યંગ ઇન્ડિયા

January, 2003

યંગ ઇન્ડિયા : ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ લોકસંપર્ક માટે ચલાવેલું વિચારપત્ર. શ્રીમતી ઍની બેસન્ટે 1916ના સપ્ટેમ્બરની 1લીએ ચેન્નાઈમાં સ્થાપેલી ઑલ ઇન્ડિયા હોમરુલ લીગ(All India Home Rule League)ની મુંબઈની શાખાના પ્રમુખ અને થિયૉસૉફી સોસાયટીના સભ્ય દ્વારકાદાસ જમનાદાસે એ લીગના મુખપત્ર રૂપે અંગ્રેજી ભાષામાં ‘યંગ ઇન્ડિયા’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. ધ બોમ્બે ક્રૉનિકલ (The Bombay Chronicle) નામના એક દૈનિકના સંચાલનમંડળના કેટલાક સભ્યો – ઉમર સોબાની, રતનસી, શંકરલાલ બૅન્કર તથા તે દૈનિકના તંત્રી બી. જી. હૉર્નિમન–ની સમિતિ આ ‘યંગ ઇન્ડિયા’નું સંચાલન કરતી હતી.

હૉર્નિમન રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અને આંદોલનો પ્રત્યે સહાનુભૂતિ રાખતા હતા, અને એવી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા એ કારણે તેમને 1919ના એપ્રિલની 26મીએ દેશનિકાલ કરવામાં આવ્યા. વળી ધ બોમ્બે ક્રૉનિકલની જામીનગીરી જપ્ત કરવામાં આવી અને એ દૈનિકના પ્રકાશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ પરિસ્થિતિમાં ઉપર્યુક્ત દૈનિકના સંચાલનમંડળના સભ્યોએ ધ બોમ્બે ક્રૉનિકલની ખોટ પૂરવા ગાંધીજીને ‘યંગ ઇન્ડિયા’ની જવાબદારી લઈ તે સામયિક અઠવાડિયામાં બે વાર પ્રગટ કરવાનું સૂચન કર્યું. ગાંધીજીએ એ સૂચન સ્વીકારી લીધું અને તદનુસાર ‘યંગ ઇન્ડિયા’ અઠવાડિયામાં બે વાર 1919ના ઑક્ટોબર સુધી મુંબઈથી પ્રગટ થતું રહ્યું. તે ગાળા દરમિયાન ગાંધીજી મુખ્યત્વે મુંબઈમાં હતા અને ‘યંગ ઇન્ડિયા’ના ઘણા તંત્રીલેખો એમણે લખ્યા હતા; પણ પછી ધ બોમ્બે ક્રૉનિકલ ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો એટલે ‘યંગ ઇન્ડિયા’ સાપ્તાહિક રૂપે પ્રગટ કરવાનો નિર્ણય લેવાયો.

સને 1919ના સપ્ટેમ્બરની શરૂઆતમાં અમદાવાદમાં એક છાપખાનું ખરીદી લેવામાં આવ્યું અને તેનું નામ નવજીવન મુદ્રણાલય રાખવામાં આવ્યું. ગુજરાતી ‘નવજીવન’ અને અંગ્રેજી ‘યંગ ઇન્ડિયા’ બંને તેમાં છપાવા લાગ્યાં. ગાંધીજીના તંત્રીપદે ‘નવજીવન’નો પહેલો અંક 1919ના સપ્ટેમ્બરની 7મીએ પ્રગટ થયો અને તેમના જ તંત્રીપદે ‘યંગ ઇન્ડિયા’ ઑક્ટોબરની 8મીથી સાપ્તાહિક રૂપે અમદાવાદથી પ્રગટ થવા માંડ્યું. શંકરલાલ બૅન્કર તેના મુદ્રક અને પ્રકાશક બન્યા. તે વખતે સરકાર સામયિકો પાસે જામીનગીરી માગતી. એ રીતે ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’ પાસે પણ માગે એવો સંભવ હતો; પણ જામીનગીરી આપીને સામયિકો ચલાવવાનું ગાંધીજીને પસંદ નહોતું. એટલે જામીનગીરી લીધા વિના આ સામયિકો ચલાવવાની પરવાનગી માટે ગાંધીજીની સૂચનાથી શંકરલાલ બૅન્કર કલેક્ટર ચૅટફીલ્ડને મળ્યા હતા. ચૅટફીલ્ડ ઉદારવૃત્તિના હતા અને સામયિકોનો એક ઉદ્દેશ અહિંસાના સિદ્ધાંતો સમજાવવાનો હોઈ જામીનગીરી વિના સામયિકો ચલાવવાની પરવાનગી તેમણે આપી હતી.

ત્યારપછીથી ‘યંગ ઇન્ડિયા’માં જાહેરખબર લેવાનું બંધ કરવામાં આવ્યું. તેનું વાર્ષિક લવાજમ રૂપિયા ચાર અને એક નકલનો એક આનો (ટપાલટિકિટ સિવાય) એવા દર રાખવાનું વિચારાયું. પાછળથી આઠ પાનાંના ‘યંગ ઇન્ડિયા’ની એક નકલના બે આના દર થયો હતો. શરૂઆતમાં ‘યંગ ઇન્ડિયા’ની ગ્રાહકસંખ્યા 1,200 જેટલી હતી, જે વધીને 25,000થી ઉપર પહોંચી હતી, અને વળી પાછી ઘટીને ક્યારેક 7,000 અને ક્યારેક 3,000 પણ થઈ હતી. તે દુનિયાના લગભગ દરેક ભાગમાં જતું હતું. વળી આ સાપ્તાહિકમાંથી ગાંધીજીના લેખો દુનિયાભરના અનેક પત્રોમાં જુદી જુદી ભાષાઓમાં  જેવી કે ઉર્દૂ, જાપાની, જર્મન વગેરેમાં – પુનર્મુદ્રિત થતા હતા એવા નિર્દેશો ગાંધીજીના અંગ્રેજી અક્ષરદેહમાં મળે છે.

‘યંગ ઇન્ડિયા’ના પ્રકાશન દ્વારા વ્યાપારી નફો કરવાનો કોઈ ઇરાદો તો હતો જ નહિ અને નફો થતો પણ નહોતો. ઊલટું, ક્યારેક તે ખોટમાં પણ ચાલતું. તેને કર્મચારીઓની નજીવા પગારે સેવા મળતી હતી તેમ અનેક સ્વયંસેવકોની સ્વૈચ્છિક સેવા પણ પ્રાપ્ત થતી હતી. તેની અંદાજે પચાસેક ભેટનકલ જતી હશે (જોકે ભેટનકલની યાદી ખૂબ મર્યાદિત રખાતી અને તેમાં સત્તાધીશોનો સમાવેશ કરાતો નહોતો). એ ભેટનકલો અંગે થતો ખર્ચ તથા એવું બીજું આનુષંગિક ખર્ચ ઘનશ્યામદાસ બિરલા આપતા હશે એવા નિર્દેશો પણ ગાંધીજીના અંગ્રેજી અક્ષરદેહમાં મળે છે. દરેક સામયિકે પોતાની ઉપયોગિતાના જોરે પોતાના જ પગ પર ઊભા રહેવું જોઈએ તેવો ગાંધીજીનો આગ્રહ રહેતો હોઈ ‘યંગ ઇન્ડિયા’ને પણ એ રીતે પગભર કરવાનો તેમનો ખ્યાલ હતો અને તેથી બહારની મદદ લેવાનું તેઓ ટાળતા હતા.

શરૂઆતમાં ‘યંગ ઇન્ડિયા’નો ઉદ્દેશ વ્યક્તિઓને થતા અન્યાયના કિસ્સાઓ તરફ પ્રજાનું ધ્યાન દોરવાનો, ઉપરાંત રચનાત્મક સત્યાગ્રહ તથા સવિનય પ્રતિકાર વિશેની સભાનતા અને સમજ લોકોમાં કેળવવાનો હતો. તે વિશેના વિચારો લોકો સમક્ષ નમ્રતા અને સંયમથી, પણ નિર્ભીક રીતે, રજૂ કરવાનું લક્ષ્ય તેમણે રાખ્યું હતું. આગળ જતાં તે પત્ર લોકોને પૂર્ણ સ્વરાજની કેળવણી આપવાનું માધ્યમ બન્યું હતું.

સન 1921ના સપ્ટેમ્બરની 29મી, એ જ વર્ષના ડિસેમ્બરની 15મી અને 1922ના ફેબ્રુઆરીની 23મીના ‘યંગ ઇન્ડિયા’ના અંકોમાં અનુક્રમે ત્રણ લેખો ‘Tampering with Loyalty’ (રાજ્યભક્તિ સાથે ચેડાં), ‘The Puzzle and Its Solution’ (મૂંઝવણ અને તેનો ઉકેલ), અને ‘Shaking the Manes’ (હુંકાર) – એ શીર્ષકોથી ગાંધીજીની સહીથી પ્રગટ થયા. આ લેખો લખી ગાંધીજીએ રાજદ્રોહનો ગુનો કર્યો હોવાનું માનવામાં આવ્યું અને એ ગુના માટે 1922ના માર્ચની 10મીએ તેમની ધરપકડ કરી સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યા અને 18મીએ તેમની અને ‘યંગ ઇન્ડિયા’ના પ્રકાશક શંકરલાલ બૅન્કર ઉપર અમદાવાદની સેશન્સ કૉર્ટમાં કામ ચલાવવામાં આવ્યું. ગાંધીજીએ તેમના લેખોની નૈતિક ભૂમિકા જોરદાર રીતે રજૂ કરીને પછી તેમની સામે મુકાયેલા આરોપોનો કાયદાની ર્દષ્ટિએ સ્વીકાર કર્યો અને સેશન્સ ન્યાયાધીશ બ્રૂમફીલ્ડે ગાંધીજીને રાજદ્રોહના ગુના માટે છ વર્ષની આસાન કેદની સજા ફરમાવી. તે પછી 20મીએ રાત્રે તેમને પુણેની યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. (તે સમયના વાઇસરૉય લૉર્ડ રેડિંગ અને તેમનાં પત્ની લેડી રેડિંગ ખાસ લવાજમ ભરીને ‘યંગ ઇન્ડિયા’નાં ગ્રાહક થયાં હતાં.)

યરવડા જેલમાં 1924ના જાન્યુઆરીમાં ગાંધીજીને આંત્રપુચ્છ(appendix)ના સોજાનું દર્દ ઊપડ્યું, તેથી 12મીએ પુણેમાં સાસૂન હૉસ્પિટલમાં તેમની ઉપર શસ્ત્રક્રિયા કરવામાં આવી. તેમની તબિયતના કારણે 1924ના ફેબ્રુઆરીની 5મીએ તેમને વિના શરતે છોડી મૂકવામાં આવ્યા. જોકે તેઓ હૉસ્પિટલમાં દર્દી તરીકે માર્ચની 10મી સુધી રહ્યા હતા. ત્યાંથી નીકળી તેઓ મુંબઈમાં જુહુમાં શેઠ નરોત્તમ મોરારજીના બંગલે પહોંચ્યા. તે પછી તેમણે એપ્રિલની 3જીથી ‘યંગ ઇન્ડિયા’ના તંત્રી તરીકે ફરી કામ શરૂ કર્યું.

તેમની આ અને આવી બીજી ગેરહાજરીમાં તથા હાજરીમાં પણ નીચેની વ્યક્તિઓએ જુદે જુદે સમયે જુદે જુદે પ્રસંગે જુદી જુદી રીતે ‘યંગ ઇન્ડિયા’ને લગતી કામગીરી બજાવી હશે, તેવા નિર્દેશો ગાંધીજીના અંગ્રેજી અક્ષરદેહમાં મળે છે. એ વ્યક્તિઓ છે મહાદેવ દેસાઈ, કૃષ્ણદાસ, યાદવરકર પટવર્ધન, સતીશચંદ્ર મુખર્જી, ચક્રવર્તી રાજગોપાલાચારી, શ્વેબ કુરેશી, કાકાસાહેબ કાલેલકર, દેવદાસ ગાંધી, વાલજી ગોવિંદજી દેસાઈ, ચાર્લ્સ ઍન્ડ્રૂઝ, જયરામદાસ દોલતરામ, એસ. ગણેશન, પ્યારેલાલ નય્યર, જે. સી. કુમારપ્પા ઇત્યાદિ.

ગાંધીજીએ 1930ના માર્ચની 12મીએ જગવિખ્યાત દાંડીકૂચ શરૂ કરી. એપ્રિલની 6ઠ્ઠીએ દાંડી પહોંચી દરિયાપટ પરથી મીઠું ઉપાડી તેમણે સવિનય કાનૂનભંગ કર્યો, જેનો જુવાળ આખા દેશમાં પ્રસર્યો. તેથી મેની 5મીએ કરાડીથી તેમની ધરપકડ કરીને તેમને યરવડા જેલમાં અટકાયતમાં રાખવામાં આવ્યા. દરમિયાનમાં 1930ના એપ્રિલની 28મીએ 1910નો છાપાં–નિયમન ધારો, જે 1922માં રદ થયો હતો તે, ચળવળને દાબવા માટે, એક વટહુકમથી વાઇસરૉયે સજીવન કર્યો. તે કાયદાના અન્વયે 1930ના જૂનમાં ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા’ અને નવજીવન મુદ્રણાલય પાસેથી અનુક્રમે રૂપિયા 2,000, 2,000 અને 1,000ની જામીનગીરી માંગવામાં આવી; પરંતુ તે આપવામાં નહિ આવતાં જુલાઈની 7મીએ નવજીવન મુદ્રણાલય જપ્ત કરવામાં આવ્યું. તેથી જુલાઈની 10મીએ ‘યંગ ઇન્ડિયા’નો અંક ટાઇપ કરીને સાઇક્લોસ્ટાઇલ યંત્ર પર છાપીને બહાર પાડવામાં આવ્યો અને તે પ્રમાણે તે સાપ્તાહિક પ્રગટ થવાનું ચાલુ રહ્યું; પરંતુ 1931ના ફેબ્રુઆરીના અરસામાં ‘યંગ ઇન્ડિયા’ના અંકો તથા યંત્રસામગ્રી જપ્ત કરવામાં આવ્યાં અને તેના સ્વયંસેવકો પકડાઈ ગયા. પણ તે પછીય એ સાપ્તાહિકના હસ્તલિખિત અંકો પ્રગટ થતા રહ્યા. એવા અંકોની લગભગ સાત હજાર નકલો દર અઠવાડિયે નિયમિત વહેંચાઈ હતી. આ સમયે તેના તંત્રીપદે જે. સી. કુમારપ્પા હતા.

સન 1931ના જાન્યુઆરીની 26મીએ ગાંધીજી જેલમાંથી છૂટ્યા. માર્ચની 5મીથી તેમણે ‘યંગ ઇન્ડિયા’નું તંત્રીપદ સંભાળી લીધું. 6ઠ્ઠીએ વાઇસરૉયે વટહુકમો રદ કર્યા અને 12મીથી છાપેલું ‘યંગ ઇન્ડિયા’ ફરી પ્રગટ થવા માંડ્યું.

સન 1931ના ઑગસ્ટની 29મીએ ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયા અને ડિસેમ્બરની 28મીએ ત્યાંથી મુંબઈ આવ્યા, તે પછી તેમની 1932ના જાન્યુઆરીની 4થીએ સવારે ધરપકડ કરવામાં આવી અને તેમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. વચ્ચે તેમને થોડો વખત છોડીને ફરી ધરપકડ કરીને 1933ના ઑગસ્ટની 23મી સુધી જેલમાં રાખવામાં આવ્યા. (આ ગાળામાં બીજા પણ અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.) જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજી 1933ના સપ્ટેમ્બરની 23મીએ વર્ધા ગયા અને એ જ માસની 30મીએ તેમણે સાબરમતી આશ્રમ, 1932ના ડિસેમ્બરની ચોથીના અરસામાં સ્થાપવામાં આવેલા હરિજન સેવક સંઘને અર્પણ કર્યો. તે પછી તેમણે 1936ના એપ્રિલની 30મીથી વર્ધાથી થોડા અંતરે આવેલા સેગાંવ નામના ગામડામાં રહેવાનું રાખ્યું, જે ગામનું નામ 1940ના માર્ચની 5મીથી સેવાગ્રામ રાખવામાં આવ્યું.

આ પહેલાં 1932ના જાન્યુઆરીની 13મીએ સરકારે નવજીવન મુદ્રણાલય કબજે લીધું હતું. પણ માર્ચની 5મીએ તે પાછું સોંપ્યું હતું. ‘યંગ ઇન્ડિયા’નો છેલ્લો અંક 1932ના જાન્યુઆરીની 14મીએ પ્રગટ થયો હતો અને તે પછી એ સાપ્તાહિકનું પ્રકાશન બંધ થયું હતું.

ગાંધીજીને યરવડા જેલમાંથી અસ્પૃશ્યતાવિરોધી આંદોલન ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. અસ્પૃશ્યતા વિશે પ્રજામાં જાગૃતિ કેળવવાના ઉદ્દેશથી અને સવિશેષ બંધ થયેલા ‘યંગ ઇન્ડિયા’ની અવેજીમાં તેમણે એક નવું સાપ્તાહિક અંગ્રેજીમાં પ્રગટ કરવાનો નિર્ણય કર્યો અને તેનું નામ ‘હરિજન’ રાખ્યું. એવા અંગ્રેજી ‘હરિજન’નો પહેલો એક રામચંદ્ર શાસ્ત્રીના તંત્રીપદે 1933ના ફેબ્રુઆરીની 11મીએ પ્રગટ થયો. આ સાપ્તાહિકની ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, બંગાળી અને મરાઠી આવૃત્તિઓ પણ પ્રગટ થતી. અંગ્રેજી ‘હરિજન’નું પ્રકાશન 1956ના માર્ચ સુધી ચાલ્યું હતું.

‘યંગ ઇન્ડિયા’ના મૂળ અને પુનર્મુદ્રિત અંકો નવજીવન પ્રકાશન મંદિરમાં છે. ન્યૂયૉર્કસ્થિત વાઇકિંગ પ્રકાશક અને બી. ડબ્લ્યૂ. હ્યુબ્શ પ્રકાશક પાસે પણ કેટલાક જૂના અથવા પુનર્મુદ્રિત અંકો છે તેવા ઉલ્લેખો મળે છે, તેમજ ચેન્નાઈમાં શ્રી ગણેશન પાસે પણ આવા અંકો હશે તેવો ઉલ્લેખ મળે છે.

દીના પટેલ