ઇન્ડિયન કાઉન્સિલ ફૉર કલ્ચરલ રિલેશન્સ (ICCR)

January, 2002

ઇન્ડિયન કાઉન્સિલ ફૉર કલ્ચરલ રિલેશન્સ (ICCR) : દુનિયાના દેશો સાથે સાંસ્કૃતિક સંબંધો અને વિનિમયને પોષતી અને પ્રોત્સાહિત કરતી ભારતની સંસ્થા. વડું મથક દિલ્હી. સંસ્થાનાં પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કૉલકાતા, લખનૌ, ચંડીગઢ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ્ અને બૅંગાલુરુમાં છે.

વિદેશના લોકોમાં ભારતીય સંસ્કૃતિ વિશે પરિચય અને સમજ વધે તે ર્દષ્ટિએ પરિષદ વિવિધ પ્રકારનાં સાંસ્કૃતિક મંડળો જુદા-જુદા દેશોમાં મોકલતી રહે છે. આવાં પ્રતિનિધિમંડળોમાં ભારતના શ્રેષ્ઠ કલાકારો, વિદ્વાનો, લેખકો તથા અગ્રગણ્ય નિષ્ણાતોને મોકલવામાં આવે છે, જેથી ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંનું ચિત્ર રજૂ થઈ શકે. તે જ પ્રમાણે અન્ય દેશોના કલાકારો તથા વિદ્વાનોને પરિષદ તરફથી આમંત્રણ પાઠવીને તેમની કલાઓનું નિદર્શન ભારતનાં વિવિધ કેન્દ્રોમાં રાખવામાં આવે છે. 1989માં ફ્રાન્સ અને રશિયાના કલાકારોના ઉત્સવો જેમ ભારતમાં રાખવામાં આવ્યા હતા, તે જ પ્રમાણે ભારતીય ઉત્સવો, રશિયા, ફ્રાન્સ, અમેરિકા અને મોરિશિયસમાં રાખવામાં આવ્યા હતા. નામીબિયાના કલાકારોએ વિદેશોમાં સૌપ્રથમ ભારતની મુલાકાત લીધી હતી. પરિષદ આફ્રિકા દિનની ઉજવણી કરે છે. ઉપરાંત ‘સેન્ટર ફૉર આફ્રિકા’ પણ શરૂ કરવામાં આવ્યું છે. ચીનનું કલાકારવૃંદ તથા ભુતાન-બાંગ્લાદેશના વિદ્યાર્થીપ્રતિનિધિઓએ પણ પરિષદના આશ્રયે ભારતની મુલાકાત લીધી હતી. ભારતની સંસ્કૃતિ વિશે વિવિધ દેશોમાં પ્રદર્શનો યોજવામાં આવે છે. પરિષદ તરફથી સામયિકો અને પુસ્તકો પણ પ્રગટ કરવામાં આવે છે.

ભારતનાં સાંસ્કૃતિક કેન્દ્રો સુવા (ફિજી), જ્યૉર્જ ટાઉન (ગુયાના) અને પારામારિબો(સુરીનામ)માં શરૂ કરવામાં આવ્યાં છે.

પરિષદનું મહત્વનું કાર્ય તે જવાહરલાલ નેહરુની પુણ્યસ્મૃતિમાં આંતરરાષ્ટ્રીય સમજૂતી અને શાંતિના કાર્ય માટે 1965થી દર વર્ષે એનાયત થતો પુરસ્કાર છે. પુરસ્કાર અંગેનો નિર્ણય ભારતની સાત નામાંકિત વ્યક્તિઓની બનેલી સમિતિ દ્વારા કરવામાં આવે છે, જેમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ તથા સર્વોચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ ન્યાયમૂર્તિ હોદ્દાની રૂએ રહે છે. ઉપરાંત કોઈ એક રાજ્ય ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ, કોઈ એક યુનિવર્સિટીના કુલપતિ અને જાહેર જીવનમાં અગ્રગણ્ય એવા બીજા બે સભ્યો રાખવામાં આવે છે. સમિતિનો નિર્ણય છેવટનો ગણાય છે.

આ પુરસ્કારમાં પંદર લાખ રૂપિયા રોકડા (જે અન્ય મુદ્રામાં ફેરવી શકાય છે.) તથા પ્રશસ્તિપત્રનો સમાવેશ કરવામાં આવે છે. આ પુરસ્કાર કોઈ પણ વ્યક્તિને રાષ્ટ્રીયતા, જાતિ, ધર્મ કે અન્ય કોઈ ભેદભાવ વિના અર્પણ થઈ શકે છે, પરંતુ તે કોઈ સંસ્થાને આપવામાં આવતો નથી. યોગ્ય પાત્ર ન જણાતાં તે વર્ષનો પુરસ્કાર સ્થગિત રહી શકે છે. પુરસ્કાર માટે વ્યક્તિના છેલ્લાં પાંચ વર્ષના કાર્યને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રસિદ્ધ થયેલા કોઈ પુસ્તક માટે પણ તે પુરસ્કાર આપી શકાય છે.

આ પુરસ્કાર નીચેના મહાનુભાવોને અર્પણ કરવામાં આવ્યો છે : ઊ થાન્ટ (1965), માર્ટિન લ્યૂથર કિંગ (મરણોત્તર, 1966), ખાન અબ્દુલ ગફારખાન (1967), યેહૂદી મેનુહિન (1968), મધર ટેરેસા (1969), કેનેથ ડી કોન્ડા (1970), જૉસેફ ટીટો (1971), આન્દ્રે માલરો (1972), જ્યુલિસ નાયરેરે (1973), રૉલ પ્રિબ્રિશ (1974), જોનાસ સાક (1975), જીસેપ ટુસી (1976), તુલસી મહેરજી શ્રેષ્ઠા (1977), નિચિદાત્સુ ફુજી (1978), નેલ્સન મંડેલા (1979), બાર્બરા વૉર્ડ (1980), આલ્વા અને ગુન્નાર મિર્ડાલ (1981), લિયોપોલ્ડ સેંઘોર (1982), બ્રૂનો ક્રેસ્કી (1983), ઇન્દિરા ગાંધી (મરણોત્તર, 1984), ઓલોફ પામી (મરણોત્તર, 1985), ઝેવિયર પેરેઝ દ ક્યુઈલર (1987), યાસેર અરાફત (1988), રૉબર્ટ મુગાબે (1989), હેલ્મુટ કોહલ (1990), અરુણા અસફઅલી (1991), મૉરિસ સ્ટ્રાંગ (1992), ઑગ સાન સૂકી (1993), મોહાયિર બિન મોહમ્મદ (1994), હુસને મુબારક (1995), ગોહ ચૉક ટોન્ગ (2003), સુલતાન કબુસ બિન સઈદ અલ્ સઈદ (2004), વાંગારી મથાઈ (2005), લુઇસ સિલ્વા (2006), ઓલાફુર ગિમસન (2007) તથા એન્જેલ માર્કેલ (2009).

પુરસ્કાર ઉપરાંત પરિષદના પહેલા પ્રમુખ તથા કેન્દ્ર સરકારના પહેલા શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની સ્મૃતિમાં 1959થી દર વર્ષે ખ્યાતનામ વિદ્વાનોનાં પ્રવચનો ગોઠવવામાં આવે છે. પરિષદનું કારોબારી મંડળ આંતરરાષ્ટ્રીય સમજૂતી તથા ભારતના સાંસ્કૃતિક સંબંધોને પુષ્ટ કરતા મહાનુભાવોને ફેલો તરીકે નિયુક્ત કરે છે, જેમાં આર્નોલ્ડ ટૉયન્બી, જવાહરલાલ નેહરુ, સર્વપલ્લી રાધાકૃષ્ણન્, એલેક્સ બેબલર, એ. એલ. બાશમ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સરનામું : ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ, આઝાદ ભવન, ઇન્દ્રપ્રસ્થ એસ્ટેટ, નવી દિલ્હી – 110002.

સંસ્થાના સૌજન્યથી