યહૂદી ધર્મ
જગતના જાણીતા ધર્મોમાંનો એક ધર્મ. યહૂદી ધર્મનો પાયો ‘તોરાહ’ છે, જેનો અર્થ ‘law’, ‘કાયદો’, ‘નિયમ’ એવો કરવામાં આવે છે; પણ ‘ઉપદેશ’, ‘માર્ગદર્શન’ એ વધારે ઉચિત ગણાય. સંકુચિત અર્થમાં ‘તોરાહ’નો મતલબ સિનાઈ પર્વત પર મોશે (Moses) પયગંબરને ઈશ્વરનો આવિષ્કાર થયો અને તેમને ઉપદેશ મળ્યો, જે મોશેના પાંચ ગ્રંથોમાં સંગૃહીત છે. તે છે આ એક આધ્યાત્મિક ખજાનો જાણે કે યહૂદીઓને ઇજિપ્તમાંથી મુક્ત થયા પછી મળી ગયો એમ કહેવાય. અને વારંવાર ઈશ્વરનો આદેશ જુદા જુદા સંતોને મળતો રહ્યો કે તમે તોરાહથી વિક્ષિપ્ત થશો નહિ, અને તમારા કુટુંબમાં નિષ્ઠાપૂર્વક તેનું પ્રદાન હંમેશાં હર વખત બેસતાં-ફરતાં, સૂતાં-ઊઠતાં કરતા રહેજો. દરેક યહૂદીને આ પોતાને મળેલો આદેશ છે એમ લાગ્યા કર્યું છે. વાસ્તવમાં તોરાહ એ કોઈ સાંપ્રદાયિક માન્યતાનો ઉપદેશ છે તેના કરતાં ઈશ્વરની ઇચ્છાનુસાર ઉત્કૃષ્ટ કક્ષાનું જીવન જીવવાની કળાનો ઉપદેશ છે એમ કહેવું વધારે ઉચિત રહેશે અને તેથી જેમ જેમ જીવનની પરિસ્થિતિ બદલાતી ગઈ તેમ તેમ તે અનુસાર તોરાહનો વ્યાપ વિસ્તરતો ગયો. મોશે, જોશુઆ, એઝરા જેવા પયગંબરો, પ્રબોધક, ઈશ્વરના ઉપદેશના ઉદગાતા અને પછી રાબ્બી જેઓ તોરાહના પ્રમાણભૂત વ્યાખ્યાતા–અધ્યાપકો હતા, તેમના દ્વારા તેનો વિકાસ થતો ગયો, તેમ છતાં તેના મૂળથી જુદા પડીને કોઈ પ્રચાર કે પ્રસ્તાર થયો નથી. રાબ્બીના બે વર્ગ હતા – તાન્નાઇમ, શિક્ષકો, અધ્યાપકો – જેમનો કાર્યકાળ ઈ. પૂ. પહેલા સૈકાથી ઈ. સ. 2001 ગણી શકાય. પછી મૌખિક પરંપરાથી ચાલ્યા આવતા તોરાહને અને પ્રબોધક-સંતોના આદેશોને રાબ્બી જુડાહે ગ્રંથસ્થ અને વ્યવસ્થિત કર્યા, જેને ‘મિશનાહ’ કહેવામાં આવે છે. મિશનાહ એટલે પુનરાવર્તન કે પુનર્વચન. ઈ. સ. 220ની આ રચનામાં યહૂદી ધર્મના ઉત્સવો, વ્રતો, પ્રાર્થનાઓ, લગ્ન, છૂટાછેડાના કાયદા, ગરીબો, દાસ-દાસીના અધિકારો, તોલ-માપના કાયદા વગેરે વગેરે ઝીણામાં ઝીણી વિગત આપેલી છે. હિંદુઓના ધર્મશાસ્ત્ર સાથે આને સરખાવી શકાય. પૅલેસ્ટાઇન અને બૅબિલૉનની અકાદમીઓમાં મિશનાહનો ઝીણવટપૂર્વક અભ્યાસ થવા લાગ્યો અને તેને શીખવનાર રાબ્બી ‘આમોરાઇમ’ વ્યાખ્યાતા કહેવાયા. વ્યાખ્યાઓ વગેરેનું સાહિત્ય એટલું વિપુલ થઈ ગયું કે વિદ્વાન રાબ્બીઓને શિષ્યોના હિતાર્થે તેનું કદ ઘટાડવાની ફરજ પડી. પૅલેસ્ટાઇનમાં ટાઇબિરિયસની પ્રખ્યાત અકાદમીના અધ્યક્ષ જોખાનાને (ઈ. સ. 199–279) આ કામ ઉપાડી લીધું અને પૅલેસ્ટાઇનની વાચના ચોથી સદીના અંતભાગમાં બહાર પડી. ‘તાલમૂદ’ એટલે અધ્યયન, અભ્યાસ; આ નામ મિશનાહ અને તેના પરની રાબ્બીઓની વ્યાખ્યાઓને આપવામાં આવ્યું છે. બૅબિલૉનમાં રાબ્બી આશેએ (352–427) સ્વતંત્ર રીતે તાલમૂદનું સંકલન કરવામાં 30 વર્ષ ગાળ્યાં અને તેમના રાબીના નામના અનુગામીએ આ તાલમૂદની બૅબિલૉનની વાચના ઈ. સ. 499માં પૂરી તૈયાર કરી લીધી. તાલમૂદનો મુખ્ય વિષય છે કૌટુંબિક અને સામાજિક કાયદાઓ. ઉપરાંત યહોવાહ(ઈશ્વર)ની આજ્ઞાઓ, જીવનમાં જરૂરી નીતિનિયમ, રીત-રિવાજો વગેરેનો પણ સમાવેશ તેમાં છે, જેમાંથી પ્રેરણા મેળવી યહૂદી પ્રજા અનેક આપત્તિઓની વચ્ચે ટકી શકી છે.
અલબત્ત, યહૂદી ધર્મનો મુખ્ય ગ્રંથ તો જૂનો કરાર કે હીબ્રુ બાઇબલ છે, જેમાં મોશેના પાંચ ગ્રંથો ઉપરાંત બીજા ઘણા ગ્રંથો(કુલ 24 ગ્રંથો)નો સમાવેશ કર્યો છે; તેના ત્રણ ભાગ પાડી શકાય : (i) નિયમ-ગ્રંથો (તોરાહ), (ii) પ્રબોધકોના ગ્રંથો (યેશાયાહ, જેરમાયાહ વગેરે પયગંબર-સંતોના ગ્રંથો), અને (iii) લેખો-લખાણો જેમાં ભજનો, નીતિ-નિયમો વગેરેનો સમાવેશ છે. જૂના કરારમાં માત્ર કાયદો કે ઉપદેશ નથી, પણ યહૂદી પ્રજાનો ઇતિહાસ અને કાવ્યાત્મક વચનો મળે છે અને જેને તત્ત્વમીમાંસા કહી શકાય એવું પણ થોડું મળે છે.
યહૂદી ધર્મની વ્યવસ્થિત રજૂઆત કહી શકાય તેવું તો બાઇબલ કે તાલમૂદમાં કોઈ જગ્યાએ મળતું નથી. ઉપદેશો અને આચારોની વ્યવસ્થિત રજૂઆત નથી, પણ વિશાલ તોરાહ-સાહિત્યમાંથી તે તારવી શકાય. તેના મુખ્ય મુદ્દા આ ગણી શકાય :
એકેશ્વરવાદ : યહૂદીઓ બહુ મક્કમપણે માને છે કે ઈશ્વર એક છે અને તેના સિવાય બીજો કોઈ દેવ નથી. આબ્રાહામને ઈશ્વરની આજ્ઞા થઈ કે તું મને જ અનુસરીશ અને મારી આજ્ઞા માનીશ. તે પછી આબ્રાહામ કે તેમના વંશજોએ કોઈ અન્ય દેવની ઉપાસના કરી નથી, તેમ મૂર્તિપૂજા કરી નથી. ઇજિપ્તમાંથી મુક્ત થયા પછી વગડામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ત્યારે નિરાશા અને તેથી થતા આક્રોશને વશ થઈને કેટલાક મૂર્તિપૂજામાં થોડો વખત ફસાયા, પણ મોશે વગેરેએ યોગ્ય માર્ગદર્શન આપીને તેમને પાછા વાળ્યા. ઈશ્વર એક છે, પવિત્ર છે, સર્વગુણસંપન્ન, સર્વજ્ઞ, સર્વશક્તિશાળી છે અને તેની આજ્ઞા અને ઇચ્છા અનુસાર જ બધું થાય છે. ઈશ્વરની નિરાકારતા–એકેશ્વરવાદ જેટલું જ આ માન્યતાનું મહત્ત્વ છે, કારણ કે યહૂદીઓના મતે ઈશ્વરનું ચિત્ર કે તેની મૂર્તિ હોઈ શકે જ નહિ. મોશે પયગંબરને સિનાઈ પર્વત પર ઈશ્વરનો આવિષ્કાર થયો અને દશ આજ્ઞાઓની તખતી મળી ત્યારે મોશેએ આગ્રહ રાખેલો કે ‘હે ઈશ્વર, મને તારું રૂપ બતાવ, અન્ય લોકોને હું શું કહી શકીશ’, પણ ઈશ્વરે કહ્યું કે ‘એ શક્ય નથી’, હું જે છું તે છું એમ જ સમજ. બાઇબલમાં એમ કહ્યું છે કે ઈશ્વરે માનવને પોતાના જેવો બનાવ્યો (God created man in his own image). અને વળી ઈશ્વર સિંહાસન પર બેઠો છે એવું પણ કથન છે, તેથી ઈશ્વરને આકાર હોવો જોઈએ, તે શરીરી હોવો જોઈએ, એમ કેટલાક અર્થ ઘટાવે છે. પણ તે બરાબર નથી. ઈશ્વર અવતાર લે છે એમ યહૂદીઓ કદી માની શક્યા નથી, અને કોઈ માનવ ગમે તેટલો મહાન હોય, તેને ઈશ્વરના અવતાર રૂપે નહિ, પણ પયગંબર, ઈશ્વરના ઉપદેશ–આદેશનો ઉદગાતા જ ગણ્યો છે. ઈશ્વરે માનવને પોતાના જેવો બનાવ્યો એનો અર્થ તો એટલો જ થઈ શકે કે તે જેમ દયાળુ છે, ન્યાયી છે, ઉદ્ધારક છે અને પોતાનું આગવું વ્યક્તિત્વ ધરાવે છે તેવું માનવીએ થવું જોઈએ, કારણ કે તે ઈશ્વરનું સર્જન છે. ઈશ્વર સિંહાસન પર બેસે છે અર્થાત્ સર્વસત્તાધીશ છે, ન્યાય કરે છે એમ જ સમજવું જોઈએ. કોઈ જગ્યાએ ઈશ્વરના હાથ, પગ વગેરેનો ઉલ્લેખ મળતો નથી અને મૂર્તિપૂજાનો તો કડક નિષેધ છે.
ઈશ્વરની પવિત્રતાનો ઉલ્લેખ વારંવાર મળે છે, જે એમ બતાવે છે કે ઈશ્વર સર્વનો સર્જક છે, અનન્ય છે, બધાંથી અલગ પડે છે. તેણે ઉત્પત્તિ કરી, પણ કશામાંથી નહિ. કંઈ નહોતું તેમાંથી ઈશ્વરે વિશ્વનું સર્જન કર્યું, તેની સર્વશક્તિમત્તાથી. ઈશ્વરનો આદેશ છે કે હું પવિત્ર છું, હું તમારો પરમેશ્વર છું, દેવ છું, તેથી તમારે પણ પવિત્ર થવું જોઈએ. આની રાબ્બીઓએ વ્યાખ્યા કરી છે કે ઈશ્વરનું અનુકરણ કરીને તેને વળગી રહેવું જોઈએ. ઈશ્વર કૃપાળુ, દયાળુ છે, ન્યાયી છે, શુદ્ધ છે, દીન-દુ:ખીઓની મદદ કરે છે, શોકાતુરોને આશ્વાસન આપે છે; માનવી પણ તેવા થાય એવો ઈશ્વરનો આદેશ છે.
યહૂદીઓની ઈશ્વરની કલ્પનાના પાંચ મુખ્ય ઘટક છે – ઈશ્વર છે અર્થાત્ માત્ર વિદ્યમાન છે એટલું જ નહિ, પણ સતત ક્રિયાશીલ છે અને જગતનું નિયમન સક્રિય રીતે કર્યા કરે છે. તે એક અને અનન્ય છે, તે પવિત્ર છે, તે ન્યાયી છે અને દૃઢ પ્રેમપૂર્વક જ વર્તે છે. તે આપણને મુશ્કેલીઓમાં મૂકે તોપણ તેની પાછળ કોઈ શુભ હેતુ હોવો જોઈએ. ઈશ્વર ખરાબ કૃત્ય માટે દંડ આપ્યા સિવાય રહેતો નથી, કારણ કે તે ઇચ્છે કે જગતમાં સર્વત્ર નીતિમત્તાનું વાતાવરણ પ્રવર્તે અને સૌ એવી નૈતિક ચારિત્ર્યની યોગ્યતા કેળવે કે સારા દિવસો આવે જ. સાથોસાથ ઈશ્વર પોતાનાં સંતાનો પ્રત્યે ખૂબ દયાળુ છે અને પક્ષપાતહીન છે. ઇજિપ્તમાંથી યહૂદીઓ મુક્ત થયા ત્યારે તેમને સમુદ્ર ઓળંગવાનો આવ્યો કે તરત જ પાણીના બે ભાગ થઈ ગયા અને તેઓ સહીસલામત સામે પાર જઈ શક્યા; પણ ઇજિપ્તના સૈનિકો પીછો કરતા હતા, તેઓ પહોંચ્યા ત્યાં પાણી ફરી વળ્યું અને તેમનો નાશ થયો. યહૂદીઓ મુક્તિનો આનંદ વ્યક્ત કરવા ગીતો ગાતા હતા તેમાં દેવદૂતોએ પણ જોડાવાની તૈયારી કરી ત્યારે ઈશ્વરે તેમને રોક્યા કે એ લોકો પણ મારું જ સર્જન છે, તેમનો નાશ થયો છે અને તમને ગાવાનું સૂઝે છે ?
યહૂદી ધર્મનો ઉપદેશ ઈશ્વર પાસેથી આબ્રાહામ, મોશે જેવા પયગંબરોને મળ્યો અને યહૂદીઓ ઈશ્વરે પસંદ કરેલી જાતિ છે એમ મનાયું. પણ એનો અર્થ એટલો જ છે કે ઈશ્વરીય આદેશો અને ઈશ્વરની જગતનો સર્વ રીતે ઉદ્ધાર કરવાની ઇચ્છા, નૈતિક મૂલ્યોનો આગ્રહ વગેરે તેણે યહૂદીઓ દ્વારા જગતની સર્વ પ્રજાને પહોંચાડ્યાં. બધી જગ્યાએ એમ જ કહેલું છે કે ઈશ્વરે સર્વને માટે જગતનું સર્જન કર્યું, વગેરે.
યહૂદીઓ માને છે કે મસીહા (તારણહાર) જન્મ લેશે અને જગતનો સર્વ પ્રકારે ઉદ્ધાર કરશે. તેમણે પ્રાચીન કાળથી ઘણાં દુ:ખો ભોગવ્યાં છે અને પોતાની ભૂમિ કહી શકાય તેવું તો, વારંવાર હડધૂત થયા પછી છેક 1948માં ઇસ્રાએલ દેશ રૂપે મળ્યું અને હજુ પણ મુશ્કેલીઓ તો ચાલુ જ છે. તેમને મસીહાનો ખ્યાલ ખૂબ આશ્વાસન આપતો રહ્યો છે, પણ મસીહા એટલે ઉત્કૃષ્ટ માનવ; ઈશ્વરનો અવતાર જેની ઉપાસના કરવાની હોય એવો વિચાર તેની પાછળ નથી. કેટલીય વાર કોઈ કોઈ મહાન લાગતી વ્યક્તિને મસીહા માનવા યહૂદીઓ પ્રેરાયા, પણ તેમણે જે કલ્પના કરી છે તેને અનુરૂપ ન જણાતાં નિરાશ થયા છે. ક્યાંક ક્યાંક એવો પણ વિચાર પ્રકટ થાય છે કે સમગ્ર પ્રજાનું નૈતિક-ધાર્મિક ધોરણ ઊંચું આવે તેને માટે સૌએ પ્રયત્નશીલ રહેવું જોઈએ અને એ જ મસીહા બનશે, અથવા તેવી યોગ્યતા પ્રજામાં આવતાં મસીહા જન્મ લેશે જ અને ત્યારે બધી રીતે સુખ-દયા-ન્યાય-સત્ય-નીતિમત્તાનું વાતાવરણ સર્વત્ર પ્રસરશે, કોઈ કોઈનું પડાવી લેવાનો વિચાર કે કોઈને હેરાન કરવાની ઇચ્છા પણ નહિ કરે. યહૂદીઓએ પોતાની ભૂમિ હોય એવું ઇચ્છ્યું છે અને એવા આશીર્વાદ પણ ઈશ્વર પાસેથી એમને મળ્યા છે, પણ કોઈની ભૂમિ પડાવી લેવાની વાત ક્યાંય નથી, તેમ ઈશ્વરનું એવું કોઈ વચન પણ નોંધાયેલ નથી.
જેમ હિંદુઓના ધર્મશાસ્ત્રના ગ્રંથોમાં કેટલીક ધાર્મિક-દાર્શનિક ચર્ચા ઉપરાંત વર્ણાશ્રમ ધર્મ, ગુરુ-શિષ્યનો સંબંધ, લગ્ન-વ્યવસ્થા, રાજા-પ્રજાના સંબંધ, રાજ્યની વ્યવસ્થા-સુરક્ષા માટેના કાયદા, વેપાર તથા ખેતી-પેદાશ સંબંધી નિયમો, તોલમાપ અંગેની વ્યવસ્થા, કાયદો વગેરે વિષયો અંગે ચર્ચા મળે છે તેવું જ યહૂદીઓના સર્વ શાસ્ત્ર-ગ્રંથોમાં છે. તત્વચિંતન કે કોઈ દાર્શનિક પ્રશ્નોની ચર્ચા જવલ્લે જોવા મળે છે. જીવન જીવવાની કળા અને માનવજીવનનાં નીતિ-ન્યાયનાં મૂલ્યો પર જ ખૂબ ભાર આપ્યો છે. પાછળથી ગ્રીસ અને રોમના તત્વચિંતનના પ્રભાવ હેઠળ કેટલાક વિદ્વાનોના ગ્રંથોમાં થોડી તાત્વિક ચર્ચા જોવા મળે છે – જેમ કે ઈશ્વરે જગત શામાંથી સર્જ્યું, અને મૃત્યુ પછી શું થાય છે, વગેરે વગેરે. બાઇબલમાં પણ મરણ પછી પુનર્જીવન કે પુનરુત્થાનની વાત ક્યાંક આવે છે અને ત્યારે સારાં-ખરાબ કર્મોનું ફળ મળશે એવી વાત જોવા મળે છે, પણ તે ગૌણ બની જાય છે અને ઈશ્વરની ન્યાય-વૃત્તિ, દયા, નીતિમત્તા, પવિત્રતા, ક્રિયાશીલતા વગેરે ચર્ચીને ઈશ્વર ઇચ્છે છે કે માનવ પણ તેવો જ થાય, કારણ કે ઈશ્વરે માનવને પોતાના જેવો બનાવ્યો છે એ વાતનું રટણ વારંવાર મળે છે. ધાર્મિક તહેવારો, ઉત્સવોમાં પોતાનાં કુટુંબીજનો ઉપરાંત દીન-દુ:ખી, વિધવા, અનાથ બાળકો, પરદેશીઓ, ઘર છોડીને ભણવા આવેલા વિદ્યાર્થીઓ અને એકલા પડેલા અજનબીઓને પણ ભોજન કરાવવાની વાત વારંવાર શાસ્ત્ર-ગ્રંથોમાં છે. યહૂદીઓના ધાર્મિક ક્રિયાકાંડ-વિધિ-નિષેધો એ સાંપ્રદાયિક બાબતો યહૂદીઓ માટે જ છે, પણ જે નીતિ-ન્યાયની વાતો છે તે સર્વ પ્રજાજન માટે છે. વળી એમ પણ જણાવવામાં આવ્યું છે કે યોમ કિપ્પૂર જેવા પવિત્ર તહેવારમાં તમે ક્ષમાયાચના કરો ત્યારે ઈશ્વર પ્રતિ કરેલા અપરાધ તમને સાચા હૃદયથી પશ્ચાત્તાપ થતાં ઈશ્વર માફ કરી શકે, પણ અન્ય મનુષ્યો પ્રતિ જે અપરાધ કર્યા છે તે તો તેઓ જ માફ કરે અને તમારું તેમના પ્રત્યે તેને અનુરૂપ વર્તન હોય તો જ માફ થાય. આમ માનવ-વ્યક્તિત્વ, તેની શક્તિઓ, નિર્ણયશક્તિ વગેરે પર અને નીતિ-ન્યાયયુક્ત આદર્શ જીવન પર ખૂબ ભાર મૂક્યો છે.
યહૂદી ધર્મ, તેનો ઉદભવ અને વિકાસ, તહેવારો એ યહૂદી પ્રજાના ઇતિહાસ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને ઐતિહાસિક પરિસ્થિતિ અનુસાર તેમાં પરિવર્તન-વિકાસ થતાં રહ્યાં છે. તેથી એ પરંપરામાં ઊછર્યા હોય તેમને જ એ સમજાય કે એ જ હૃદયથી માની શકે. માટે યહૂદી ધર્મમાં ધર્મ-પરિવર્તનને જરાય ઉત્તેજન નથી આપ્યું, જ્યારે જેમને ધર્મ અને તેની માન્યતાઓ, સિદ્ધાંતો તૈયાર મળ્યાં તેમનામાં (જેમ કે ખ્રિસ્તી ધર્મમાં) ધર્મ-પરિવર્તન માન્ય રહ્યું છે અને તેને ઉત્તેજન પણ અપાયું છે.
ઈ. સ. 70માં મંદિર(temple)નો નાશ કરવામાં આવ્યો ત્યારપછી પશુની આહુતિ અપાતી તે બંધ કરવામાં આવી અને લોકો ધર્મસ્થાન (synagogue), પ્રાર્થનાગૃહમાં મળતા રહ્યા તેમાં ત્રણ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી – ઈશ્વરની પ્રાર્થના-સ્તુતિ, શાસ્ત્ર-ગ્રંથોનો અભ્યાસ અને સામાજિક પ્રશ્નોની ચર્ચા. આમ યહૂદી લોકોને સંગઠિત રાખવામાં આ ધર્મસ્થાનોએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે.
પ્રાર્થના એ માનવના અંતરાત્માની ભાવુક અભિવ્યક્તિ છે એ વાત સાચી, પણ યહૂદી ધર્મમાં વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને સામૂહિક આત્મામાં લીન કરી દે છે અને ઘણીખરી પ્રાર્થનાઓમાં માનવ ભ્રાતૃ-ગણના સભ્ય કે ઇસ્રાએલ-કુટુંબના સભ્ય તરીકેની વ્યક્તિની ગણના છે. પ્રાર્થનાઓમાં બહુવચન પ્રયોજાયેલું જોવા મળે છે અને વ્યક્તિ સામૂહિક કલ્યાણ માટે પ્રાર્થે છે. પ્રાર્થના વ્યક્તિ ઘરમાં કે રસ્તે ચાલતાં પણ કરી શકે, પણ અન્ય પ્રાર્થીઓ સાથે મળીને કરેલી પ્રાર્થના-ભજનની ગુણવત્તા વિશિષ્ટ જ મનાઈ છે. કેટલીક અગત્યની પ્રાર્થનાઓ તો ઓછામાં ઓછા દસ પુરુષપ્રાર્થીઓ હોય તો જ કરી શકાય (આને મિનિયાન કહે છે). આમ દેવસ્થાનો દ્વારા પ્રાર્થનાની ગૂઢ શક્તિ દ્વારા સામાજિક જવાબદારી અને સામૂહિક જાગૃતિને પોષ્યાં છે. ધર્મસ્થાનોએ શિક્ષણ આપીને પણ વ્યક્તિત્વને બૌદ્ધિક ઓપ આપ્યો. વળી આ ધર્મસ્થાનોમાં રાજકીય, સામાજિક અને પરોપકારની પ્રવૃત્તિઓ ચાલતી. તેમાંની નિયત કરેલી મંડળીઓ લોકોની ફરિયાદ સાંભળી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતી. દાનના કાર્યને ઉત્તેજન આપી ગરીબ-દુ:ખીને મદદ કરવામાં આવતી. કોઈ અજનબી કે યાત્રિકને ઉતારા કે આશ્રયસ્થાનની જરૂર હોય તો દેવસ્થાનની બાજુમાં જે ઓરડીઓ હોય તેમાં વ્યવસ્થા કરવામાં આવતી. હવે દેવસ્થાનમાં આ કામ સીધું નથી થતું, પણ પોતાના પ્રભાવ હેઠળની સંસ્થાઓ દ્વારા કરાવે છે.
દસ આજ્ઞાઓ : ઈશ્વરે મોશે પયગંબરને દસ આજ્ઞાઓ આપી તે આ પ્રમાણે છે :
(1) મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી તને કાઢી લાવનાર તારો દેવ હું છું; (2) મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય; તું તારે સારુ કોઈ કોરેલી મૂર્તિ ન કર; (3) તારા દેવનું નામ તું વૃથા ન લે; કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને એ નિર્દોષ ગણશે નહિ; (4) શબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ; છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું સઘળું કામ કર, પણ સાતમો દિવસ તારા દેવનો શબ્બાથ છે, તેમાં તું કદી કામ ન કર – તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારાં ઢોર કે તારા ઘરમાંનો પરદેશી કોઈ કામ ન કરો, કેમ કે છ દિવસમાં તારા દેવે આકાશ તથા પૃથ્વી, સમુદ્ર તથા સર્વ જીવો ઉત્પન્ન કર્યાં, ને સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યાં, એ માટે તારા દેવે શબ્બાથ દિનને આશીર્વાદ દઈને તેને પવિત્ર ઠરાવ્યો; (5) તારા બાપનું તથા તારી માનું સન્માન રાખ; (6) તું ખૂન ન કર; (7) તું વ્યભિચાર ન કર; (8) તું ચોરી ન કર; (9) તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર; (10) તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ; તારા પડોશીની સ્ત્રી, કે તેનો દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ.
તહેવારો અને ઉપવાસ : યહૂદીઓ માને છે કે ઈ.સ.ના 3760 વર્ષ પૂર્વે પરમેશ્વરે સૃષ્ટિ સર્જી અને ત્યારથી તેમની તવારીખ શરૂ થાય છે. હીબ્રુ કૅલેન્ડર ચંદ્ર અનુસાર છે અને સૌર વર્ષ સાથે મેળ બેસાડવા દરેક ત્રણ વર્ષે એક અધિક માસ હોય છે. એક સૂર્યાસ્તથી બીજા સૂર્યાસ્ત પ્રમાણે દિવસ ગણવામાં આવે છે અને દરેક તહેવાર કે શબ્બાથ (વિશ્રામ-દિન) સૂર્યાસ્તથી શરૂ થઈ જાય છે.
રોશ–હા–શાના (નૂતન વર્ષ) : તિશરી માસની પહેલી તારીખ (તે સૃષ્ટિનો જન્મદિવસ માનવામાં આવે છે, તેમજ આ દિવસે દૈવી સંકેત અનુસાર આબ્રાહામે પોતાના પુત્ર ઇશાહાકને બદલે ઘેટાનું બલિદાન આપ્યું હતું).
હિબ્રૂ કૅલેન્ડરનો વાસ્તવમાં પહેલો મહિનો નીસાન છે, જે માર્ચ-એપ્રિલમાં હોય છે અને યહૂદીઓના ઇજિપ્તમાંથી નિર્ગમનની યાદ અપાવે છે. પણ નવું વર્ષ સાતમા એટલે તિશરી માસના પ્રથમ દિને શરૂ થાય છે, તે બતાવે છે કે પ્રાચીન કાળના યહૂદીઓ શરદ ઋતુના પ્રથમ માસથી વર્ષની શરૂઆત ગણતા હતા, જે તેમના કૃષિપ્રધાન જીવનની યાદ અપાવે છે.
રોશ-હા-શાના પહેલાં યહૂદીઓએ 30 દિવસ વહેલી સવારથી સાંજ સુધીના ઉપવાસ કરેલા હોય છે. જે દુષ્કૃત્યો જાણતાં-અજાણતાં થઈ ગયાં હોય તે માટે આદરયુક્ત પશ્ચાત્તાપ અને ઈશ્વરની ક્ષમાયાચનાના દસ દિવસ રોશ-હા-શાનાથી શરૂ થાય છે અને યોમ કિપ્પૂરના દિવસે પૂરા થાય છે. રોશ-હા-શાનાની પ્રાર્થનાઓ દરમિયાન શોફાર (ઘેટાના શીંગડાનું વાજિંત્ર, રણશિંગું) વિશિષ્ટ રીતે વગાડવામાં આવે છે જે પરમેશ્વર સાથેનો સંબંધ અને આનંદ વ્યક્ત કરે છે, વ્યક્તિની જવાબદારીનું ભાન કરાવે છે, ઐતિહાસિક ઘટનાઓનું સ્મરણ કરાવે છે.
તિશરી મહિનાની ત્રીજી તારીખે ત્સોમ ગેદાલિયા (ગેદાલિયાનો ઉપવાસ) આવે છે, જ્યારે પ્રથમ મંદિરના વિનાશ માટે અને ગેદાલિયા નામના પવિત્ર સજ્જનનો વધ કરવામાં આવ્યો તે અંગે શોક કરવામાં આવે છે.
યોમ કિપ્પૂર : તિશરી માસની દસમી તારીખે યોમ કિપ્પૂર આવે છે; તે અત્યંત પવિત્ર દિવસ મનાય છે. દસ દિવસ સુધી કરેલ પશ્ચાત્તાપ અને ક્ષમાયાચનાની તે દિવસે પરાકાષ્ઠા આવે છે અને યહૂદીઓ પશ્ચાત્તાપ કરીને શુદ્ધ હૃદયથી પરમેશ્વરની સમક્ષ પ્રાર્થના કરે છે. માણસ પ્રત્યે, રાજ્ય પ્રત્યે, કૉર્ટ પ્રત્યે કરેલા ગુનાની માફી ઈશ્વર કદી આપે નહિ, એ માફી તો જેનો ગુનો થયો હોય એ જ આપી શકે. તેથી યોમ કિપ્પૂરના આગળના દિવસે સવારે, જેની જેની તરફ દુર્વ્યવહાર કર્યો હોવાની શંકા મનમાં હોય તે સર્વની ક્ષમા યાચવામાં આવે છે. કુટુંબો એકબીજાંની માફી માગે છે. કિપ્પૂરનો ઉપવાસ સૂર્યાસ્તથી બીજે દિવસે, ચંદ્રોદય થાય ત્યાં સુધી લગભગ 30 કલાકનો હોય છે. બધાં શ્વેત વસ્ત્રો ધારણ કરે છે અને ધર્મસ્થાનમાં પણ જે ચાદર, પડદા, ધર્મગ્રંથ પર ઢાંકવાનાં કપડાં વગેરે હોય તે બધું સફેદ જ હોય છે.
સુકકોથ (માંડવાનો ઉત્સવ) : યોમ કિપ્પૂર પછી પાંચમે દિવસે સુકકોથ શરૂ થાય છે અને એક સપ્તાહ ચાલે છે. કેટલાક ધાર્મિક વૃત્તિવાળાં કુટુંબો ઘરની બહાર ઊભા કરેલા માંડવાઓમાં જ જમે છે. યહૂદીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા તે પછી ચાળીસ વર્ષ વેરાન પ્રદેશમાં કામચલાઉ નિવાસોમાં રહ્યા તેની સ્મૃતિમાં આ તહેવાર ઊજવાય છે.
સિમહાથ તોરા (ધર્મની ઉજવણી) : સુકકોથના છેલ્લા દિવસે (તિશરી માસની 23મી તારીખે) આ ઉત્સવ થાય છે અને તેમાં તોરા(બાઇબલના જૂના કરારનાં પ્રથમ પાંચ પુસ્તક જે મોશેનાં છે)નો આદર કરવામાં આવે છે. તોરાહનું વાર્ષિક વાચન પૂરું થાય છે અને નવેસરથી શરૂ થાય છે તેનો આનંદ નાચી-કૂદીને અને ખૂબ મિજબાનીઓ કરીને વ્યક્ત કરવામાં આવે છે.
હાન્નુકા (સમર્પણ અથવા દીવાનો ઉત્સવ) : આ ઉત્સવ આઠ દિવસનો હોય છે (કિસલેવ મહિનાની 25 તારીખથી તેબેથ મહિનાની બીજી તારીખ સુધી). સીરિયાના જોહુકમી સરદારો સાથે લડીને મક્કાબીઓએ યહૂદીઓની સંસ્કૃતિનું રક્ષણ કર્યું અને ધર્મની બાબતમાં સ્વતંત્ર થયા તેની યાદમાં આ ઉજવણી છે. યહૂદીઓ આ દિવસોમાં સાંજે નવ-શાખાવાળા હાન્નુકામાં દીવા કે મીણબત્તી પ્રગટાવે છે. બેથી શરૂ કરીને એક એક દરરોજ વધારે છે. એક દીવા કે મીણબત્તીનો ઉપયોગ બીજા દીવા કે મીણબત્તીને પ્રગટાવવામાં કરવામાં આવે છે અને તેને ‘શમ્માશ’ અથવા સેવક કહે છે. તે પરથી એમ સૂચવાય છે કે પોતાનું સત્ત્વ ગુમાવ્યા સિવાય બીજાઓને પ્રેમ અને પ્રકાશ આપી શકાય છે. વિરોધીઓએ ધર્મસ્થાન અને તેમાંની બધી વસ્તુઓ ભ્રષ્ટ કરેલી પણ એક તેલની શીશી તેમને હાથ ચઢી નહિ. કુપ્પીસ્થાનની શુદ્ધિ કરીને એ તેલમાંથી દીવો કરી શકાયો અને સૌના આશ્ચર્ય વચ્ચે એ ઓછા તેલમાંથી આઠ દિવસ સુધી દીવો પ્રગટાવી શકાયો તેની યાદમાં તહેવાર છે.
રોશ–હા–શાના–લેઈલાનોથ (વૃક્ષોનું નૂતન વર્ષ) : શેવાત મહિનાની 15મી તારીખે આ તહેવાર આવે છે. આ સમયે વસંત ઋતુનો પ્રારંભ થાય છે અને વૃક્ષો નવપલ્લવિત અને પ્રફુલ્લ બને છે તેથી તેને વૃક્ષોનું નૂતન વર્ષ ગણી શકાય. દરેક યહૂદી માટે એ અપેક્ષિત છે કે તે પાકનાં પ્રથમ ફળ પરમેશ્વરને અર્પણ કરીને પછી જ ખાય.
ત્સોમ એસ્તેર (એસ્તેરનો ઉપવાસ) : પુરીમના તહેવારની આગળના દિવસે આ ઉપવાસ કરવાનો હોય છે, કારણ કે એસ્તેર રાણીએ એવો આદેશ આપ્યો હતો. રાણીએ તે દિવસે રાજાને હામાનનાં કાવતરાં અને ખરાબ આશય વિશે જાણ કરી હતી અને આમ ઇસ્રાએલીઓને બચાવી લીધા અને હામાનને ફાંસી મળી.
પુરીમ (ચિઠ્ઠીઓનો તહેવાર) : આદાર-વે-આદારની 14મી તારીખે આ ઉત્સવ ઊજવાય છે. હામાનની યોજનાને ખુલ્લી પાડીને યહૂદીઓને એસ્તેર રાણીએ બચાવી લીધા અને હામાનને ફાંસી મળી તેની સ્મૃતિમાં આ ઉત્સવ છે. યહૂદીઓને મારી નાખવાની તારીખ હામાને ચિઠ્ઠી (‘પુરી’) નાખીને નક્કી કરી હતી તેથી આ તહેવાર ‘પુરીમ’ કહેવાય છે. ગરીબોને અન્ન અને પૈસાનું દાન આપીને, મિત્રોને ભેટ આપીને, મિજબાનીઓ કરીને, ભભકાદાર યાત્રાઓ કાઢીને ખૂબ આનંદ કરવામાં આવે છે.
ત્સોમ બેને રિશોન (પ્રથમ પુત્રનો ઉપવાસ, 14મી નીસાન) : પેસાહના તહેવારના એક દિવસ પહેલાં દરેક પ્રથમ જન્મેલા પુત્રે ઉપવાસ કરવાનો હોય છે, કારણ કે મૃત્યુના દૂતે ઇજિપ્તનાં ઘરોમાં દરેક પ્રથમજાત પુત્રને માર્યો અને ઇસ્રાએલીઓનાં ઘર એ વટાવતો ગયો અને યહૂદીઓના પ્રથમજાત પુત્રો બચી ગયા.
પેસાહ (વટાવવું, છોડી છોડીને આગળ વધવું તેનો તહેવાર, જે આઠ દિવસનો હોય છે, 15મી નીસાનથી 22મી નીસાન સુધી) : ઇજિપ્તમાં ગુલામીમાંથી ઇસ્રાએલ લોકોને બચાવી લેવામાં આવ્યા અને તેઓ ઉતાવળે ખમીર વિનાની રોટી ખાઈ શક્યા તેની યાદમાં આ તહેવાર છે. બેખમીર વસ્તુ જ ખાઈ શકાય તેથી પેસાહનાં વાસણો જુદાં રાખવામાં આવે છે અને પહેલી બે સંધ્યાઓએ અમુક ક્રમમાં જ વિશિષ્ટ રીતે વસ્તુઓ ખાઈ શકાય તેવું ખાસ પ્રકારનું કૌટુંબિક ભોજન યોજવામાં આવે છે. આ ભોજનમાં બેખમીર રોટી, પૂરું બાફેલું ઈંડું (અમર જીવનના પ્રતીક તરીકે, જેમ વધારે બાફો તેમ ઈંડું કઠણ બનતું જાય છે), કડવી ભાજી (ગુલામી અવસ્થાની કડવાશ બતાવવા), ખારું પાણી (જેમનાં બાળક છીનવી લેવામાં આવ્યાં હતાં તેમનાં આંસુની અને રાતા સમુદ્રના ચમત્કારની યાદ અપાવવા) જેવી વસ્તુઓ આ ભોજનમાં રાખવામાં આવે છે.
શાવુ ઓથ (સપ્તાહોનો ઉત્સવ અથવા પેન્ટેકોસ્ટ, પચાસમો, કારણ કે પેસાહના બીજા દિવસથી પચાસમા દિવસે આવે છે સીવાન મહિનાની છઠ્ઠી તારીખે) : પેસાહના બીજા દિવસ પછી બરાબર સાત અઠવાડિયાં બાદ આ ઉત્સવ આવે છે. આ દિવસે સિનાઈ પર્વત પર પરમેશ્વરે પયગંબર મોશેને દસ આજ્ઞાઓની બે પાટી આપી હતી તેથી એ પવિત્ર તોરાહ મળવાનો તહેવાર કહેવાય. વળી આ સમય દરમિયાન ખેતર અને બગીચાઓમાં પાક તૈયાર થઈ જાય છે તેથી ‘પ્રથમ ફળનો તહેવાર’ પણ કહેવાય છે. યહૂદીઓ યેરૂશાલાઈમમાં મોટા મંદિરમાં પાકનાં પ્રથમ ફળ અર્પણ કરવા જતા તેની યાદરૂપે આ તહેવારમાં ધર્મસ્થાનો લીલોતરીથી શણગારવામાં આવે છે.
ત્સોમ તમ્મૂજ (તમ્મૂજનો ઉપવાસ, તમ્મૂજ મહિનાની 17મી તારીખે) : આ દિવસે રોમના સૈનિકોએ આક્રમણ કરીને યેરૂશાલાઈમમાં પ્રવેશ કર્યો હતો તેથી યહૂદીઓના માઠા દિવસ બેઠા અને તેઓ બીજાઓની સત્તા હેઠળ આવ્યા. નિયમિત કરાતાં બલિદાનો બંધ કરવામાં આવ્યાં. વળી આ દિવસે મોશે ચાળીસ દિવસ પછી સિનાઈ પર્વત પરથી દસ આજ્ઞાઓ લઈને આવ્યા ત્યારે તેમને પોતાના માણસો સુવર્ણમય વાછરડાંની પૂજા કરતા દેખાયા, તેથી રોષે ભરાઈને તેમણે દસ આજ્ઞાની પાટીઓ પછાડીને તોડી નાખી. આ બનાવ અંગે શોક પ્રદર્શિત કરવા આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે.
તિશ–બે–આવ : આવ મહિનાની નવમી તારીખે આ ઉપવાસ આવે છે. આ દિવસે ઈ. પૂ. 586માં બૅબિલૉનના નેબુખદનેઝરે યેરૂશાલાઈમમાં પ્રથમ મંદિરનો નાશ કર્યો, અને ઈ. સ. 70માં તે જ દિવસે રોમના સૈનિકોએ બીજા મંદિરનો નાશ કર્યો. યહૂદી તવારીખમાં આ સૌથી કાળો દિવસ ગણાય છે, કારણ કે તે પછી પણ આ જ દિવસે અનેક જુલમ, ખૂન, મહાન માણસોનાં મૃત્યુ વગેરે દુ:ખદાયક બનાવો બન્યા છે. આ દિવસે ધર્મસ્થાનોમાં વિષાદનું વાતાવરણ હોય છે, લોકો જમીન પર બેસે છે, મંદ પ્રકાશ રાખવામાં આવે છે, સોના-ચાંદીની વસ્તુઓ ખસેડી લેવામાં આવે છે, હેકાલ (તોરા રાખવાની જગ્યા) પર કાળો પડદો રાખવામાં આવે છે.
તુવ–બે–આવ : આ આનંદોત્સવ આવ મહિનાની પંદરમી તારીખે આવે છે. મોશેએ કનાનમાં દૂતો મોકલેલા, તેમણે આવીને ખોટા સંદેશા આપ્યા તેથી યહૂદીઓની પરમેશ્વરમાં શ્રદ્ધા ઊઠી ગઈ અને બબડાટ કરવા લાગ્યા. ઈશ્વર વિરુદ્ધ ફરિયાદ કરવા લાગ્યા. આ અશ્રદ્ધાળુ લોકોને મૃત્યુદંડ દેવાનો ઈશ્વરે નિર્ણય કર્યો, પણ આવ મહિનાની 15મી તારીખે આ નિર્ણય બદલી નાખ્યો. વળી યેરૂશાલાઈમ આવતા રોકવા માટે થાંભલા ઊભા કરેલા તે તોડી નખાયા અને આહુતિઓ આપવા માટેની વ્યવસ્થા કરાઈ. આમ સર્વત્ર શાંતિ અને સુમેળનું વાતાવરણ થયું તેથી આનંદના દિવસ તરીકે તેની ઉજવણી થાય છે.
સેલિહોથ : મોશે પયગંબરે પોતાના માણસોને સોનાના વાછરડાની પૂજા કરતા જોઈને ચિડાઈને દસ આજ્ઞાઓની પાટીઓ તોડી નાખી. પણ એલૂલ મહિનાની પહેલી તારીખે મોશે આ પાપોની ક્ષમા માગવા માટે અને બીજી વાર દસ આજ્ઞાઓ મળે તેવી યાચના કરવા માટે ફરી સિનાઈ પર્વત પર ગયા. 40 દિવસના પશ્ચાત્તાપ અને પ્રાર્થનાઓ બાદ મોશેને દસ આજ્ઞાઓ ફરી મળી અને તેઓ પાછા ફર્યા. આ દિવસો દરમિયાન મોશેએ અન્ન ખાધું નહોતું. ફરી પાછા પાપ ન કરે અને પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ ન આવે તેમજ યોમ કિપ્પૂરના પવિત્ર દિવસે ન્યાય અને આશીર્વાદ મેળવવાની માનસિક યોગ્યતા પ્રાપ્ત થાય તે માટે એલૂલ માસની બીજી તારીખથી ધાર્મિક યહૂદીઓ 40 દિવસના ઉપવાસ કરે છે અને દરરોજ વહેલી સવારે પશ્ચાત્તાપ અને પ્રાર્થના કરે છે.
શબ્બાથ (વિશ્રામ) : દસ આજ્ઞાઓમાંથી ચોથી આજ્ઞા એ છે કે છ દિવસ મહેનત કરીને બધું કામ કરી લેવું અને સાતમા દિવસને પવિત્ર માનીને તે દિવસે કોઈ જ કામ કરવું નહિ, તેમ કુટુંબીજનો, નોકરો કે પ્રાણીઓ પાસે પણ કરાવવું નહિ. યહૂદીઓ માને છે કે તે દિવસે ઈશ્વરના દૂતની હાજરી જણાય છે. તેથી શુક્રવારે સૂર્યાસ્ત થાય તે પહેલાં કાળજીપૂર્વક ઘરમાં બધું સ્વચ્છ કરીને, સ્વચ્છ સુંદર કપડાં પહેરીને ઈશ્વર સાથેની આત્મીયતા માટે સૌ તૈયાર થઈ જાય છે. ગૃહિણી શબ્બાથનો દીવો કરે છે, પ્રાર્થના કરે છે, ઈશ્વરને ધન્યવાદ આપે છે અને સર્વનું કલ્યાણ ઇચ્છે છે. શનિવારે સાંજે સૂર્યાસ્ત થતાં શબ્બાથ પૂરો થાય છે. શબ્બાથના દિવસે યહૂદીઓ અગ્નિ પેટાવતા નથી, કોઈ દુન્યવી કામ ન કરવું એવો આદેશ છે. તે દિવસે ઉપવાસ પણ રાખતા નથી, સિવાય કે યોમ કિપ્પૂરનો (જો તે દિવસે આવે તો), શબ્બાથના દિવસે પ્રભુ-ભજન, તોરાહ અને તાલમૂદનું વાચન, તેનું અધ્યયન, તેને વિશેની ચર્ચા કરીને સમય પસાર કરે છે.
ધાર્મિક વિધિઓ અને સંસ્કારો : યહૂદીઓના મંદિરનો બે વાર નાશ થયો પછી તેમણે ધર્મસ્થાન કે પ્રાર્થનાગૃહમાં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અને વિધિસર બલિદાન વગેરે થતાં તેના બદલે વિશિષ્ટ પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ જ કરવાનું રાખ્યું. પ્રાર્થનાઓમાં મુખ્યત્વે ઈશ્વરે આપેલી સારી વસ્તુઓ માટે તેનો આભાર માનવામાં આવે છે અને તેના આશીર્વાદ માંગવામાં આવે છે. દિવસમાં ત્રણ મુખ્ય પ્રાર્થના હોય છે, જે ધર્મસ્થાનમાં થાય છે અને ઘરમાં પણ કરી શકાય. તહેવારોની તો ખાસ પ્રાર્થનાઓ હોય જ છે. તે ઉપરાંત જમતાં પહેલાં અને જમ્યા પછી, પાણી પીતી વખતે, કશું નવું પહેરતાં, કશું સારું કે ભયપ્રદ જોઈને, વૃષ્ટિ, વીજળી, ગર્જના, મેઘધનુષ્ય થતાં, ઘરની બહાર જતાં – એમ પ્રસંગે પ્રસંગે નાનકડી પ્રાર્થના કરી લેવાની હોય છે. ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનાઓ વખતે દરેક યહૂદી પુરુષ, સ્ત્રી-બાળક માથું ઢાંકેલું રાખે છે – ઈશ્વર પ્રત્યે આદર બતાવવા માટે, ધર્મચુસ્ત લોકો ચોવીસે કલાક માથું ઢાંકેલું રાખે છે, પ્રાર્થના કરનાર દરેક વ્યક્તિ કોઈ મધ્યસ્થ વિના ઈશ્વર સાથે તાદાત્મ્ય સ્થાપી શકે છે.
દરેક યહૂદીના ઘરના બહારના દરવાજાઓની જમણી બાજુની બારસાખ પર લાકડા કે ધાતુની નળી કે લાંબી પાતળી પેટીમાં પાર્ચમેન્ટ પર ઈશ્વરનું અદ્વિતીયત્વ અને તેને પ્રેમ કરવાનો આદેશ નિર્દેશિત કરતું લખાણ લગાડેલું હોય છે જેને મેઝુઝા કહે છે. લખાણનો આવો અર્થ છે – ‘સાંભળ, હે ઈસ્રાએલ, પરમેશ્વર અમારો દેવ છે, પરમેશ્વર એક છે’ અને ‘તું મારા ઈશ્વરને સાચા હૃદય અને આત્માથી અને તારી પૂરેપૂરી શક્તિથી પ્રેમ કરીશ.’ ઘરની બહાર જતાં કે ઘરમાં બહારથી આવતાં આ મેઝુઝાને સ્પર્શીને ચૂમવાનું હોય છે. યહૂદીઓના ધર્મસ્થાનમાં મૂર્તિ નથી હોતી, શુદ્ધ તેલનો અખંડ દીવો રાખવામાં આવે છે, જેને ‘તામીદ’નો દીવો કહે છે. સાત દીવા કે મીણબત્તીનો ‘મેનોરાહૂ’ હોય છે, જે શુક્રવારે સાંજે સૂર્યાસ્ત પહેલાં પ્રગટાવવામાં આવે છે. ચાંદી કે લાકડાના આવરણવાળી તોરાહની ચર્મપત્ર કે પાર્ચમેન્ટ પર લખેલી પ્રતો જે કબાટમાં રાખવામાં આવે છે તેને હેકાલ કહે છે. ધર્મસ્થાનની વચ્ચે ઊંચું સ્થાન (ચબૂતરા જેવું) હોય છે તેને ‘તેબાહ’ કહે છે અને ત્યાંથી પ્રાર્થના-સભાનો નેતા ‘હાઝ્ઝાન’ પ્રાર્થનાઓનો પાઠ કરે છે, અને લગ્ન થાય છે.
યાકોબના સમયથી કમાણીનો દસમો ભાગ દાનમાં આપવાનો રિવાજ ચાલ્યો આવે છે. વળી શબ્બાથ અને બીજા ઉત્સવો માટે ‘હામોત્સી’ રોટી તૈયાર કરતી વખતે થોડી કણેક ચપટી કરીને અગ્નિમાં નાખવામાં આવે છે, જેને ‘ખાલા’ કહે છે. આ બહુ જૂનો રિવાજ છે. યહૂદીઓ મુખ્યત્વે ખેડૂતો હતા. મંદિરના ધર્મગુરુને અનાજ ઉગાડવાનો સમય ન હોય તેથી આ ખેડૂતો પોતાના ધાન્ય અને ફળમાંથી બે ટકા જેટલો ભાગ મંદિરમાં મોકલતા તેની યાદરૂપે ‘હામોત્સી’ બનાવતી વખતે ‘ખાલા’ કરવામાં આવે છે.
યહૂદીઓને માટે ભોજનની બાબતમાં કડક નિયમો છે. ધાર્મિક રીતે તાલીમ પામેલ વ્યક્તિએ વિશિષ્ટ રીતે પ્રાણીનો વધ કરે તેનું જ માંસ ખવાય, જેને ‘કોશેર’ કહે છે. માંસની સાથે દૂધ કે દૂધની બનેલી વસ્તુ ખાઈ શકાય નહિ. માંસ ખાધા પછી છ કલાક સુધી દૂધનું બનેલું કશું લઈ શકાય નહિ. દૂધ અને માંસ માટે રાંધવાનાં વાસણો પણ જુદાં રાખવામાં આવે છે. પશુઓ અને માછલાંમાં પણ ભક્ષ્ય-અભક્ષ્યનો વિવેક હોય છે.
મુખ્ય સંસ્કારો : બેરિથ–મિલા (સુન્નત) : આ સૌથી પ્રાચીન સંસ્કાર છે જે નિષ્ઠાપૂર્વક આજદિન સુધી અચૂક કરવામાં આવે છે. છોકરાના જન્મના આઠમા દિવસે તેની સુન્નત ખાસ તાલીમ પામેલ વ્યક્તિ પાસે કરાવાય છે અને ત્યારે છોકરાનું નામ પણ પાડવામાં આવે છે.
પિદ્યોન હા બેન (પ્રથમ જન્મેલા છોકરાને પાછો મેળવવાનો વિધિ) : યહૂદીઓને ઇજિપ્તમાંથી બહાર નીકળતાં દસમી વાર રોકવામાં આવ્યા ત્યારે ઇજિપ્તનાં કુટુંબોનો દરેક પ્રથમજાત પુત્ર મરકીમાં મૃત્યુ પામ્યો; પણ યહૂદીઓનો બચી ગયો. ત્યારે પરમેશ્વરે મોશે પયગંબરને કહેલું કે ‘મનુષ્યના અને પશુના પ્રથમ જન્મેલાઓને મારે માટે પવિત્ર કરવા; તેઓ મારા છે; તેથી યહૂદી પ્રથમજાત પુત્રને ઈશ્વરને અર્પણ કરે છે અને પછી કોહેન (ધાર્મિક નેતા, પુરોહિત) પાસેથી તેને પાછો મેળવે છે. ત્યારે ઈશ્વરનો આભાર માનવામાં આવે છે કે તેણે યહૂદીઓના પ્રથમજાત પુત્રોને મરકીમાંથી બચાવી લીધા અને તે પ્રસંગ ઊજવવામાં આવે છે.
બાર મિત્સ્વા (આજ્ઞાનો પુત્ર કે કર્તવ્ય–પુરુષ) : છોકરો તેર વર્ષનો થતાં જે શનિવાર આવે તે દિવસે તે ‘બાર મિત્સ્વા’ બને છે, ધાર્મિક ર્દષ્ટિએ પુખ્ત ઉંમરનો ગણાય છે, અને ત્યારથી બધી ધાર્મિક ફરજો અને જવાબદારીઓ અદા કરવાની રહે છે. તે પ્રસંગે તે તોરાહમાંથી કેટલાક ભાગનો પાઠ કરે છે અને યહૂદી ધર્મના આદર્શો અને સિદ્ધાંતોનું પાલન કરવા વચનબદ્ધ થાય છે. છોકરીઓને માટે એને મળતો સંસ્કાર ‘બાથ મિત્સ્વા’ (આજ્ઞાની પુત્રી) બાર વર્ષે કરવામાં આવે છે.
લગ્નને કુટુંબ અને સમાજનો પાયો માનવામાં આવે છે અને પ્રજાતંતુનો વિચ્છેદ ન થાય તે માટે લગ્નની ખાસ ભલામણ કરવામાં આવી છે અને તેની પવિત્રતા જાળવવા માટે આદેશો આપવામાં આવ્યા છે. ઈશ્વરે સર્જેલા શરીર પ્રત્યે ખૂબ આદર દાખવવામાં આવે છે અને મરેલા માણસને બરાબર વિધિસર નવડાવી, સફેદ વસ્ત્રો પહેરાવી, ધાર્મિક વિધિ કરીને કબરમાં દાટવામાં આવે છે જેથી માટી માટીમાં મળી જાય. મૃત્યુ પ્રસંગે કરવાની ક્રિયાઓ ઉપરાંત સાત દિવસ સુધી, મહિને, સાડા દસ મહિને, વર્ષે અને દરેક મરણતિથિએ વિધિ કરાય છે. તહેવારોમાં મૃતાત્માઓની શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવે છે.
શાસ્ત્ર–ગ્રંથો : તનાક (બાઇબલનો જૂનો કરાર) : ‘તનાક’ શબ્દ તેના ત્રણ વિભાગના પ્રથમ અક્ષરો પરથી બનેલો છે. તોરાહ (જ્ઞાન, કાયદો, માર્ગદર્શન–ધર્મશાસ્ત્ર), નેબી-ઈમ (પ્રબોધક સંતોનાં વચન) અને કેતુ-વીમ (લખાણો – ગીતશાસ્ત્ર, નીતિવચનો વગેરે).
તોરાહમાં મોશેનાં મનાતાં પાંચ પુસ્તકોનો સમાવેશ છે ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના, પુનર્નિયમ.
પ્રબોધક સંતોનાં વચનોમાં અસામાન્ય ડહાપણ, બુદ્ધિમત્તા અને રાજા કે અમીરને પણ તેની ભૂલ બતાવવાની હિંમતનાં દર્શન થાય છે. શેમુએલ, નાથાન, આમોસ, એશાયાહ જેરમાયાહ વગેરે આવા પ્રબોધકો હતા. ગીતશાસ્ત્રમાં 150 સુંદર ગીત કે સૂક્ત છે જે યહૂદી પ્રાર્થના-સભાઓના પાયારૂપ છે. નીતિવચનોમાં જીવનમાં ઉતારવા જેવું ઘણું મળી આવે છે.
તાલમૂદ : ઈ.સ. 70માં મંદિરનો નાશ કરવામાં આવ્યો અને યહૂદીઓને કોઈ સ્થાન ન રહ્યું ત્યારે હતાશા ફેલાઈ ગઈ અને ધર્મના લોપનો ભય પ્રવર્ત્યો. પણ રાબ્બીઓએ ખૂબ જહેમત ઉઠાવી પ્રબોધક સંતોએ યહૂદી ધર્મનો જે ઉપદેશ આપ્યો હતો અને કર્તવ્યપાલનનો આદેશ આપ્યો હતો તે જાળવી રાખવા માટે ધાર્મિક વિધિઓ અને તોરાહના 613 આદેશોનું વિવેચન કર્યું, જે વ્યવસ્થિત રૂપે ‘મિશનાહ’-(પુનર્વચન)માં પ્રાપ્ત થયું (ઈ. સ. 200). તેની વ્યાખ્યારૂપે ‘ગેમારા’ (વિદ્યા) નામે વિશાળ સંકલન થયું (ઈ. સ. 500). મિશનાહ અને ગેમારાને સંયુક્ત રીતે ‘તાલમૂદ’ કહે છે. તેમાં યહૂદીઓના સઘળા જીવનને લગતું જ્ઞાન અને તેને માટેના નિયમો છે.
મિદરાશ : આ તાલમૂદનું પૂરક અને લગભગ સમકાલીન સાહિત્ય છે, જે સામાન્ય લોકોને વધારે સ્પર્શી ગયું છે, કારણ કે તેમાં લોકકથાઓ, આખ્યાયિકાઓ, નીતિસંબંધી પ્રવચનો વગેરે છે.
માઇમોનાઇડ્સ(મોશે-લેન-માઇમોન – ઈ. સ. બારમી સદી)એ મિશનાહની ટીકાના પરિશિષ્ટમાં યહૂદી ધર્મના 13 સિદ્ધાંતો એવા રજૂ કર્યા કે તરત જ સ્વીકાર્ય બને. તેમનાં મૂળ તો લોકોની પારંપરિક માન્યતામાં હતાં જ. તેથી યહૂદીઓનાં ધર્મસ્થાનોમાં વપરાતી પ્રાર્થના-પુસ્તિકામાં તેનો સમાવેશ કરી લેવામાં આવ્યો. પરંપરાથી 613 ધાર્મિક ઉપદેશો માનવામાં આવે છે, પણ માઇમોનાઇડ્સે તેમનો સાર નિતારી આપ્યો છે. આ તેર માન્યતાઓ આ પ્રમાણે છે
(1) ઈશ્વરની સત્તા અને સર્વશક્તિમત્તા સ્વીકારવી; (2) તેની અદ્વિતીયતા સ્વીકારવી; (3) તે અશરીરી કે અમૂર્ત છે એમ સ્વીકારવું; (4) તેની નિત્યતા સ્વીકારવી; (5) તેની જ ઉપાસના કે ભક્તિ કરી શકાય એમ સ્વીકારવું; (6) ભવિષ્ય-કથનમાં માનવું; (7) મોશે-પ્રબોધક સંતોમાં સૌથી મહાન છે એમ સ્વીકારવું; (8) મોશેને સિનાઈ પર તોરાહનું દર્શન થયેલું એમ સ્વીકારવું; (9) તોરાહ અક્ષર છે એમ સ્વીકારવું; (10) ઈશ્વર સર્વજ્ઞ છે એમ સ્વીકારવું; (11) આ જન્મમાં અને પરલોકમાં સારાં-ખરાબ કર્મોનું ફળ મળે છે એમ સ્વીકારવું; (12) મસીહા આવશે અને સર્વનો ઉદ્ધાર કરશે એમ સ્વીકારવું; (13) મૃતાત્માઓના પુનર્જીવનમાં માનવું.
ચિંતકોએ આ સિદ્ધાંતોમાં પોતાની રીતે વધારા-ઘટાડા કરવાનો પ્રયત્ન કર્યો; પણ મોશે મેન્ડેલરસોહને અઢારમી સદીના અંતભાગમાં એવી ઘોષણા કરી કે યહૂદી ધર્મ કોઈ dogma કે વાદમાં માનતો નથી, તે તો સામાજિક ધર્મ છે જેમાં તોરાહ મૂળભૂત તત્વ છે, જે સર્વને બાંધી રાખે છે.
ત્રણ સંપ્રદાયો : અલગ અલગ દેશોની સંસ્કૃતિ સાથે એકરૂપ થવા છતાં પોતાની અસ્મિતા જાળવી રાખવાના પ્રયત્નોમાંથી, ખાસ કરીને રશિયા, મધ્ય યુરોપ અને પશ્ચિમના યહૂદીઓના વંશજો જેમને આશ્કેનાઝીમ કહેવામાં આવે છે, તેમનામાં ત્રણ સંપ્રદાયો પડી ગયા છે. (i) કર્મઠ કે રૂઢિવાદીઓ ચુસ્ત રીતે પ્રાચીન પરંપરાઓ અને રિવાજોને વળગી રહેવામાં માને છે. (ii) સુધારાવાદીઓ માને છે કે નવા યુગના સંજોગો અનુસાર થોડો ફેરફાર કરવો જ પડશે. તેમણે પ્રાર્થનાઓ ટૂંકી કરી નાખી, પ્રાર્થનાગૃહોમાં હિબ્રૂને બદલે ઘણેભાગે અંગ્રેજી કે કોઈ બીજી સ્થાનિક પ્રાદેશિક ભાષાનો ઉપયોગ શરૂ કર્યો અને તોરાહનો અર્થ પણ વર્તમાન વિચારોને અનુકૂળ રહે તેવો કર્યો. (iii) મધ્યમમાર્ગી સંરક્ષણવાદીઓ માને છે કે રૂઢિચુસ્તો કહે છે તેમ યહૂદી ધર્મનાં મુખ્ય લક્ષણો તો જળવાઈ જ રહેવાં જોઈએ, પણ કેટલીક છૂટ મૂકી શકાય. દા.ત., રૂઢિચુસ્ત ધર્મસ્થાનોમાં પુરુષો અને સ્ત્રીઓ જુદી જુદી હરોળમાં બેસે છે. ઘણી જગ્યાએ સ્ત્રીઓ બાલ્કનીમાં બેસે છે. સંરક્ષણવાદીઓ અને સુધારાવાદીઓ માને છે કે જમાત કે સમાજનાં સંમેલનોમાં સ્ત્રી-પુરુષનું સમાન સ્થાન હોવું જોઈએ અને ‘મિનિયાન’માં પણ સ્ત્રીઓની ગણતરી થવી જોઈએ. કેટલાંક સુધારાવાદી પ્રાર્થનાગૃહો કે ધર્મસ્થાનોમાં સ્ત્રીઓ પ્રાર્થનાસભાનું નેતૃત્વ સંભાળે છે અને શાસ્ત્રનો પાઠ કરે છે.
છેલ્લે ‘કબ્બાલા’નો ઉલ્લેખ સંક્ષેપમાં કરવો જોઈએ. કબ્બાલા એટલે પરંપરા. તેનું મૂળ એ દૃઢ માન્યતામાં છે કે સર્વશક્તિશાળી ઈશ્વર અને આ ભૌતિક જગતના મનુષ્યોને ગાઢ સંબંધ છે અને પાપી વૃત્તિઓને દબાવીને આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકાય છે. આ કામ પ્રાર્થના, ધ્યાન અને તોરાહમાંનાં ગૂઢ રહસ્યોને સમજવાથી થઈ શકે છે. પ્રાર્થનાઓમાં અને ગીતોમાં કેટલાક રહસ્યપ્રચુર મંત્રો છે, જેનું બરાબર ગ્રહણ કરીને ઉપયોગ કરવાથી આ શક્તિ કેળવી શકાય છે. આ ગૂઢવાદી મત છે.
એસ્થર સોલોમન