ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચ (ICMR)

January, 2002

ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચ (ICMR) : તબીબી સંશોધન અંગેની સંસ્થા. સમગ્ર દેશમાં ચાલતાં તબીબી ક્ષેત્રનાં, આરોગ્યક્ષેત્રનાં તથા તે સંબંધી અન્ય જીવવિજ્ઞાનનાં સંશોધનો માટે પ્રબંધ કરતી, તેમને આગળ ધપાવતી તથા તેમાં એકસૂત્રતા લાવનારી ટોચની સ્વાયત્ત સંસ્થા. તેનું વડું મથક અન્સારીનગર, નવી દિલ્હી ખાતે છે. હાલ ચેપી રોગો, ફલિતતા-નિયમન (fertility control), માતૃબાળઆરોગ્ય, પોષણલક્ષી સમસ્યાઓ, વાતાવરણજન્ય અને વ્યાવસાયિક આરોગ્યની સમસ્યાઓ તથા કૅન્સર, ચયાપચયી રોગો, હૃદયવાહિનીના રોગો, અંધાપો, મધુપ્રમેહ, ચયાપચયી વિકારો, રુધિરવિકારો, ચેતાતંત્રના વિકારો અને માનસિક આરોગ્યની સમસ્યાઓને સંશોધનાર્થે અગ્રતા અપાય છે. ઉપાર્જિત પ્રતિરક્ષા-ઊણપ સંલક્ષણ(AIDS)ના ચેપના નિયંત્રણ માટે જરૂરી માહિતી મેળવીને ઉપલબ્ધ આરોગ્ય-સેવા-વ્યવસ્થા દ્વારા કાર્ય કરાય છે. હાથીપગો, વિષાણુજન્ય યકૃતશોથ (viral hepatitis), મધુપ્રમેહ, મૂત્રમાર્ગમાં પથરી, દમ તથા હરસ – આ છ રોગો માટે સાતમી પંચવર્ષીય યોજનાથી સંશોધન શરૂ કરાયેલું છે. દવાઓ અંગેનું સંશોધન પણ હાથ ધરાયેલું છે.

1911માં સ્થપાયેલ ઇન્ડિયન રિસર્ચ ફંડ ઍસોસિયેશન(IRFA)ને 1949ના ડિસેમ્બરની 20મી તારીખે ICMRના રૂપમાં ફેરવવામાં આવ્યું છે. આમ આ સંસ્થા દુનિયાની સૌથી જૂની તબીબી સંશોધન-સંસ્થાઓમાંની એક છે. ICMR સંશોધનકાર્ય માટે સંસ્થાઓ તથા કેન્દ્રો સ્થાપે છે, જરૂરી સામયિકો પ્રસિદ્ધ કરે છે. તેને માટે આર્થિક સાધનો ઊભાં કરે છે. દેશમાં ચાલતાં સંશોધનોને આર્થિક સહાય આપે છે. સંશોધનક્ષેત્રે પ્રોત્સાહન આપવા ઇનામો, ઍવૉર્ડ, શિષ્યવૃત્તિ તથા પ્રવાસ-શિષ્યવૃત્તિઓ(travelling scholarships)નું વિતરણ કરે છે. તેના સંશોધન-કાર્યક્રમો પોતાનાં 21 કાયમી કેન્દ્રો અને સંસ્થાઓ દ્વારા, 6 પ્રાદેશિક તબીબી કેન્દ્રો દ્વારા, 5 ઉચ્ચ કક્ષાનાં સંશોધન માટેનાં ICMR કેન્દ્રો દ્વારા તથા અન્ય તબીબી સારવાર-સંસ્થાઓના સહયોગથી ચાલતાં કેટલાંયે એકકેન્દ્રી અથવા બહુકેન્દ્રી સંશોધન રૂપે સંપન્ન થતા રહે છે. ICMRનું નાણાકીય સ્રોતમૂળ (source) ભારત સરકારનું આરોગ્ય અને કુટુંબકલ્યાણનું મંત્રાલય (ministry) છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી તેની સંચાલન-સમિતિ(governing body)ના અધ્યક્ષપદે હોય છે અને વૈજ્ઞાનિક તથા તકનીકી બાબતોમાં વૈજ્ઞાનિક સલાહકાર બૉર્ડ તેને સહાય કરે છે. વિવિધ જૈવતબીબી વિદ્યાશાખાઓના નામાંકિત તજજ્ઞોવાળા આ બૉર્ડને તેના કાર્યમાં વિવિધ વૈજ્ઞાનિક સલાહકારી જૂથો, વૈજ્ઞાનિક સલાહકારી સમિતિઓ, તજજ્ઞ-જૂથો, કાર્યપ્રતિબદ્ધ જૂથો (task forces), દિશાદર્શક સમિતિઓ (steering committees) વગેરે વૈજ્ઞાનિક ક્રિયાઓનાં મૂલ્યાંકન તથા સતત મોજણી (monitoring) કરતા રહીને મદદ કરે છે.

આ બૉર્ડ અંતર્ભિત્તી (intramural) અને બહિર્ભિત્તી (extramural) – એમ બંને પ્રકારના દેશભરનાં જૈવતબીબી સંશોધનોને આગળ વધારે છે. તે અંતર્ભિત્તી સંશોધન માટે ICMRની પોતાની સંસ્થાઓ કાર્યરત છે, જ્યારે બહિર્ભિતી સંશોધન માટે વિવિધ અદ્યતન સંશોધનકેન્દ્રો, કાર્યપ્રતિબદ્ધ જૂથો તથા મુક્ત હેતુક સંશોધનો (open-ended research) કરતી સંશોધન-સંસ્થાઓ, તબીબી કૉલેજો તથા યુનિવર્સિટીઓને આર્થિક સહાય આપે છે. સન 1999-2000માં 349 પ્રૉજેક્ટોને સહાય અપાઈ હતી.

સંશોધન ઉપરાંત ICMR સંશોધકો અને વૈજ્ઞાનિકોના વિકાસ માટે માનવસંસાધન-વિકાસપ્રવૃત્તિઓના ભાગ રૂપે સંશોધન-ફેલોશિપો, ટૂંકા ગાળાની પ્રવાસી ફેલોશિપો તથા ટૂંકા ગાળા માટે શિષ્યવૃત્તિઓ વગેરે પણ અપાય છે. નિવૃત્ત તબીબી શિક્ષકો અને વૈજ્ઞાનિકોને એમેરિટ્સ વૈજ્ઞાનિકપદે સન્માનિત કરીને તેમના સંશોધનકાર્યને ચાલુ રાખવાનું કાર્ય પણ કરાય છે. દર વર્ષે ભારતીય વૈજ્ઞાનિકોમાં 38 ઍવૉર્ડોનું વિતરણ થાય છે; જેમાંના 11 ઍવૉર્ડ 40 વર્ષથી નીચેના યુવાન સંશોધકો માટે હોય છે.

સન 2011ના અહેવાલ પ્રમાણે 75 નવા સંશોધન ક્રિયાકલાપો (technologies) પર કાર્ય થઈ રહ્યું છે જેમાંથી 20 જેટલા ક્રિયાકલાપો ઉપચાર અને જાહેર આરોગ્યના ક્ષેત્રે ઉપયોગમાં આવી શકે તેવા તબક્કામાં છે. જાન્યુઆરી 2012થી આ સંસ્થા આદિકોષ (stem cell) સંશોધન અને ચિકિત્સાના વિકાસ માટે નાણાકીય સહાય પણ આપે છે. સન 2013ના અહેવાલ પ્રમાણે સંસ્થા 34 પ્રકારના કૅન્સરની સારવાર માટે પ્રમાણો અને ચિકિત્સા માટેના પ્રોટોકોલ્સ તૈયાર કરી રહી છે.

જ્ઞાપન (information), પ્રત્યાયન (communication) અને પ્રકાશન(publication)ના ક્ષેત્રે પણ ICMR સક્રિય છે. તે ઇન્ડિયન જર્નલ ઑવ્ મેડિકલ રિસર્ચ, ICMR બુલેટિન, ICMR પત્રિકા તથા અંગ્રેજી અને હિન્દીમાં વાર્ષિક અહેવાલની પ્રસિદ્ધિ કરે છે. હાલ દર વર્ષે તેની 7500 નકલો છપાય છે. આ ઉપરાંત તે જાહેર ભાષણો, પરિસંવાદો તથા અધિવેશનોનું પણ આયોજન કરે છે. તે વિજ્ઞાનમેળા, પુસ્તકમેળા જેવી પ્રવૃત્તિઓમાં સહભાગી થાય છે.

જૂન, 1999માં તેણે જૈવજ્ઞાપનવિદ્યા(bioinformation)નું એક કેન્દ્ર શરૂ કર્યું છે અને સંકલિત સંશોધન-જ્ઞાપન-પ્રણાલી(integrated research information system)ની પ્રવૃત્તિઓને પણ વધારી છે.

ICMR ગુજરાતમાં પણ સંશોધનક્ષેત્રે સક્રિય છે. રાષ્ટ્રીય વ્યાવસાયિક સ્વાસ્થ્યસંસ્થા (National Institute of Occupational Health) તેની અમદાવાદ ખાતે કાયમી ધોરણે ચાલતી શાખા છે. તેવી રીતે સેવાગ્રામ ખાતે હાથીપગા અંગેનો અને નડિયાદ ખાતે મલેરિયા અંગેનો સંશોધન-પ્રૉજેક્ટ ચાલે છે. વડોદરા ખાતે માનવ-પ્રજનન-સંશોધનકેન્દ્ર તથા કાર્યપ્રતિબદ્ધ જૂથના પ્રૉજેક્ટો ચાલી રહ્યા છે. અમદાવાદમાં ICMRની રાષ્ટ્રીય પોષણ-મોજણી બ્યૂરો (National Nutritional Monitory Bureau) ચાલે છે તથા કૅન્સર અને મુખસ્વાસ્થ્યના સંશોધનમાં પણ ICMRની સહાય-અનુદાન પ્રાપ્ત થાય છે.

શિલીન નં. શુક્લ

સુધીર કે. દવે

પ્રભુદાસ પટેલ