માહિષક : એક ઐતિહાસિક નગર. રાષ્ટ્રકૂટ વંશના રાજા સુવર્ણવર્ષ કર્કરાજદેવે શક સંવત 746(ઈ. સ. 824)માં નાગકુમાર નામે બ્રાહ્મણને બ્રાહ્મણપલ્લિકા નામે ગામ દાનમાં દીધું, તેના દાનશાસનમાં એ ગામ માહિષક-42 નામે વહીવટી વિભાગમાં આવેલું હોવાનું અને એની ઉત્તરે ક્વલોઇકા, પૂર્વે નાબડ, દક્ષિણે લિક્કવલ્લી અને પશ્ચિમે ધાડિયપ્પ નામે ગામ હોવાનું જણાવ્યું છે. આ વહીવટી વિભાગનું વડું મથક માહિષક તે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનું મહીસા છે. આસપાસનાં ગામો પૈકી કવલોઇકા તે હાલનું કોયલી (તા. વડોદરા) છે ને દાનમાં આપેલું બ્રાહ્મણપલ્લિકા તે એની દક્ષિણે આવેલું બાયણ ગામ છે. માહિષક ત્યારે 42 ગામોના વહીવટી વિભાગનું વડું મથક હતું.

અમદાવાદની અહમદશાહની મસ્જિદના એક થાંભલા પર વાઘેલા સોલંકી મહારાજાધિરાજ વીસલદેવના સમયનો વિ. સં. 1308(ઈ. સ. 1251)નો લેખ કોતરેલો છે, જેમાં જણાવ્યું છે કે માહિસકમાં સોઢલદેવીના સેવક પેથડે શ્રી ઉત્તરેશ્વરદેવના મંડપમાં જાળી કરાવી. એમાં જણાવેલું માહિસક તે ઉપર જણાવેલું મહીસા છે. મહીસામાં હાલ ઉત્તરેશ્વર મહાદેવનું મંદિર મોજૂદ રહ્યું નથી, પરંતુ એનાં ખંડેરોમાં મળેલ નંદીની પ્રતિમા પરના ઈ. સ. 1269ના અભિલેખમાં ‘ઉત્તરેશ્વર’નો સ્પષ્ટ નિર્દેશ આવે છે. એ પરથી અમદાવાદની આ મસ્જિદમાંના થાંભલા મહીસાના એ ભગ્ન શિવાલયમાંથી અહીં આણેલા હોવાનું માલૂમ પડે છે. મહીસા કઠલાલની નજીક આવેલું છે ને હાલ ત્યાં બ્રહ્માજીનું મંદિર તથા ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ સ્થળે આવેલા પુરાતન અવશેષોમાં અનેક મનોહર શિલ્પકૃતિઓ તથા પ્રતિમાઓનો સમાવેશ થાય છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી