આઘાત, સપૂયરુધિરતાજન્ય

February, 2001

આઘાત, સપૂયરુધિરતાજન્ય (septicaemic shock) : જીવાણુઓ(bacteria)ના વિષથી લોહીના ભ્રમણમાં ઊભી થતી તકલીફ. જીવાણુઓના અભિરંજન(staining)ની વૈજ્ઞાનિક ગ્રામની પદ્ધતિમાં અભિરંજિત ન થતા, ગ્રામ-અનભિરંજિત (gram-negative) જીવાણુઓનું અંત:વિષ (endotoxin) જ્યારે લોહીમાં પ્રવેશે ત્યારે રુધિરાભિસરણમાં ખલેલ પડે છે અને પેશીઓને મળતા લોહીનો પુરવઠો ઘટે છે. ક્યારેક ગ્રામ-અભિરંજિત (gram-positive) જીવાણુઓ પણ આવી પરિસ્થિતિ સર્જે છે. મહદ્ અંશે હૉસ્પિટલમાં દાખલ થયેલા મધુપ્રમેહ, યકૃતકાઠિન્ય (liver cirrhosis), રુધિરકૅન્સર (leukaemia), લસિકાર્બુદ (lymphoma), પ્રતિરોપણ (transplantation), પ્રતિરક્ષાદાબી (immunosuppressive) ચિકિત્સા, વિવિધ શસ્ત્રક્રિયા, જઠરાંત્રમાર્ગ કે પ્રજનન-મૂત્રમાર્ગના ચેપ વગેરેના દર્દીઓમાં આ વિકાસ જોવા મળે છે. મોટા ભાગના ગ્રામ-અનભિરંજિત જીવાણુ જઠરાંત્રમાર્ગના સહજનિવાસી (commensals) હોય છે. જોકે સ્યુડોમોનાસ જૂથના જીવાણુઓ પણ આ તકલીફ સર્જે છે પણ તે જઠરાંત્રમાર્ગના સહજનિવાસી હોતા નથી. મોટાભાગના કિસ્સામાં મૂળ ચેપ જાણી શકાય છે, પરંતુ ક્યારેક ખૂબ નબળાઈ લાવતી (debilitating) સ્થિતિમાં આવા મૂળ ચેપનું સ્થાન નિશ્ચિત કરી શકાતું નથી.

સપૂયરુધિરતાજન્ય આઘાતનાં મુખ્ય લક્ષણો આ પ્રમાણે છે : ધ્રુજારી, તાવ, ઊબકા, ઊલટી, થકાવટ, હૃદય અને શ્વાસની ઝડપી ગતિ, ઘટેલું લોહીનું દબાણ, ઠંડા અને ફિક્કા હાથ-પગ, નખ અને હોઠની ભૂરાશ (નીલિમા, cyanosis), માનસિક નબળાઈ (mental obtundation), પેશાબનું ઘટેલું પ્રમાણ વગેરે. પૂરેપૂરાં વિકસેલાં લક્ષણોવાળા દર્દીનું નિદાન સરળ છે, પરંતુ શારીરિક નબળાઈવાળા દર્દીઓમાં ક્યારેક નિદાન કરવું મુશ્કેલ બને છે. ક્યારેક કમળો થઈ આવે છે. લોહીનું દબાણ અને પેશાબનું પ્રમાણ ઘટતાં હૃદય અને શ્વાસનું કાર્ય નિષ્ફળ થવા માંડે છે અને ફેફસાંમાં પાણી ભરાતાં ફેફસીશોફ (pulmonary oedema) થાય છે. આને કારણે હૃદયની તાલબદ્ધ ગતિ અનિયમિત થાય છે અને પ્રાણવાયુ ઓછો મળવાને કારણે મસ્તિષ્કનું મૃત્યુ થાય છે અને તેથી દર્દી મૃત્યુ પામે છે. નિદાનતપાસ માટેનાં પ્રયોગશાળામાંનાં તારણો આઘાતના તબક્કા અને તેનાં કારણ પર આધાર રાખે છે. લોહીમાં શ્વેતકોષો વધે છે અને અપક્વ શ્વેતકોષો પણ દેખા દે છે, ઘણી વખત શ્વેતકોષોનું પ્રમાણ ઘટી જાય છે. લોહીના ગંઠનકોષો (platelets) તેમજ ગઠનઘટકો (coagulation factors) પણ ઘટી જાય છે. મૂત્રપિંડની અપર્યાપ્તતા (renal failure) થવા માંડે તો યૂરિયાની રુધિર-સપાટી તથા ક્રિયેટીનિનની સિરમ-સપાટી વધવા માંડે છે. શરૂઆતમાં શ્વસન-આલ્કલિતા (respiratory alkalosis) અને ત્યારબાદ ચયાપચયી અમ્લતા (metabolic acidosis) થાય છે. હૃદ્-વીજાલેખ (electocardiogram, ECG)માં ST રેખાખંડ નીચે ખસે છે, T તરંગ ઊંધો થાય છે તથા હૃદ્-ગતિમાં વિવિધ પ્રકારની અનિયમિતતા (arrhythmia) થઈ આવે છે. લોહીમાંના જીવાણુઓનું સંવર્ધન (culture) મૂળ ચેપકારી જીવાણુને પારખવામાં ઉપયોગી છે, પરંતુ ઘણી વખત કોઈ પણ જીવાણુ આવી રીતે ઉછેરી શકાતા નથી. સારવાર માટે કેન્દ્રીય શિરાદાબ (central venous pressure, CVP)ના આધારે નસ વાટે પ્રવાહી ચઢાવવામાં આવે છે. ક્યારેક શ્વસન-સહાયની જરૂર પડે છે. વધુ કાર્યવ્યાપવાળાં પેનિસિલિન, સેફૅલોસ્પોરિન તથા એમાઇનોગ્લાઇકોસાઇડ જૂથનાં ઍન્ટિબાયૉટિક ઔષધો આપવામાં આવે છે. ચેપને કારણે ગૂમડું થયું હોય તો પરુ કાઢી નાખવામાં આવે છે અને આંતરડાના કોઈ ભાગનો પેશીનાશ (gangrene) થયો હોય તો શસ્ત્રક્રિયા વડે તે દૂર કરવામાં આવે છે. લોહીનું દબાણ જાળવી રાખવા માટે કૉર્ટિકોસ્ટેરોઇડ, આલ્ફારોધકો જેવાં કે ફિનૉક્સીબેન્ઝામિન અને ફેન્ટોલેમાઇન તથા બીટા-ઉત્તેજકો જેવાં કે આઇસોપ્રોટેરનોલ ઉપયોગી રહે છે. આ વિકારમાં સામાન્યત: નોરએર્ડિનાલિન હાનિકારક ગણાયું છે. જરૂર પડે તો ક્લોરપ્રોમેઝિન, મૂત્રવર્ધકો (diuretics), ડિજીટાલિસ, રુધિરપ્રતિક્ષેપન (blood transfusion) વગેરેનો ઉપયોગ કરાય છે. પ્રતિરક્ષા ઊણપ (immune suppression), ચયાપચયી અમ્લતા, લૅક્ટિક અમ્લતા તથા શ્વસન કે મૂત્રપિંડની અપર્યાપ્તતા(respiratory or renal failure)ને કારણે લગભગ 5૦ ટકા જેટલો મૃત્યુદર રહે છે, તેથી પ્રતિરોધ અથવા પૂર્વનિવારણ (prevention), વહેલું નિદાન અને તાત્કાલિક સારવાર ઘણાં મહત્વનાં બની જાય છે.

બંકિમ માંકડ

હરિત દેરાસરી