માહિમ : મુંબઈનું ઐતિહાસિક પરગણું. મુંબઈનો ટાપુ અને તેની આસપાસના નાના ટાપુઓ ગુજરાતના મુસ્લિમ સુલતાનોની સત્તા નીચે હતા. વસઈ એનું મુખ્ય મથક હતું. નુનો દ કુન્હા ઈ. સ. 1529માં ગોવાનો પૉર્ટુગીઝ ગવર્નર બન્યો એ પછી એણે 1532ના ડિસેમ્બરમાં વસઈ ઉપર આક્રમણ કરીને એ ટાપુ તથા ત્યાંનો મુસ્લિમ કિલ્લો જીતી લીધા. એ પછી થાણા, બાંદરા, માહિમ અને મુંબઈના ટાપુઓ પણ એણે જીત્યા. 1534ની 23મી ડિસેમ્બરે ગવર્નર નુનો દ કુન્હા અને ગુજરાતના સુલતાન બહાદુરશાહના પ્રતિનિધિ વચ્ચે જે સંધિ થઈ એનાથી વસઈનું સમગ્ર પરગણું એના બધા ટાપુઓ સાથે પૉર્ટુગીઝોને મળ્યું એટલે માહિમ પણ એમની સત્તા નીચે આવ્યું. પૉર્ટુગીઝ અમલ નીચે ઈ. સ. 1540માં અપર માહિમમાં સેન્ટ મિચેલનું દેવળ બંધાયું હતું.
એ સમયે મુંબઈનો ટાપુ ખાડીઓ દ્વારા 7 નાના બેટ(કોલાબા, અલ-સોમાની, મુંબઈ, મઝગાંવ, પરેલ, વર્લી અને માહિમ)માં વહેંચાયેલો હતો. આ બધાનું મુખ્ય વહીવટી મથક માહિમમાં હતું. એ માછીમાર કોળીઓથી વસેલું ગામ અથવા કસબો હતું. ત્યાં માંડવી અને જકાતનાકું હતાં. વડાલા અને સાયન પણ માહિમની સત્તા નીચે, જ્યારે માહિમ વસઈની સત્તા નીચે હતાં. મુંબઈની ખાડીઓમાં પુરાણ કરીને અને કૉઝવે તથા પુલો બનાવીને મુંબઈના સાત બેટોને વાહનવ્યવહારથી એકબીજા સાથે સાંકળી લેવામાં આવ્યા હતા.
સમય જતાં પૉર્ટુગલના રાજાએ મુંબઈનો સમગ્ર ટાપુ અંગ્રેજોને દહેજમાં આપ્યો હતો. અંગ્રેજોની મુખ્ય કોઠી સૂરતમાં હતી; પરંતુ શિવાજીએ સૂરતને 1664માં અને 1670માં એમ બે વખત લૂંટ્યું તથા એ પછી પણ મરાઠી લશ્કરો તક મળે ત્યારે સૂરતને લૂંટતાં હતાં. તેથી અંગ્રેજોએ મુંબઈને વિકસાવી એમનું મુખ્ય મથક સૂરતથી મુંબઈ ખસેડ્યું. મુંબઈનો વિકાસ થતાં માહિમ પણ એના એક પરા તરીકે વિકાસ પામતું રહ્યું છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી