માર્સલ, ગેબ્રિયલ (જ. 7 ડિસેમ્બર 1889, પૅરિસ, ફ્રાંસ; અ. 8 ઑક્ટોબર 1973) : ફ્રાન્સના નાટ્યકાર. તેઓ અસ્તિત્વવાદી પરંપરાના તત્વચિંતક હતા; પરંતુ સાર્ત્રના નિરીશ્વરવાદી અસ્તિત્વવાદથી જુદા પડવાના આશયથી તેઓ ‘નિયોસૉક્રૅટિક’ તરીકે અથવા ‘ક્રિશ્ચિયન એક્ઝિસ્ટેન્શલિસ્ટ’ તરીકે પોતાને ઓળખાવતા હતા.
તેમણે સૉબૉર્ન ખાતે તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો; પરંતુ વ્યવસાયી પત્રકાર, શિક્ષક, તંત્રી અને વિવેચક તરીકે જીવનનિર્વાહ મેળવવાનું સ્વીકાર્યું. મોટાભાગના અસ્તિત્વવાદીઓની જેમ માર્શલ પર કિર્કગાર્ડનો ગાઢ પ્રભાવ પડ્યો હતો. 1929માં તેમણે કૅથલિક ધર્મ સ્વીકાર્યો હતો અને તેમની કૃતિઓમાં મહત્વના વિષયોમાં પ્રત્યક્ષ રીતે ધર્મ જ સંકળાયેલો જોવા મળે છે; દા.ત., તેઓ માનવને એક યાત્રિક તરીકે નિહાળે છે અને પરમ તત્વને તેઓ સ્વતંત્ર–પ્રેમાળ અસ્તિત્વ તરીકે મૂલવે છે.
સમસ્યા અને રહસ્ય વચ્ચે તેમણે જે ભેદરેખા દર્શાવી છે તેમાંથી તેમના તત્વદર્શી અને નાટ્યસહજ અભિગમનું પગેરું મળી રહે છે. તેમના મતે સમસ્યા એક એવી મુશ્કેલી છે, જે ‘પ્રાથમિક ચિંતન’(primary reflection)થી ઊકલી શકે છે અને આ પ્રાથમિક ચિંતન અમૂર્ત, પૃથક્કરણાત્મક અને પરલક્ષી છે. સમસ્યાનો ઉકેલ મળી જાય પછી તેમાં કશો રસ રહેતો નથી, જ્યારે રહસ્યનો ક્યારેય સંપૂર્ણ ઉકેલ મળતો નથી અને તે સતત જીવંત અને રસપ્રદ જ રહે છે. રહસ્યને પામવાની કોશિશ રૂપે ‘સમર્થક ચિંતન’(secondary reflection)ની જરૂર પડે છે. આ પ્રકારનું ચિંતન બાહ્ય પદાર્થો સાથે નહિ પણ અસ્તિત્વની ઉપસ્થિતિ સાથે સંકળાયેલ છે. વ્યક્તિના પોતાના જ જીવનસંદર્ભો સાથે તે લાક્ષણિક રીતે સંબદ્ધ હોય છે. સમર્થક ચિંતનના એક ર્દષ્ટાંત રૂપે માર્શલે દેહ સાથેના માનવીના સંબંધની એટલે કે અવતાર કે દેહધારણની ચર્ચા કરી છે. માર્શલની માન્યતા એવી છે કે જગત સાથેના માનવીના સંબંધની જેમ જ દેહ સાથેના તેના સંબંધ વિશે અમૂર્ત શબ્દો કે વિભાવનાઓથી સ્પષ્ટતા થઈ શકે નહિ. આથી જ આ સંબંધ ભલે પૂરેપૂરો અગમ્ય ન હોય તોપણ રહસ્ય તો રહે છે જ.
તેમના તત્વદર્શનના ગ્રંથોમાં ‘મેટાફિઝિકલ જર્નલ’ (1927), ‘બીઇંગ ઍન્ડ હૅવિંગ’ (1935), ‘હૉમો વિટૉર’ (1945) અને ‘ધ મિસ્ટરી ઑવ્ હૅવિંગ’નો સમાવેશ થાય છે.
મહેશ ચોકસી