ઇન્ગેન હૂઝ, યાન (જ. 8 ડિસેમ્બર 1730, બ્રેડા, નેધરલૅન્ડ્ઝ; અ. 7 સપ્ટેમ્બર 1799, વિકશાયર, ઇંગ્લૅન્ડ) : જન્મે ડચ એવા વિલક્ષણ બ્રિટિશ વૈજ્ઞાનિક, ફિઝિશિયન અને સંશોધક. પ્રકાશસંશ્ર્લેષણ-(photosynthesis)ની પ્રક્રિયા પરત્વેના તેમના સંશોધનના પરિણામે લીલા છોડ સૂર્યપ્રકાશમાં કાર્બન-ડાયૉક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે અને ઑક્સિજન મુક્ત કરે છે તે જાણી શકાય છે. શરૂઆતમાં તેઓ લંડનમાં ફિઝિશિયન હતા (1765-1768). પછી (1772-1779) તેઓ ઑસ્ટ્રિયાનાં મહારાણી મારિયા થેરેસાના દરબારી ડૉક્ટર નિમાયા. મહારાણીના કુટુંબને તેમણે ઉટાંટિયાની રસી આપી હતી. 1779માં તેમણે છોડ પર રાસાયણિક ક્રિયાની અસરો વિશેના અભ્યાસનાં પરિણામો પ્રગટ કર્યાં. આ પ્રયોગોને પરિણામે શાકભાજીના છોડ પરના પ્રયોગો, સૂર્યપ્રકાશની હવા શુદ્ધ કરવાની શક્તિ અને છાયામાં તથા રાત્રે તેને ઈજા કરવાની શક્તિ વિશે વિગતે જાણવા મળ્યું. તેમના સંશોધનથી ફલિત થયું કે (1) પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાશની જરૂર છે, (2) ફકત લીલા ભાગવાળા છોડ પ્રકાશસંશ્લેષણ કરે છે, (3) છોડનાં જીવંત અંગો હવાને ઉચ્છવાસથી દૂષિત કરે છે; પરંતુ લીલો છોડ આ નુકસાનને સારી રીતે દૂર કરવા શક્તિમાન હોય છે.

ઇન્ગેન હૂઝે સ્થિર (static) વિદ્યુત સારા પ્રમાણમાં ઉત્પન્ન કરતું યંત્ર શોધ્યું હતું (1766) અને ધાતુના સળિયામાં ઉષ્માવહનનું માપ કાઢવાનો સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો (1789).

કૃષ્ણવદન જેટલી