અણખી, રામસરૂપ (જ. 28 ઑગસ્ટ 1932, ધૌલા, જિ. સંગરૂર, પંજાબ; અ. 14 ફેબ્રુઆરી 2010, બરનાલા) : પંજાબી નવલકથાકાર. ‘કોઠે ખડકસિંહ’ નામની તેમની કૃતિને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબીમાં એમ. એ.ની ડિગ્રી મેળવવા ઉપરાંત શિક્ષણના વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી. શાળાના શિક્ષક તરીકે જીવન સમર્પિત કરી દીધું.
મુખ્યત્વે નવલકથાકાર હોવા છતાં તેમણે સાહિત્યનાં અન્ય સ્વરૂપોનું ખેડાણ પણ કર્યું છે. પુરસ્કૃત કૃતિ ઉપરાંત તેમણે ‘પડદા તે રોશની’, ‘સુલગદી રાત’, ‘કક્કન કાનિયા દે ફૂલ’, ‘જખ્મી અતીત’, ‘ઢિડ્ડ દી આંદર’ તથા ‘જિન્હ સિર સોહન પટ્ટિયાં’ નામની 6 નવલકથાઓ લખી છે. તેમની કેટલીક ટૂંકી વાર્તાઓ હિંદી, ગુજરાતી અને બીજી કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદ પામી છે.
અનેક સાહિત્યિક સંમેલનોમાં ભાગ લઈ સન્માન પ્રાપ્ત કર્યું છે.
પુરસ્કૃત કૃતિ એક મહાકાવ્યાત્મક રચના છે. તેમાં 1942થી 1980 સુધીના સમયગાળાના પંજાબી ગ્રામીણ જીવનની 3 પેઢીનો કથાવિસ્તાર આલેખાયો છે. પ્રસંગો તથા પાત્રોનું જીવંત ચિત્રણ, કથનશૈલીની ક્ષમતા તથા સામાજિક પ્રસ્તુતતા એ તેનું મહત્ત્વનું યોગદાન લેખાય છે.
1992માં કરતારસિંગ ધાલીવાલ ઍવોર્ડ પંજાબી સાહિત્ય અકાદમી તરફથી અને સર્વ શ્રેષ્ઠ સાહિત્યકાર ઍવોર્ડ 2009માં પ્રાપ્ત થયો હતો.
મહેશ ચોકસી