યાઉન્દે (Yaounde)

January, 2003

યાઉન્દે (Yaounde) : મધ્ય આફ્રિકાના પશ્ચિમ ભાગમાં આવેલા કૅમેરૂન દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 3° 52´ ઉ. અ. અને 11° 31´ પૂ. રે. તે દેશના દક્ષિણ ભાગમાં ઉચ્ચપ્રદેશ પર વસેલું છે અને પશ્ચિમ કિનારા પરના દૌઆલા બંદરેથી 210 કિમી.ને અંતરે પૂર્વ તરફ આવેલું છે. આ શહેર દેશના સરકારી વહીવટનું મુખ્ય મથક છે; પરંતુ અહીં બહુ જ ઓછા પ્રમાણમાં ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ખનિજતેલ-શુદ્ધીકરણ, સિગારેટ-ઉત્પાદન અને પ્રવાસનનો સમાવેશ થાય છે. અહીં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. આ શહેર દેશના સૌથી મોટા શહેર દૌઆલા સાથે તેમજ અન્ય શહેરો સાથે જોડાયેલું છે. આ દેશની એકમાત્ર યુનિવર્સિટી યાઉન્દે ખાતે આવેલી છે.

જર્મનોએ આ શહેર 1888માં વસાવેલું અને 1899માં તેમણે ત્યાં લશ્કરી મથક સ્થાપેલું. 1921–22માં ફ્રેન્ચ કૅમેરૂનને ફ્રેન્ચ હકૂમત હેઠળનો પ્રદેશ બનાવવામાં આવ્યો. ફ્રેન્ચોએ યાઉન્દેને ત્યારે પાટનગર બનાવેલું. 1960માં ફ્રેન્ચ કૅમેરૂનમાંથી કૅમેરૂન નામનું સ્વતંત્ર રાષ્ટ્ર બનતાં યાઉન્દે તેના પાટનગર તરીકે આજે પણ ચાલુ રહ્યું છે. યાઉન્દે કૅમેરૂનનો અતિ ગીચ વસ્તીવાળો પ્રદેશ ગણાય છે. 1999 મુજબ તેની વસ્તી 11,20,000 જેટલી છે.

જાહ્નવી ભટ્ટ