મહેન્દ્ર પ્રતાપ, રાજા (જ. 1 ડિસેમ્બર 1886, મુરસન, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1979) : ભારતીય ક્રાંતિકાર. વિદેશમાં સ્થાપેલી ભારતની કામચલાઉ સરકારના પ્રમુખ. તેમના પિતા રાજા ઘનશ્યામ સિંહ શ્રીમંત જમીનદાર હતા. હાથરસના રાજા હરનારાયણ સિંહે મહેન્દ્ર પ્રતાપને દત્તક લીધા અને તેમની સાથે ઝિંદ રાજ્યના શાસકની પુત્રી નાની ઉંમરે પરણાવી. તેમણે અલીગઢની સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ ઇન્ટરમીડિયેટની પરીક્ષા પસાર કરીને તેમની જાગીરનો વહીવટ સંભાળવા 1907માં અભ્યાસ છોડી દીધો. તેઓ માતૃભૂમિની મુક્તિ માટે અતિ ઉત્સુક એવા દેશભક્ત હતા. ભારતમાં પ્રાચીન આર્ય સંસ્કૃતિ અને વિચારસરણીને તેઓ ઉત્તેજન આપતા હતા. તેમણે વૃંદાવનમાં પ્રેમ વિદ્યાલય નામની ટૅકનિકલ સંસ્થા 1909માં શરૂ કરીને તેના ખર્ચ માટે તેમનાં પાંચ ગામોની આવક દાનમાં આપી. યુરોપમાં અપાતા ટૅકનિકલ શિક્ષણની પદ્ધતિનો અભ્યાસ કરવા 1911માં તેમણે યુરોપના દેશોનો પ્રવાસ કર્યો. તેઓ માનતા હતા કે દરેક યુવકને ઉપયોગી ઉદ્યોગ શીખવવો જોઈએ; જેથી તેઓ જીવનની સમસ્યાઓનો સામનો કરી શકે.
તેઓ આર્થિક સમાનતામાં માનતા અને વર્ગવિગ્રહની વિભાવનાના વિરોધી હતા. પોતે મોટા જમીનદાર હોવા છતાં જમીનદારી-નાબૂદીની હિમાયત કરતા હતા. વિદેશોમાં સ્થાયી થયેલા સાહસિક ભારતીયોએ દેશમાં મૂડીરોકાણ કરવું જોઈએ એવું તેઓ માનતા હતા.
તેમને લાગ્યું કે દેશમાં રહીને ક્રાંતિકારી સ્વાતંત્ર્યસંગ્રામ લડવાનું શક્ય નથી. તેથી ભારતમાંથી બ્રિટિશ રાજ નાબૂદ કરવા અન્ય દેશોની મદદ મેળવવા માટે તેમણે વિદેશોનો વ્યાપક પ્રવાસ ખેડ્યો. 1914થી 1945 સુધી, એટલે ત્રણ દાયકા પર્યંત તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, જાપાન, ચીન વગેરે દેશોમાં રહ્યા અને દેશની સ્વતંત્રતા માટે સતત કામ કરતા રહ્યા. દેશની આઝાદી માટે, જીવનનાં મોટાભાગનાં વરસો, ભટકતું જીવન ગાળવાનું પસંદ કરનાર, ભાગ્યે જ અન્ય કોઈ રાજવી હશે !
પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં તેઓ યુરોપ ગયા. જિનીવામાં લાલા હરદયાળને મળીને જર્મની ગયા. બર્લિનમાં કૈસરની મુલાકાત લીધા બાદ, ભારતની સ્વતંત્રતાની ચળવળને વેગ આપવા, જર્મન સરકારની મદદથી ઇન્ડો-જર્મન મિશન અફઘાનિસ્તાન મોકલવાનું ઠરાવવામાં આવ્યું. તેના વડા તરીકે રાજા મહેન્દ્ર પ્રતાપને મોકલવામાં આવ્યા. કાબૂલ જતા મિશને ઇસ્તંબૂલમાં તુર્કીના સુલતાનની મુલાકાત લીધી. કાબૂલમાં તેઓ અફઘાનિસ્તાનના અમીર (રાજા) હબીબુલ્લાને મળ્યા અને 1 ડિસેમ્બર, 1915ના રોજ ભારતની કામચલાઉ સરકારની સ્થાપના કરી. તેના પ્રમુખ રાજા મહેન્દ્ર પ્રતાપ બન્યા. તેમણે બરકતુલ્લાને વડાપ્રધાન તથા ઓબીદુલ્લાને ગૃહખાતાના પ્રધાન નીમ્યા. આ કામચલાઉ સરકારે અફઘાન સરકાર સાથે કરાર કર્યા તથા જાહેરનામાં પ્રગટ કર્યાં. પ્રમુખ મહેન્દ્ર પ્રતાપે રશિયાના ઝારને પત્ર પણ લખ્યો હતો. પાછળથી માર્ચ 1918માં તેઓ ત્રોત્સ્કીને લેનિનગ્રાદમાં મળ્યા હતા. આ સરકારથી કોઈ નોંધપાત્ર પરિણામ આવ્યું નહિ અને મહેન્દ્ર પ્રતાપ બર્લિન પાછા ફર્યા. તે પછી તેઓ અમેરિકા ગયા અને ગદર પક્ષની સાથે કામ કર્યું. ગદર પક્ષે 1926માં તેમને અંગ્રેજો સામે બળવા માટે સંગઠન સાધવા તિબેટ મોકલ્યા. ભારતની વાયવ્ય સરહદનાં રાજ્યોનો સંઘ સ્થાપીને બ્રિટિશ અંકુશમાંથી મુક્તિ મેળવવાની યોજનાનો અમલ કરાવવા તેમણે કેટલાંક વરસ પ્રયાસો કર્યા. અંગ્રેજો વિરુદ્ધની પ્રવૃત્તિ કરવા જાપાન જઈને તેમણે ઇન્ડિયા લીગની સ્થાપના કરી. પોતાના રાજકીય હેતુઓ ફળીભૂત ન થવાથી તેઓ ધર્મ તરફ વળ્યા અને વિશ્વ સમવાયતંત્રની રચના કરવાના સંદિગ્ધ વિચારો કરવા લાગ્યા.
માનવજાતના કલ્યાણ માટે ધર્મની આવશ્યકતા તેઓ સ્વીકારતા હતા. બધા ધર્મોની એકતામાં અને બધા લોકોની સમાનતામાં તેઓ માનતા હતા. બધા લોકો અને રાષ્ટ્રોની સમાનતાના પાયા પર વિશ્વ-સમવાયતંત્ર રચવામાં આવે તો લોકો દ્વારા થતું બીજા લોકોનું શોષણ દૂર કરી શકાય એવો તેમનો અભિપ્રાય હતો. શિકાગોમાં, 1929માં તેમણે ગોરાઓ અને નિગ્રો વચ્ચે સમાનતાની હિમાયત કરી હતી.
તેઓ અસરકારક વક્તા અને સાહસિક પત્રકાર હતા. વિદેશ જતાં અગાઉ 1914માં તેમણે હિંદીમાં ‘પ્રેમ’ અને હિંદી તથા ઉર્દૂમાં ‘નિર્બળ સેવક’ નામનાં અખબારો શરૂ કર્યાં હતાં. દેશવટા દરમિયાન તેઓ કાનપુરનાં ‘હિંદ પ્રતાપ’, લાહોરના ‘જમીનદાર’, ‘મિલાપ’, ‘વંદે માતરમ્’ અને ‘સ્વરાજ’ તથા અમૃતસરના ‘અકાલી’ નામનાં વર્તમાનપત્રોમાં વખતોવખત લેખો લખતા હતા. 1929 પછી તેમણે ‘વર્લ્ડ ફેડરેશન’ નામનું માસિક શરૂ કર્યું હતું. 1945માં લાંબા સમયના દેશવટા બાદ તેઓ સ્વદેશ પાછા ફર્યા ત્યારે અનેક રાષ્ટ્રવાદીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. 1946માં મેરઠમાં ભરાયેલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશનના સ્થળને મહેન્દ્ર પ્રતાપ નગર નામ આપવામાં આવ્યું હતું તથા મહેન્દ્ર પ્રતાપ તેની સ્વાગત સમિતિના ઉપપ્રમુખ હતા. મુસ્લિમ લીગે ‘સીધાં પગલાં દિન’ ઊજવ્યો અને કોમી રમખાણો ફાટી નીકળ્યાં ત્યારે હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી તરીકે, શાંતિ સ્થાપવા માટે તેમણે અસરગ્રસ્ત પ્રદેશોનો પ્રવાસ યોજ્યો હતો.
આજીવન ક્રાંતિકારી એવા મહેન્દ્ર પ્રતાપ તેમના જીવનનાં પાછલાં વરસોમાં અહિંસા અને ગાંધીજીના કાર્યક્રમને સ્વીકારતા થયા હતા. સ્વાતંત્ર્ય-સંગ્રામમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અદ્વિતીય પ્રદાનની પણ તેઓ પ્રશંસા કરતા હતા. 1957માં મથુરા મતદાર વિભાગમાંથી તેઓ લોકસભામાં ચૂંટાયા હતા, પરંતુ 1962ની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. તે પછી તેમણે રાજકારણ અને જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધેલી.
જયકુમાર ર. શુક્લ