આઘાત, હૃદયજન્ય (cardiogenic shock) : હૃદયના વિકારને કારણે ઘટી ગયેલા લોહીના દબાણનો વિકાર. હૃદયના વિવિધ રોગોમાં આ પરિસ્થિતિ સર્જાય છે; દા. ત., હૃદયરોગનો હુમલો (acute myocardial infarction), હૃદ્સ્નાયુશોથ (myocarditis), પ્રાણવાયુ-અલ્પતા (hypoxia), અમ્લતા (acidosis), હૃદયના વાલ્વ(કપાટ)ની ખામી, હૃદયના પડદામાં છિદ્ર પડવું, પેપિલરી સ્નાયુનું ફાટવું, હૃદયની અતિ ઝડપી, અતિ ધીમી કે અનિયમિત ગતિ, હૃદયનાં આવરણ(પરિહૃદ્, pericardium)માં પાણી ભરાવું, ફેફસાંની રુધિરવાહિનીમાં લોહીનો ગઠ્ઠો જામવાથી હૃદયના કાર્યમાં વિક્ષેપ, હૃદયના ખંડ(chamber)માં લોહીનો ગઠ્ઠો જામવો કે ગાંઠ થવી વગેરે.

હૃદય લોહીને નસોમાં ધકેલીને તેનું દબાણ જાળવવામાં મદદ કરે છે. ઉપર જણાવેલા રોગોમાં પૂરતા પ્રમાણમાં લોહી ન ધકેલીને હૃદય આઘાતની સ્થિતિનું સર્જન કરે છે. હૃદ્જન્ય આઘાતના ચિહનો અને લક્ષણો અન્ય આઘાત જેવાં જ હોય છે, પરંતુ હૃદયરોગનાં પોતાનાં ચિહનો આઘાતના મૂળ કારણ તરફ ધ્યાન દોરે છે; જેમ કે, હૃદયરોગના હુમલા સમયે છાતીનો અસહ્ય દુખાવો. કોઈ પણ કારણસરના આઘાતના ત્રીજા અને અસાધ્ય તબક્કામાં હૃદયને પૂરતું લોહી ના મળવાથી તેનાં સંકોચનો શિથિલ થાય છે અને લોહીનું દબાણ વધુ ઘટે છે. આ પ્રકારનું વિષચક્ર દર્દીને મૃત્યુ તરફ દોરે છે. હૃદ્જન્ય આઘાતના વર્ણનમાં આ પ્રકારના આઘાતને આવરી લેવામાં આવતો નથી. હૃદ્જન્ય આઘાતની સારવારના સિદ્ધાંતો અન્ય કારણોસર થતા આઘાતના જેવા જ છે. જો હૃદયની ગતિ ઝડપી, ધીમી કે અનિયમિત હોય તો તેની સારવાર કરવી જરૂરી છે. ક્ષેપકજન્ય અતિહૃદ્-ગતિ (ventricular tachycardia) માટે, લિગ્નોકેઇન, બ્રેટિલિયમ ટોસિલેટ અને જરૂર પડ્યે વીજાઘાત (electroshock) અપાય છે. વીજાઘાત, કૃત્રિમ શ્વાસોચ્છવાસ, હૃદ્-મસાજ (છાતી પર મસાજ), એડ્રીનેલિન અને બાયકાર્બોનેટ આપી હૃદ્-સ્તંભન (cardiac arrest) કે ક્ષેપક ફરકાટ(fibrillation)ની સારવાર કરાય છે. ક્ષેપકોર્ધ્વજન્ય અતિહૃદ્-ગતિ (supraventrucular tachycardia) માટે ડિજિટાલિસ ઉપયોગી છે.

અલ્પહૃદ્-ગતિ (bradycardia) અને હૃદ્રોધ(heartblock)ની સારવારમાં એટ્રોપિન, આઇસોપ્રિનાલીન તથા વીજચાલક(pacemaker)ની જરૂર પડે છે. જો કેન્દ્રીય શિરાદાબ (central venous pressure, CVP) દ્વારા નસોમાં પ્રવાહીની ઊણપ હોવાનું જાણવા મળે તો સાવચેતીપૂર્વક નસ વાટે પ્રવાહી ચઢાવવામાં આવે છે. હૃદ્જન્ય આઘાતમાં લોહીનું દબાણ જાળવવા માટે ડોપામિન કે ડોબ્યુટામિન ઉપયોગી સાબિત થયાં છે. હૃદયનો પૂર્વભાર (preload) ઘટાડવા માટે નાઇટ્રોગ્લિસરીન, ઉત્તરભાર (afterload) ઘટાડવા માટે હાઇડ્રેલેઝિન તથા બંને ઘટાડવા માટે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. (જુઓ આઘાતની ઔષધચિકિત્સા.) હૃદયરોગના હુમલા પછી થતી હૃદયના કાર્યની અપર્યાપ્તતા (CCF)માં નાઇટ્રોગ્લિસરીન ઉપયોગી છે. આ ઔષધ ડોપામિન સાથે હૃદ્જન્ય આઘાતની સારવારમાં વપરાય છે. ઉપરની સારવાર નિષ્ફળ જાય ત્યારે મહાધમનીમાં ફુગ્ગો (balloon) મૂકીને હૃદયના વિકોચન (diastole) સમયે પ્રતિધબકારા (counter pulsations) ઉત્પન્ન કરવા માટે તેને ફુલાવવામાં આવે છે. આવી જ રીતે જરૂર પડ્યે શસ્ત્રકિયા દ્વારા નવો દ્વિદલ કપાટ (mitral valve) નાખી શકાય છે. હૃદયરોગના હુમલા પછી પૅપિલરી સ્નાયુઓ કે ક્ષેપકપટલને ક્યારેક નુકસાન થાય છે. તે સમયે પણ શસ્ત્રક્રિયા જીવરક્ષક બની રહે છે. આવા અનેક પ્રયત્ન છતાં હૃદ્જન્ય આઘાતના લગભગ 7૦ % દર્દીઓ મૃત્યુ પામે છે.

મનહર બ્રહ્મભટ્ટ

શિલીન નં. શુક્લ