મંક, વૉલ્ટર (જ. 17 ઑક્ટોબર 1917, વિયેના) :  અમેરિકાના અત્યંત સન્માનપ્રાપ્ત ભૂભૌતિકવિજ્ઞાની અને સમુદ્રવિજ્ઞાની. તેમણે થર્મોક્લાઇના બંધારણ, પવનપ્રેરિત સાગર-પ્રવાહો, સાગર-મોજાંનો ઉદભવ અને ફેલાવો જેવા વિષયો અંગે સિદ્ધાંતો તથા નિરીક્ષણ-તારણોની મૂલ્યવાન અભ્યાસ-સામગ્રી રજૂ કરી છે. ભરતીની આગાહી પણ તેમનું મૂલ્યવાન પ્રદાન છે. આ ઉપરાંત ઍટલાન્ટિક મહાસાગરમાં યોજાયેલ ‘મિડ-ઓશન ડાઇનૅમિક્સ એક્સપેરિમેન્ટ્સ’ (MODE) નામક અભિયાનમાં તેઓ સહયોગી બન્યા.

કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં ભૂભૌતિકવિજ્ઞાનની તાલીમ લીધા બાદ તેમણે સાન ડિયાગો ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી (1947) મેળવી. ત્યારબાદ એ જ યુનિવર્સિટીમાં તેઓ પૂરા સમયના પ્રોફેસર તરીકે નિમાયા. સાથોસાથ કૅલિફૉર્નિયામાં લા જોલા ખાતેની સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યૂટમાં અધ્યાપન પણ સ્વીકાર્યું. પછી તેઓ કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના રાજ્ય-સ્તરની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જિયૉફિઝિક્સ ઍન્ડ પ્લૅનિટરી ફિઝિક્સના નિયામક (1959) થયા હતા.

મહેશ ચોકસી