચ્ચેની શ્રેણી દરમિયાન ઉત્તર અમેરિકાના સંખ્યાબંધ દર્શકોને તેમના અદભુત રમતકૌશલ્યનો પહેલી જ વાર પ્રભાવક પરિચય થયો. તેઓ વીજળીક ઝડપે ગતિ કરતા અને કેટલાકના મતે તો તેઓ વિશ્વના સૌથી ઝડપી સ્કેટર હતા. તત્કાલીન સોવિયેત સંઘની વિશ્વ ચૅમ્પિયનશિપ ટીમ વતી તેઓ 1967, 1969–70, 1973–75 અને 1979માં પણ આઇસ-હૉકીમાં રમ્યા.

તેઓ નિવૃત્ત થયા ત્યારે તત્કાલીન સોવિયેત સંઘની ગોલ-નોંધણીની કાયમી (all-time) યાદીમાં તેઓ ચોથો ક્રમ ધરાવતા હતા.

મહેશ ચોકસી