ઇન્ક્વિઝિશન : ઈસવી સનની 13મી સદીમાં પાખંડી તથા ખ્રિસ્તી ધર્મવિરોધીઓને સજા કરવા સ્થપાયેલી ધાર્મિક અદાલત. મધ્યયુગમાં રોમન ચર્ચ સત્તાધીશ બન્યું હતું. પાખંડીઓ કે નાસ્તિકોને સમાજના દુશ્મનો માનવામાં આવતા હતા. તેથી ઈ. સ. 1231માં પોપ ગ્રેગરી નવમાએ ધર્મવિરોધીઓ પર કામ ચલાવવા (પોપની) ધાર્મિક અદાલત સ્થાપી. તે અગાઉ 12મી અને 13મી સદીમાં રોમન કૅથલિકોનાં કેટલાંક જૂથોએ ચર્ચ-વિરુદ્ધ બળવો કર્યો હતો; પરન્તુ રાજાઓ તેમને સજા કરી શકતા ન હતા. તેથી ચર્ચે આ જવાબદારી સ્વીકારી. કોઈ વ્યક્તિને ધર્મ-વિરોધી ઠરાવવા માટે બે જણના આરોપો પૂરતા ગણાતા હતા. પ્રાયશ્ચિત્ત કરનાર નાસ્તિકોને માફી આપવામાં આવતી. ગુનો કબૂલ કરનાર આરોપીને પ્રાર્થના, યાત્રા કે ઉપવાસ કરવાની, સોટી મારવાની કે દંડ કરવાની – એવી એવી હળવી સજાઓ કરવામાં આવતી હતી. ગુનો કબૂલ કરાવવા માટે શારીરિક ત્રાસ આપવાની શરૂઆત ઇટાલીમાં થઈ. તેમાં શરીરનાં અંગો તાણવાં, આંગળીઓ અને અંગૂઠા કચડવા, ગરમ કોલસા વડે દઝાડવું વગેરે યાતનાઓ આપવામાં આવતી હતી. ગંભીર ગુના માટે સામાજિક બહિષ્કાર, કેદ, આજીવન કેદ, બધી મિલકત જપ્ત કરવી તથા મૃત્યુદંડ જેવી સજાઓનો સમાવેશ થતો હતો. હઠીલા પાખંડીને જાહેરમાં બાળી નાખવાની સજા કરવામાં આવતી હતી. ધાર્મિક અદાલતોના અધિકારીઓ શરૂઆતમાં ઉત્તર ઇટાલી, જર્મની અને પૂર્વ ફ્રાંસમાં કામ કરતા હતા. ત્યારબાદ દક્ષિણ ફ્રાંસ, પોર્ટુગલ અને સ્પેનમાં પણ ધાર્મિક અદાલતો સ્થપાઈ. ઇંગ્લૅન્ડમાં ધાર્મિક અદાલત સ્થપાઈ નહોતી.
ઈ. સ. 1252માં પોપ ઇનોસન્ટ ચોથાએ માહિતી કઢાવવા વાસ્તે આરોપીને ત્રાસ આપવાની પરવાનગી આપી હતી. સ્પેનના ફર્દિનાન્દ બીજા અને ઈઝાબેલાએ પોપની મંજૂરી મેળવીને જે ધાર્મિક અદાલત સ્થાપી, તે કુખ્યાત પણ થઈ. આ અદાલતને રાજ્યનો સંપૂર્ણ ટેકો મળતો હોવાથી તે ઘણી કઠોર થતી હતી. યહૂદી અને મુસ્લિમમાંથી ધર્માન્તર કરીને ખ્રિસ્તી થયેલ હોય અને વારંવાર પાપ કરતા હોય એવા લોકો માટે આ અદાલત સ્થપાઈ હતી. પછીથી પ્રૉટેસ્ટન્ટોની વિરુદ્ધ પણ એનો ઉપયોગ થયો. સ્પૅનિશ ધાર્મિક અદાલત 1808માં જૉસેફ બોનાપાર્ટે નાબૂદ કરી. 1814માં તેને પુનર્જીવિત કરવામાં આવી, પરંતુ 1820માં તેને કાયમ માટે નાબૂદ કરવામાં આવી.
અસંખ્ય લોકો ધાર્મિક અદાલતના ભોગ બન્યા હતા. તેમાં ફિલસૂફ ગિઓર્દાનો બ્રુનો, ગૅલિલિયો, જોન ઑવ્ આર્ક વગેરે જાણીતાં છે. તે સમયે ધાર્મિક અદાલત માટે લોકોને સહાનુભૂતિ હતી.
મુગટલાલ પોપટલાલ બાવીસી