માર્સિયાનો, રૉકી (જ. 1923, બ્રૉક્ટન, મૅસેચુસેટ્સ; અ. 1969) : અમેરિકાના હેવીવેટ મુક્કાબાજીના ચૅમ્પિયન. મૂળ નામ રૉકૉ ફ્રાન્સિસ માર્સેજિયાનો. સૌપ્રથમ તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનમાં સર્વિસમૅન તરીકે મુક્કાબાજીની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. 1947માં તેમણે વ્યવસાયી ધોરણે આ કારકિર્દી અપનાવી. 1951માં તેમણે ભૂતપૂર્વ વિશ્વચૅમ્પિયન જો લૂઈને હરાવીને વ્યાપક પ્રસિદ્ધિ મેળવી. તેમણે

રૉકી માર્સિયાનો

પછીના જ વર્ષે જર્સી જો વૉલકૉટને હરાવીને વિશ્વવિજેતાનું પદક તેની પાસેથી જીતી લીધું. 1956માં તેઓ નિવૃત્ત થયા ત્યારે વિશ્વના એકમાત્ર અપરાજિત હેવીવેટ ચૅમ્પિયન હતા. તેમનો વિક્રમ એ હતો કે તેઓ 49 વાર મુક્કાબાજીમાં ઊતર્યા તે તમામમાં વિજેતા નીવડ્યા અને તેમાં 43 વાર તો ‘નૉક-આઉટ’ના ધોરણે મુક્કાબાજી જીતી ગયા હતા. તેઓ એક હવાઈ દુર્ઘટનામાં માર્યા ગયા હતા.

મહેશ ચોકસી