આગંતુક ખડક (xenolith) : અભ્યાગત ખડકટુકડા. અગ્નિકૃત ખડકની અંદર સમાવિષ્ટ થયેલા હોય, પણ સહઉત્પત્તિજન્ય ન હોય એવા ખડકટુકડાઓ માટે આ શબ્દનો પ્રયોગ થાય છે. એક રીતે જોતાં, અગ્નિકૃત ખડકોમાં કણરચનાની વિષમાંગતા અજાણ્યા ખડકટુકડાઓના પ્રવેશથી ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારની પરિસ્થિતિ માટે જુદાં જુદાં કારણો હોઈ શકે. જેમ કે, બેથોલિથ, સિલ્સ કે ડાઇક જેવાં વિવિધ આકાર, પરિમાણવાળાં અંતર્ભેદનો(intrusions)ના તૈયાર થવા  સાથે તેમજ લાવા વહન કરતા જ્વાળામુખી કંઠ કે નળીની પૂરણી વખતે તદ્દન નાની પતરીઓથી માંડીને ઘણા મોટા કદના અન્ય લાંબા ખડકટુકડા સાથે જોડાઈ જાય છે. આ ખડકટુકડાને આગંતુક ખડક તરીકે ઓળખાવાય છે. આગંતુક ખડકટુકડાઓના અગ્નિકૃત ખડક સાથેના સંબંધ બે પ્રકારે પડે છે : (1) સંબંધિત (સગોત્રી) આગંતુક ખડક : જે ખડકથી પરિવેષ્ટિત હોય તેની સાથે જો તે ઉત્પત્તિજન્ય સંબંધ ધરાવતા હોય તો તેમને સંબંધિત આગંતુક ખડક કહેવાય, જે મહદ્ અંશે તે જ ખડકની ઉત્પત્તિના પ્રારંભિક તબક્કામાં સ્ફટિકીકરણ પામ્યા હોય. (2) આકસ્મિક આગંતુક ખડક : સૂચિત નામ પ્રમાણે પ્રાદેશિક ખડક(અગ્નિકૃત, જળકૃત કે વિકૃત, જે હોય તે)ના નાનામોટા ટુકડા મૅગ્માજન્ય કે લાવાજન્ય અગ્નિકૃત ખડકમાં આવીને જડાઈ ગયા હોય, જેમ કે ગ્રૅનાઇટની ઉત્પત્તિ વખતે શિસ્ટ જેવા પ્રાદેશિક ખડકના ટુકડાઓ ગ્રૅનાઇટના બંધારણમાં આવી જાય. પ્રથમ પ્રકારમાં ઉત્પત્તિજન્ય સામ્ય છે તો બીજામાં તફાવત જોવા મળે છે.

Peridotite mantle xenoliths

આગંતુક ખડકનો નમૂનો

સૌ. "Peridotite mantle xenoliths" | CC BY 2.0

ક્યારેક ગ્રૅનાઇટમાં જોવા મળતા બૅસાલ્ટના ઘેરા રંગના ટુકડા તેમજ  બૅસાલ્ટમાં સ્પષ્ટપણે જુદા પડતા ઑલિવિનના ગઠ્ઠા સંબંધિત આગંતુક ખડકનાં ઉદાહરણ લેખી શકાય. આવા ઑલિવિનના ગઠ્ઠા ધારદાર ખૂણાવાળા હોય છે, જે બૅસાલ્ટના પ્રસ્ફુટન અગાઉ સ્ફટિકીકરણ પામેલા ઑલિવિન સંકેન્દ્રણ  જથ્થાના તૂટવાથી, બૅસાલ્ટમાં ભરાયા હોવાનું સૂચવી જાય છે. બૅસાલ્ટમાંના ઑલિવિન, ઑગાઇટ કે લેબ્રેડોરાઇટ જેવા મહાસ્ફટિકો હોવાનું વલણ એ બાબતનો જ નિર્દેશ કરે છે. આ પ્રકારની આગંતુક સંરચના(xenolithic structure)ને જડ્ડ (Judd) નામના ખડકવિદે ગ્લોમેરોપૉર્ફીરિટિક સંરચના નામ આપ્યું છે. ગ્રૅનાઇટમાં જોવા મળતાં ઘેરાં બેઝિક સંકેન્દ્રણો(જેમાં ગ્રૅનાઇટના મેફિક બંધારણવાળાં ખનિજો સામાન્ય ગ્રૅનાઇટ કરતાં વધુ પ્રમાણમાં સંકેન્દ્રિત થયાં હોય છે)ની સ્થિતિ કદાચ ગ્રૅનાઇટના અંતર્ભેદન દરમિયાન પ્રવર્તતા આકસ્મિક સંજોગોને કારણે હોઈ શકે. પ્રાથમિક તબક્કાના સ્ફટિકીકરણ દ્વારા થયેલ ખનિજોના ટુકડાઓ તેમાં આગુંતુક સ્વરૂપે હોય.

આકસ્મિક આગંતુકો, બેશક, ગમે તે પ્રકારના ખડકના હોઈ શકે; અગ્નિકૃત ખડકોમાં જડાયેલા પ્રાદેશિક ખડકના ટુકડા, તેમની વચ્ચે થયેલ સંસર્ગવિકૃતિ(contact metamorphism)ની અસર હોય  તેથી જ બંને વચ્ચે બંધારણીય તફાવતનો સ્પષ્ટ ભેદ પણ ઉત્પન્ન થતો હોય છે. આવા આગંતુકો ક્યારેક મૅગ્મા દ્વારા ઓછાવત્તા પ્રમાણમાં આત્મસાત્ થાય છે, આત્મસાત્ થયા હોય તો તેમની બાહ્ય રૂપરેખા અસ્પષ્ટ ગોળાકાર હોય છે. આત્મસાતીભવનના અંતિમ તબક્કામાં તે લગભગ પૂર્ણપણે વિભાજિત થઈ જાય છે. તેમાંનાં ખનિજ ઘટકો પરિવર્તન પામ્યા હોય કે ન પણ પામ્યા હોય, પરંતુ પરિવેષ્ટિત મૅગ્માજન્ય ખડકના સમગ્ર ભાગમાં તે છૂટક છૂટક શોષિત થયા હોય છે. તેમની મૂળસ્થિતિ માત્ર રંગ કે કણરચનાના નજીવા ફેરફાર દ્વારા અવશેષરૂપ રહી ગયેલી રેખીય આકૃતિઓ દ્વારા જોઈજાણી શકાય છે. પરિણામે નવા જ પ્રકારના બંધારણવાળા ખડકો તૈયાર થાય છે, જેને હાર્કરના જણાવ્યા મુજબ સંકર (hybrid) ખડકો કહેવાય છે.

પાવાગઢમાં પિચસ્ટોન ખડકમાં બૅસાલ્ટના ટુકડા આગંતુક ખડકરૂપે જડાયેલા મળી આવેલ છે.

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ

ગિરીશભાઈ પંડ્યા