ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR)
January, 2002
ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR) : ઇતિહાસના ક્ષેત્રે સંશોધન તથા વૈજ્ઞાનિક લેખનકાર્યને ઉત્તેજન આપવા માટે ભારત સરકારે સ્થાપેલી સંસ્થા. તેનો મુખ્ય હેતુ ઇતિહાસકારોનાં પરિસંવાદો, સંમેલનો, કાર્યશિબિરો વગેરે યોજીને ઇતિહાસનાં વિવિધ પાસાં વિશે તેમના વિચારોનું આદાનપ્રદાન કરવાનો છે. સંસ્થા ઇતિહાસને લગતી સંશોધન-યોજનાઓ, સંશોધન-કાર્યક્રમો તથા સંશોધન-ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓ, વિદ્યાપીઠો વગેરેને નાણાકીય સહાય કરે છે. ઇતિહાસના ક્ષેત્રે સંશોધન કરતા વિદ્વાનો તથા વિદ્યાર્થીઓને માટે તે શિષ્યવૃત્તિઓની જોગવાઈ કરે છે. સંસ્થા પીએચ.ડી. થીસિસ, ઉચ્ચકક્ષાના સંશોધનની હસ્તપ્રતો, મૉનોગ્રાફ, વિવેચનાત્મક સંપાદનો, પરિસંવાદો-પરિષદો-કાર્યશિબિરોની કાર્યવાહીના અહેવાલો, સંદર્ભ સાહિત્ય, દસ્તાવેજી કૃતિઓ વગેરેના પ્રકાશન માટે અનુદાન આપે છે.
કાઉન્સિલે ઇતિહાસનો વ્યાપક અર્થ કરીને તેમાં અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર, પુરાતત્વવિદ્યા, કલા, સાહિત્ય, તત્વજ્ઞાન, વિજ્ઞાન, યંત્ર-ઉદ્યોગશાસ્ત્ર વગેરેનો સમાવેશ કરેલો હોવાથી કાઉન્સિલનું સંશોધનક્ષેત્રે સહાય કરવાનું ક્ષેત્ર પણ વ્યાપક બનેલું છે. કાઉન્સિલ ખાસ કરીને ઇતિહાસનાં ઓછાં ખેડાયેલાં એવાં આર્થિક-સામાજિક પાસાં, ખેડૂત-શ્રમજીવી આંદોલનો, માનવજાતિઓનાં સ્થળાન્તરો અને તેમની અસરો, ઉદ્યોગીકરણ તથા શહેરીકરણ, પ્રાદેશિક ઇતિહાસ, સ્વાતંત્ર્યસંગ્રામો, મૂળભૂત સાધનરૂપ લખાણો, ભાષાન્તરો-સંપાદનો વગેરે ક્ષેત્રે સંશોધન કરનાર માટે ખાસ અનુદાનની વ્યવસ્થા કરે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ હિસ્ટોરિકલ રિસર્ચની સ્થાપના તથા કાર્યવાહીથી ઇતિહાસના સંશોધન તથા વૈજ્ઞાનિક અધ્યયનને સારું એવું ઉત્તેજન મળ્યું છે.
રમણલાલ ક. ધારૈયા