મંકોડા : મોટા કદની કીડી. કીડી, મંકોડા ઝિમેલ તરીકે ઓળખાતા આ કીટકોની દુનિયાભરમાં 10,000 અને ભારતમાં 1,000 જાતિઓ જોવા મળે છે. તે બધા ત્વક્-પક્ષ (hymenoptera) શ્રેણીના ફૉર્મિસિડી કુળના કીટકો છે. ભારતમાં વસતા મોટાભાગના મંકોડાનું શાસ્ત્રીય નામ Camponotus compress છે. અન્ય કીટકોની જેમ ફૉર્મિસિડી કુળના કીટકોનું શરીર શીર્ષ, ઉરસ્ અને ઉદર – એ ત્રણ ભાગોનું બનેલું હોય છે. શીર્ષના ભાગમાં સ્પર્શકો, સંયુક્ત આંખો અને સશક્ત મજબૂત જડબાં જોડમાં હોય છે. સ્પર્શકો અનેક ખંડોના બનેલા હોય છે; જેના નિકટવર્તી ખંડો, દૂરસ્થ ખંડથી કાટખૂણે જોડાયેલા હોય છે. વંધ્ય કામગાર કીડી-મંકોડાની આંખો સાદી હોય છે. જ્યારે રાણી અને નર કીડી-મંકોડા સંયુક્ત આંખો ધરાવે છે. મંકોડાનાં મુખાંગો કાપવા અને ચાવવા માટે ઘડાયેલાં હોય છે. મંકોડાનાં જડબાં ખૂબ મોટાં અને શ્રેણીબદ્ધ સ્નાયુઓથી જોડાયેલાં હોય છે. તેની અધોહનુની પકડ એટલી મજબૂત હોય છે કે ભલે શીર્ષ કપાઈ જાય, પણ જોડાયેલી અધોહનુ છૂટી પડી શકતી નથી. ઉરસ્ ત્રણ ખંડોનું બનેલું હોય છે, જેમાં પ્રવક્ષ-પૃષ્ઠક (pronotum) નામથી ઓળખાતો પ્રથમ ખંડ વિસ્તૃત તકતી રૂપે હોય છે. ઉરસ્ના ત્રણ ખંડોમાંથી ત્રણ જોડ ચલનપાદ અને બીજા અને ત્રીજા ખંડની કડીના પાર્શ્વભાગમાંથી 2 જોડ પાંખો નીકળે છે. પાંખો માદા (રાણી) અને નર મંકોડામાં માત્ર પ્રજનનકાળમાં જોવા મળે છે. વંધ્ય માદાને પાંખ હોતી નથી. મંકોડાના ઉદરપ્રદેશનો ખંડ આકારે દંડ જેવો હોય છે. ઉદરપ્રદેશમાં ડંખાંગ પણ આવેલું હોય છે.

મંકોડાની શરીરરચના

નર અને વંધ્ય કામગાર મંકોડા કરતાં રાણી કદમાં મોટી હોય છે. નર મંકોડાની સંખ્યા જૂજ હોય છે. મોટાભાગના મંકોડા વંધ્ય કામગાર પ્રકારના હોય છે. તેમને અંડપિંડ હોય છે; પરંતુ તેઓ શુક્ર-સંગ્રહાશય ધરાવતા હોતા નથી. નર મંકોડાની ઉત્પત્તિ રાણીનાં અફલિત અંડોમાંથી થાય છે અને તેથી તેઓ જનીનોની ર્દષ્ટિએ અર્ધસૂત્રી (haploid) હોય છે.

મંકોડા મુખ્યત્વે ભેજવાળી પોચી કે ખેતરાઉ જમીનમાં કે પથ્થરોની ખાંચોમાં દર કરીને રહે છે. જોકે મંકોડાની કેટલીક જાતિઓ સૂકા કે સડી જતા લાકડામાં ઊભાં કે આડાં દર બનાવીને રહે છે. ખુલ્લી જમીનમાં વાસ કરતા મંકોડા જમીનની અંદર વસતાં જીવજંતુઓનું ભક્ષણ કરે છે. ઘણી વાર મંકોડાનો મોટો કાફલો જંગલમાં વૃક્ષો ઉપર કે જમીન ઉપર હરોળમાં કૂચ કરતો જોવા મળે છે. આવા ઝિમેલ પ્રકારના મંકોડા માર્ગમાં જે પ્રાણી પસાર થતાં હોય તેમને સાફ કરી નાંખે છે. સાપ જેવા પ્રાણીઓને તે જૂજ મિનિટોમાં સફાચટ કરી નાંખે છે.

મંકોડા વસાહતી કીટક છે. તેમની સમાજવ્યવસ્થા ખૂબ વિકસિત છે. કીડી-મંકોડામાં સામાજિક જીવનપ્રથા ખૂબ ઉત્ક્રાંતિ પામી છે. કીડી-મંકોડા પૃથ્વીના ઉષ્ણ પર્યાવરણમાં ઓછામાં ઓછા 10 કરોડ વર્ષથી વાસ કરતા જણાયા છે. કીડી-મંકોડાની વસાહતમાં અન્ય પ્રકારના કીટકો આશ્રય લેતા હોય છે. તેમના દર કે રાફડામાં ક્યારેક અન્ય મહેમાન, પરોપજીવી સજીવો, અન્ય હાનિકારક ભક્ષક કીટકો પણ વસતા હોય છે.

મંકોડા ઈંડું, ડિંભ અને કોશેટાવસ્થામાંથી પસાર થઈને પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે. પુખ્ત કામગાર મંકોડાનું કદ 6થી 10 મિમી., પાંખયુક્ત નરનું કદ પણ 6થી 10 મિમી., જ્યારે રાણીનું કદ 15 મિમી. જેટલું હોય છે. માદા જમીનમાં કે કોતરેલા લાકડાની બખોલમાં ઈંડાં મૂકે છે. ઈંડાં સેવનથી 15થી 45 દિવસમાં ડિંભાવસ્થા(ઇયળ)ની અવસ્થા પ્રાપ્ત કરે છે. આ ડિંભાવસ્થા 1થી 4 મહિના સુધી ચાલે છે. ત્યારબાદ તે કોષાવસ્થામાં પ્રવેશે છે, જે 1થી 4 મહિના સુધી રહે છે. કામગારનું આયુષ્ય 7 વર્ષનું, જ્યારે રાણીનું આયુષ્ય 15 વર્ષનું હોય છે.

મંકોડાના પ્રકાર

ભારતમાં કેમ્પોનોટ્સ ઉપરાંત અન્ય મંકોડાઓ પણ મળી આવે છે. ‘ઇકોફાયલા સ્મારગ્ડિના’ નામે ઓળખાતા મંકોડા ઝાડનાં પાંદડાંને લાળથી જોડી તેનો માળો બનાવી તેની અંદર રહે છે. ડૉરિલિની જાતના મંકોડા લશ્કરી મંકોડા તરીકે ઓળખાય છે. ડ્રાયડૉલ જાતના મંકોડા રાફડામાં ફૂગની ખેતી કરી તેનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે.

મંકોડા વનસ્પતિનાં મૂળ કે લાકડું કોરી ખાય છે. વળી તેઓ ખાદ્ય પદાર્થોનો બગાડ કરી કે અન્ય રીતે નુકસાનકારક બને છે. તેઓ અસંખ્ય હાનિકારક જીવોનું ભક્ષણ કરીને, ફૂલોનું પરાગનયન કરીને, તેમજ જમીનમાં વાસ કરી, અળસિયાની જેમ જમીનને પોચી બનાવી તેને ફળદ્રૂપ બનાવતા હોય છે. તેથી આડકતરી રીતે મંકોડાની ગણના ઉપયોગી કીટકોમાં થાય છે.

રા. ય. ગુપ્તે