આગાખાન : ઇસ્લામના બે કરોડથી વધુ સંખ્યા ધરાવતા શિયા સંપ્રદાયના નિઝારી ઇસ્માઇલી પંથના (ખોજા કોમના) ઇમામ. આગાખાન પહેલા અને ઈરાનના રાજા ફતેહઅલીશાહ મનીરના જમાઈ હસનઅલીશાહનો ખિતાબ અકાખાન (જેનો ઉચ્ચાર આગાખાન પણ થાય છે.) હતો. ઈ. સ. 1838માં ઈરાનના કિરમાન પ્રાંતમાં નિષ્ફળ વિદ્રોહ કરવાના ફળસ્વરૂપ હસનઅલીશાહ ઈરાનથી સિંધ આવ્યા, જ્યાં તે સિંધના બ્રિટિશ વિજેતા સર ચાર્લ્સ નેપિયરને સહાયરૂપ બન્યા. ઈરાનમાં સત્તા મેળવવાના નિષ્ફળ પ્રયત્નો પછી મુંબઈમાં સ્થાયી થયા, પણ ઈરાન સરકારના દબાણને વશ થઈને બ્રિટિશ હકૂમતે તેમને કલકત્તા જઈ રહેવાની ફરજ પાડી. ઈ. સ. 1848માં ફરી મુંબઈ આવી રહ્યા. ત્યારથી મુંબઈ આ પંથનું મુખ્ય મથક છે.

હસનઅલીશાહના પુત્ર અને આગાખાન બીજા અલીશાહ(અ.  ઈ. સ. 1885)ના પુત્ર અને નિઝારી ઇસ્માઈલીઓના 48મા ઇમામ સુલતાન મહંમદશાહ આગાખાન 3જાનો જન્મ કરાંચીમાં ઈ. સ. 1877માં થયો હતો. તે ફારસી, અંગ્રેજી અને ફ્રેંચ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા. પહેલા વિશ્વયુદ્ધમાં અંગ્રેજોને સહાય કરવાના બદલામાં ‘His Highness’ના ખિતાબ અને અગિયાર તોપોની સલામીના હકદાર બન્યા. ઈરાનના શાહ તરફથી તેમને ‘હિઝ રૉયલ હાઇનેસ’નો ખિતાબ અર્પણ થયો હતો. હિંદુસ્તાનના મુસ્લિમોની રાજકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તેમનું વિશેષ યોગદાન છે. ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના પ્રમુખ(ઈ. સ. 19૦6-1912), 193૦-31ની ગોળમેજી પરિષદ-લંડનમાં હિંદુસ્તાનના મુસ્લિમોના પ્રતિનિધિ, ઈ. સ. 1934માં પ્રિવી કાઉન્સિલના મેમ્બર, 1932ની વિશ્વ નિ:શસ્ત્રીકરણ પરિષદમાં અને લીગ ઑવ્ નેશન્સની સામાન્ય સભામાં 1932 અને 1934થી 1937 સુધી ભારતનું પ્રતિનિધિત્વ, ઈ. સ. 1937માં લીગ ઑવ્ નેશન્સના પ્રમુખ વગેરે કામગીરી તેમણે બજાવી હતી. અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં પણ તેમનો મહત્વનો ફાળો છે. તેમને ઘોડદોડનો બહુ શોખ હતો.

ઈ. સ. 1936, 1946 અને 1954માં તેમને અનુક્રમે સુવર્ણ, હીરા અને પ્લૅટિનમથી જોખવામાં આવ્યા હતા. ઈ. સ. 1957માં સ્વિટ્ઝર્લૅન્ડમાં વરસોઆમાં તે મૃત્યુ પામ્યા અને તેમની અંતિમ ઇચ્છાનુસાર ઇજિપ્તમાં આસવાન પાસે તે દફન થયા હતા.

તેમની ઇચ્છાનુસાર તેમના અનુગામી તથા 49મા ઇમામ અને આગાખાન ચોથા તેમના પુત્ર પ્રિન્સ અલીખાનની હયાતીમાં જ પ્રિન્સ અલીખાનના પુત્ર પ્રિન્સ કરીમે ઇમામત સંભાળી હતી (1957). આગાખાન ચોથાનો જન્મ ઈ. સ. 1936માં પૅરિસમાં થયો હતો. તેમનો કાયમી વસવાટ પૅરિસમાં હોય છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ પામેલા આગાખાન ચોથાને બ્રિટન, ઈરાન, પાકિસ્તાન વગેરે દેશોની સરકારો અને વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા વિશેષ માન-અકરામની નવાજેશ થયેલી છે. આગાખાન ચોથા પોતાના અનુયાયીઓ ઉપરાંત સમગ્ર મુસ્લિમો તેમજ બિનમુસ્લિમોના શૈક્ષણિક અને સ્વાસ્થ્યકલ્યાણમાં પોતાના પિતામહ કરતાં પણ વધુ રસ દાખવે છે અને આ ક્ષેત્રોમાં કરોડો રૂપિયાની સહાય કરે છે. આ કાર્ય માટે 1967માં સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે તેમણે આગાખાન ફાઉન્ડેશનની સ્થાપના કરી. તેની શાખાઓ વિવિધ દેશોમાં ફેલાયેલી છે. શિક્ષણ જેવાં પ્રગતિશીલ કાર્યો માટે તે મબલખ દાન આપે છે. કરાંચી ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આગાખાન યુનિવર્સિટી અને હૉસ્પિટલના સંકુલની સ્થાપના કરવામાં આવી છે.

જગતભરના ઇસ્માઈલીઓ પોતાના દેશના બંધારણને અધીન રહીને જમાતનું આંતરિક સંચાલન કરતા રહે તે માટે 1986માં તેમણે પૂરક ગણાય તેવા સામાન્ય ઇસ્માઈલી બંધારણની પણ જોગવાઈ કરી છે. આ પંથ ઇસ્માઈલીઓને પોતાના વસવાટના દેશને વફાદાર રહેવાની અને ત્યાંના સમાજમાં હળીમળીને રહેવાની શીખ આપે છે.

વિશ્વના વિવિધ દેશોમાં અને ખાસ કરીને એશિયા અને આફ્રિકાના દેશોમાં સમાજકલ્યાણક્ષેત્રે સુસંગતતા સર્જવા તેમણે ‘આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક’ની સ્થાપના કરી છે, જેને ઉપક્રમે યુનિવર્સિટી, હૉસ્પિટલ (મેડિકલ કૉલેજ સહિત), સ્કૂલ ઑવ્ નર્સિંગ, એજ્યુકેશન સર્વિસિઝ તથા આગાખાન હાઉસિંગ બૉર્ડ જેવા ઘટકો કામ કરે છે. આર્થિક ક્ષેત્રે નાણાકીય સંસ્થાઓ અને પ્રવૃત્તિઓને તથા એશિયા-આફ્રિકામાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા ‘આગાખાન ફંડ ફૉર ઈકોનૉમિક ડેવલપમેન્ટ’ કામ કરે છે. સાંસ્કૃતિક ક્ષેત્રે ‘આગાખાન ટ્રસ્ટ ફૉર કલ્ચર’ કામ કરે છે, જે ઇસ્લામી સ્થાપત્યકળાના પ્રોત્સાહન માટે તેમજ ઐતિહાસિક ઇમારતોના અને સ્થળોના પુન:સ્થાપન અને વિકાસ માટે પ્રયત્નશીલ છે.

‘આગાખાન રૂરલ સપૉર્ટ પ્રોગ્રામ’ હેઠળ ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે રાજ્યોમાં ગ્રામીણ વિકાસક્ષેત્રે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારતમાં આ પંથની આ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન વિખ્યાત અર્થશાસ્ત્રી ડૉ. આઇ. જી. પટેલ કરે છે.

તેમણે તેમના અનુયાયીઓને તેઓ જે દેશમાં વસતા હોય તે દેશના નાગરિક બનવા અને જ્યાં સતામણી થતી હોય તે દેશ છોડી જવા હુકમ કર્યો હતો.

તેઓ ભારતની, ખાસ કરીને ગુજરાતની મુલાકાત અવારનવાર લેતા રહ્યા છે.

ઝિયાઉદ્દીન અ. દેસાઈ

હેમન્તકુમાર શાહ